<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

રાજ્યમાં ચાર દિવસ પછી પ્રિ મોન્સૂન એક્ટિવિટી થશે :શનિવારથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી

બે દિવસ પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી અને કચ્છ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત પવનો ફૂંકાઇ શકે

અમદાવાદ :ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આજે અમદાવાદ, અરવલ્લી, સાબરકાંઠા સહિત રાજ્યના અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તેમજ ઠંડા પવનો ફૂંકાયા હતા. જોકે વાદળોની વચ્ચે સંતાકુકડી રમતા સૂર્યનો તાપ યથાવત રહેતા ગરમીનું જોર રહ્યું છે. ત્યારે ચાર દિવસ બાદ રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે અને કેટલાક ભાગોમાં વરસાદી માહોલ સર્જાઇ શકે છે. હવામા વિભાગ અનુસાર 30 મેથી 1 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે. 

એક તરફ 30 મેથી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. ત્યારે બીજી તરફ 26 મેથી 28 મે દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો ખાસ કરીને પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી અને કચ્છ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત પવનો ફૂંકાઇ શકે છે. જેના પગલે આ વિસ્તારમાં અસ્વસ્થતા અને અકળામણ અનુભવાઇ શકે છે.

હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય ત્યાર બાદ 2થી 3 ડિગ્રી સુધી ઘટાડો નોંધાઇ શકે છે. જોકે રાજ્યના કેટલાક ભાગોમાં સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 40 ડિગ્રી કે તેથી વધુ નોંધાઇ શકે છે.

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, 30 મે 2026ના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

31 મે 2026ના રોજ પંચમહાલ, દાહોદ, મહિસાગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 

1 મે 2026ના રોજ અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સાનુકૂળ સંજોગોમાં આગળ વધી રહ્યું છે અને 25 મે 2026 સુધીમાં તેની ઉત્તરીય મર્યાદા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના પ્રમુખ ભૌગોલિક ક્ષેત્રો સુધી પહોંચી છે. આગામી 2 થી 3 દિવસ દરમિયાન આ સિસ્ટમ દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્ર, કોમોરિન વિસ્તાર અને બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં વધુ પ્રસરવાની પ્રબળ સંભાવના સેવાઈ રહી છે. આ પ્રગતિની સાથે, પંજાબથી અરબી સમુદ્ર સુધી ફેલાયેલા હળવા દબાણ અને 28 મે 2026થી સક્રિય થનારા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર-પશ્ચિમ ભારતના હવામાનમાં મહત્વના ફેરફારો થવાની શક્યતા છે.

(7:35 PM IST)