તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
તાપી જિલ્લામાં પ્રિ-મોન્સૂન રિવ્યુ બેઠક યોજાઈ: જોખમવાળા વિસ્તારોનું મેપિંગ અને ડેટાબેઝ તૈયાર થશે
ચોમાસા દરમિયાન 24 કલાક કંટ્રોલરૂમ કાર્યરત રહેશે : ડૉ. વિપીન ગર્ગ :ગટર સફાઈ અને જોખમી માળખાં દૂર કરવાની સૂચના

આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ડૉ. વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પ્રિ-મોન્સૂન રિવ્યુ બેઠકમાં આપત્તિ વ્યવસ્થાપન અને જનસુરક્ષા માટે વિવિધ વિભાગોને સતર્ક રહેવા તથા સુચારૂ આયોજન ગોઠવવા સૂચનાઓ આપવામાં આવી હતી.
વ્યારા ખાતે યોજાયેલી બેઠક દરમિયાન કલેક્ટરે ચોમાસા દરમિયાન કુદરતી આપદાની સ્થિતિમાં જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા તમામ વિભાગો વચ્ચે વધુ સંકલન રાખવા ભાર મૂક્યો હતો. જિલ્લા તેમજ તાલુકા કક્ષાના કંટ્રોલરૂમ 24 કલાક કાર્યરત રાખવા તેમજ દર બે કલાકે વરસાદના આંકડા ડિઝાસ્ટર શાખાને મોકલવા નિર્દેશ આપવામાં આવ્યા હતા.
બેઠકમાં તાલુકાવાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા, અધિકારીઓ અને કર્મચારીઓની વિગતો અપડેટ રાખવા તેમજ સંભવિત જોખમવાળા વિસ્તારોનું મેપિંગ કરવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ નીચાણવાળા વિસ્તારો, પુરગ્રસ્ત ગામો અને તરવૈયાઓની યાદી તૈયાર કરવા તેમજ તલાટી અને સરપંચોના મોબાઈલ નંબરનો ડેટાબેઝ તૈયાર રાખવા પણ ભાર મૂકાયો હતો.
ચોમાસા પૂર્વે ગટર તેમજ નદી-નાળાની સફાઈ, જોખમી વૃક્ષોનું કટીંગ તથા ભયજનક ઈમારતો અને હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા કલેક્ટરે સંબંધિત વિભાગોને સૂચનાઓ આપી હતી. સાથે જ લાઈફ બોયા, લાઈફ જેકેટ અને જનરેટર જેવા બચાવ સાધનોની કાર્યક્ષમતાની ચકાસણી કરવા પણ ખાસ ભાર મૂકાયો હતો.
તાપી જિલ્લામાં ચોમાસા દરમિયાન કોઈપણ આપત્તિજનક સ્થિતિમાં ઝડપી પ્રતિસાદ મળી રહે તે માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ 24 કલાક કંટ્રોલરૂમ કાર્યરત રાખવામાં આવશે. વરસાદના આંકડાની નિયમિત મોનિટરિંગ, નીચાણવાળા વિસ્તારોની ઓળખ, પુરગ્રસ્ત ગામોની યાદી તથા બચાવ કામગીરી માટે તરવૈયાઓ અને આપદામિત્રોની ટીમ તૈયાર રાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
તાપી જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવા માટે લાઈફ બોયા, લાઈફ જેકેટ, જનરેટર સહિતના બચાવ સાધનોની ચકાસણી હાથ ધરાશે. સાથે જ ભયજનક ઈમારતો, જોખમી હોર્ડિંગ્સ અને વરસાદી પાણીના ભરાવા સર્જતા વિસ્તારોની ઓળખ કરી સમયસર કાર્યવાહી કરવા તંત્રને સૂચના આપવામાં આવી છે.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
