તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
સોમવારથી રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને જૂન અંતમાં સારો વરસાદ પડશે :અંબાલાલ પટેલ
કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે ત્યારબાદ 8 થી 15 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા

ગુજરાતમાં હાલ આકાશમાંથી આગ ઝરી રહી છે અને અનેક શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ત્યારે ગરમીમાં શેકાતા ગુજરાતીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હવે રાજ્યમાં ગરમીનું જોર ધીમે-ધીમે ઘટશે અને ટૂંક સમયમાં જ વરસાદી માહોલ જામશે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં અત્યારે હીટવેવની જે સ્થિતિ છે તેમાં 16 મે પછી મોટો ફેરફાર જોવા મળશે. પવનોની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે, જેના કારણે લોકોને અસહ્ય ગરમી અને લૂ માંથી આંશિક રાહત મળશે.
ચોમાસા પહેલાના વરસાદ એટલે કે પ્રી-મોન્સૂન એક્ટિવિટીને લઈને અંબાલાલ પટેલે મહત્વની વિગતો આપી છે. તેમની આગાહી મુજબ, 18 થી 23 મે ના સમયગાળા દરમિયાન રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થશે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. ત્યારબાદ 8 થી 15 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, જે વરસાદને ખેંચી લાવશે. અંતે 23 થી 28 જૂન સુધીમાં રાજ્યમાં વાવણી લાયક અને સાર્વત્રિક સારો વરસાદ થવાની પ્રબળ સંભાવના છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદિપ શર્માના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. આજે પણ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અન્ય શહેરોમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
