News of Thursday, 5th November 2026
સહકાર ભારતી ગુજરાતના ક્રેડિટ સોસાયટી પ્રકોષ્ઠના પ્રાંત સંયોજક તરીકે પ્રવીણભાઈ નિમાવતની નિયુક્તિ
અર્બન કો-ઓપરેટિવ બેંક પ્રકોષ્ઠના સૌરાષ્ટ્ર-કચ્છના સંયોજક તરીકે જાણીતા ઉદ્યોગપતિ દીપકભાઈ પટેલની વરણી : અમદાવાદમાં યોજાયેલી પ્રદેશ બેઠકમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા આહવાન

રાજકોટ : તાજેતરમાં અમદાવાદ ખાતે સહકાર ભારતી ગુજરાત પ્રદેશના વિવિધ પ્રકોષ્ઠોના હોદ્દેદારોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સહકારી ક્ષેત્રના સંગઠનને વધુ મજબૂત બનાવવા તથા વિવિધ પ્રકોષ્ઠોની કામગીરીને વેગ આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટના જાણીતા શિક્ષણશાષી અને સહકારી આગેવાન ડો. પ્રવીણભાઈ નિમાવતની ક્રેડિટ સોસાયટી પ્રકોષ્ઠના ગુજરાત પ્રાંત સંયોજક તરીકે તથા જાણીતા ઉદ્યોગપતિ અને જૈન સમાજના અગ્રણી શ્રી દીપકભાઈ પટેલની અર્બન કો-ઓપરેટિવ બેંક પ્રકોષ્ઠના સૌરાષ્ટ્ર-કચ્છ સંયોજક તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી.
ડો. પ્રવીણભાઈ નિમાવત રાજકોટની અવધૂત ક્રેડિટ સોસાયટીના ચેરમેન, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન, ભાજપ સહકારી સેલના પૂર્વ કન્વીનર અને રામાનંદ સાધુ સમાજના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. શિક્ષણક્ષેત્રે તેમની વિશિષ્ટ સેવાઓ બદલ તેઓ રાજ્યપાલ તથા રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત થયા છે. તેઓ રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી પણ સન્માનિત છે. શિક્ષણ અને સહકારી ક્ષેત્રના તેમના બહોળા અનુભવને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના અર્બન કો-ઓપરેટિવ બેંક પ્રકોષ્ઠના સંયોજક તરીકે નિયુક્ત થયેલા શ્રી દીપકભાઈ પટેલ જાણીતા ઉદ્યોગપતિ, જૈન સમાજના અગ્રણી તથા વિજય કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકના પૂર્વ વાઇસ ચેરમેન છે. સહકારી બેંકિગ ક્ષેત્રે તેમના અનુભવનો સંગઠનને લાભ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
આ બેઠકમાં સહકાર ભારતીના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશભાઈ પટેલ, રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી સંજયજી પાંચપોલ, ક્ષેત્રીય સંગઠન પ્રમુખ શ્રી જીવણભાઈ ગોલે, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી કાંતિભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી જેન્તીભાઈ કેવત, રાષ્ટ્રીય સંપર્ક પ્રમુખ શ્રી વિનોદભાઈ બરોચીયા, પ્રાંત ઉપાધ્યક્ષ શ્રી નલીનભાઈ વસા, શ્રીમતી નયનાબેન મકવાણા, પ્રદેશ મંત્રી શ્રી અશોકભાઈ ચૌધરી, શ્રીમતી જલ્પાબેન જૈન, શ્રી સુરેશભાઈ આહીર, પ્રદેશ અર્બન બેંક પ્રકોષ્ઠ પ્રમુખ શ્રી ગૌતમભાઈ વ્યાસ, શ્રી કેતનભાઈ પટેલ તથા પ્રદેશ મહિલા પ્રમુખ શ્રીમતી દીપ્તિબેન પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ મહાનગર સહકાર ભારતીમાંથી અધ્યક્ષ ડો. એન.ડી. શીલુ, સંગઠન પ્રમુખ શ્રી જયેશભાઈ સંઘાણી, મંત્રી શ્રી વિભાભાઈ મિયાત્રા, કોષાધ્યક્ષ એડવોકેટ શ્રી અનિરુદ્ધભાઈ નથવાણી, પ્રકોષ્ઠ સંયોજક શ્રી યશભાઈ સોજીત્રા તથા ક્રેડિટ સોસાયટી પ્રકોષ્ઠના સંયોજક ડો. પ્રવીણભાઈ નિમાવત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં સમગ્ર ગુજરાતમાં સહકારી સંસ્થાઓ, ક્રેડિટ સોસાયટીઓ અને અર્બન કો-ઓપરેટિવ બેંકોના માધ્યમથી સહકારની ભાવનાને વધુ વ્યાપક બનાવવા તથા સહકારી જગતનો પાયો મજબૂત કરવા આહવાન કરવામાં આવ્યું હતું.
ડો. પ્રવીણભાઈ નિમાવત અને શ્રી દીપકભાઈ પટેલની નિયુક્તિને પગલે શિક્ષણ, ઉદ્યોગ, સામાજિક અને સહકારી ક્ષેત્રના આગેવાનો તથા શુભેચ્છકો તરફથી બંને ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.
અભિનંદન અને શુભેચ્છા માટે ડો. પ્રવીણભાઈ નિમાવતનો સંપર્ક નંબર ૯૪૨૬૨ ૫૦૫૦૩, શ્રી દીપકભાઈ પટેલનો સંપર્ક નંબર ૯૮૨૫૫ ૦૭૬૫૮ તથા રાજકોટ મહાનગર સહકાર ભારતીના સંગઠન પ્રમુખ શ્રી જયેશભાઈ સંઘાણીનો સંપર્ક નંબર ૯૪૨૮૨ ૦૦૫૨૦ છે

(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
