<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

૨૬ વર્ષ બાદ ફરી બજારમાં ગોલ્‍ડ સ્‍પોટની વાપસીની તૈયારી

જૂની યાદો સાથે ઠંડાં પીણાંના બજારમાં નવી સ્‍પર્ધા ગોલ્‍ડ સ્‍પોટનો ઇતિહાસ ૧૯૫૨ થી ૨૦૦૦ સુધીની લોકપ્રિય સફર, ૧૯૯૩માં કોકા-કોલાની એન્‍ટ્રી અને પાર્લેની બ્રાન્‍ડ્‍સનું હસ્‍તાંતરણ, આખરે ગોલ્‍ડ સ્‍પોટ કેમ બંધ કરવામાં આવ્‍યું..?, ૨૬ વર્ષ બાદ ગોલ્‍ડ સ્‍પોટની વાપસી કંપનીની ૨૦૨૬ની નવી વ્‍યૂહરચના, ભારતનું ઠંડાં પીણાનું બજાર : આશરે રૂ.૬૦,૦૦૦ કરોડનું ક્ષેત્ર, ભારતીય બજારમાં મુખ્‍ય સ્‍પર્ધકો કોણ છે..?, બજાર હિસ્‍સાની સ્‍પર્ધા કોકા-કોલા સામે પેપ્‍સિકો અને કેમ્‍પા.., લો-શુગર અને નો-શુગર પીણાં તરફ વધતો ઝુકાવ, ગોલ્‍ડ સ્‍પોટ સામે ફેન્‍ટાની સીધી સ્‍પર્ધા થશે...?, ગોલ્‍ડ સ્‍પોટની સફળતા માટે પાંચ મહત્ત્વના પડકાર પાર્લેની લોકપ્રિય ઓરેન્‍જ ડ્રિંક બ્રાન્‍ડને ફરી જીવંત કરવાની કોકા-કોલાની તૈયારી : લો-શુગર અને નો-શુગર વિકલ્‍પો પર ભાર, ફેન્‍ટા સહિતની બ્રાન્‍ડ્‍સ સામે નવી સ્‍પર્ધાની શકયતા

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપી : ભારતના ઠંડાં પીણાંના બજારમાં એક જૂની અને લોકપ્રિય બ્રાન્‍ડ ફરી ચર્ચામાં આવી છે.            એક સમયે બાળકો,  યુવાનો અને પરિવારોમાં ખાસ લોકપ્રિય રહેલું ઓરેન્‍જ ફ્‌લેવરનું ઠંડું પીણું ગોલ્‍ડ સ્‍પોટ (Gold Spot) ફરી બજારમાં ઉતારવાની તૈયારી થઈ રહી હોવાના અહેવાલો સામે આવ્‍યા છે.

લગભગ ૨૬ વર્ષ પહેલાં બજારમાંથી વિદાય લીધેલી આ બ્રાન્‍ડની વાપસી માત્ર એક જૂના પીણાની પુનઃશરૂઆત નથી, પરંતુ ભારતના ઝડપથી બદલાતા સોફ્‌ટ ડ્રિંક માર્કેટમાં કોકા-કોલાની નવી વ્‍યૂહરચનાનો પણ ભાગ બની શકે છે.

એક તરફ જૂના ગ્રાહકોમાં ગોલ્‍ડ સ્‍પોટની યાદો છે, તો બીજી તરફ નવી પેઢી માટે ઓછી ખાંડવાળાં અને ખાંડ વગરનાં પીણાંની માંગ વધી રહી છે. આ સ્‍થિતિમાં ગોલ્‍ડ સ્‍પોટની વાપસી કેટલી સફળ રહેશે અને બજારમાં તેની સામે કઈ બ્રાન્‍ડ્‍સનો પડકાર રહેશે તે જોવું રસપ્રદ રહેશે.

ગોલ્‍ડ સ્‍પોટનો ઇતિહાસ : ૧૯૫૨ થી ૨૦૦૦ સુધીની લોકપ્રિય સફર

ભારતમાં ઠંડાં પીણાંના ઇતિહાસમાં ગોલ્‍ડ સ્‍પોટનું એક વિશેષ સ્‍થાન રહ્યું છે. આજની જેમ તે સમયે બજારમાં અનેક આંતરરાષ્‍ટ્રીય બ્રાન્‍ડ્‍સ ઉપલબ્‍ધ નહોતી. ભારતીય કંપનીઓ દ્વારા બનાવવામાં આવતાં પીણાં જ ગ્રાહકોની પહેલી પસંદ હતાં.

વર્ષ ૧૯૫૨ : ગોલ્‍ડ સ્‍પોટની શરૂઆત

પાર્લે પ્રોડક્‍ટ્‍સ દ્વારા વર્ષ ૧૯૫૨માં ગોલ્‍ડ સ્‍પોટની શરૂઆત કરવામાં આવી હતી. નારંગી રંગ, મીઠો અને ખાટો સ્‍વાદ તથા પીધા પછી આવતી ખાસ ઝણઝણાટી તેની ઓળખ બની હતી. તે સમયે ગોલ્‍ડ સ્‍પોટ માત્ર એક પીણું નહોતું, પરંતુ ભારતીય બજારમાં ઓરેન્‍જ ફ્‌લેવરવાળા કાર્બોનેટેડ પીણાંની એક આગવી ઓળખ બની ગયું હતું.

યુવા પેઢી માટે ખાસ ઓળખ

ગોલ્‍ડ સ્‍પોટની જાહેરાતોમાં યુવાનોને કેન્‍દ્રમાં રાખવામાં આવતા હતા. તેની જાહેરાતનું લોકપ્રિય સૂત્ર ‘ધ ઝિંગ થિંગ' (The Zing Thing) હતું. ‘લિવા લિટલ હોટ, સિપ્‍પા ગોલ્‍ડ સ્‍પોટ' જેવી જાહેરાતની પંક્‍તિઓ પણ લોકપ્રિય બની હતી.

૧૯૭૦ થી ૧૯૯૦નો સમયગાળો

આ સમયગાળા દરમિયાન પાર્લેની ઠંડાં પીણાંની બ્રાન્‍ડ્‍સે ભારતીય બજારમાં મજબૂત સ્‍થાન બનાવ્‍યું હતું. પાર્લેની જાણીતી બ્રાન્‍ડ્‍સનો વિકાસ આ પ્રમાણે થયો હતો :

વર્ષ         બ્રાન્‍ડ વિશેષતા

૧૯૫૨ ગોલ્‍ડ સ્‍પોટ ઓરેન્‍જ ફ્‌લેવર

૧૯૭૧ લિમ્‍કા લીંબુનું પીણું

૧૯૭૪ માઝા કેરીનું પીણું

૧૯૭૮ થમ્‍સ અપ કોલા પીણું

આ બ્રાન્‍ડ્‍સે ભારતીય ગ્રાહકોમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી હતી. ૧૯૯૩માં કોકા-કોલાની એન્‍ટ્રી અને પાર્લેની બ્રાન્‍ડ્‍સનું હસ્‍તાંતરણ. ભારતીય ઠંડાં પીણાંના ઇતિહાસમાં વર્ષ ૧૯૯૩ એક મહત્ત્વપૂર્ણ વર્ષ હતું. કોકા-કોલાએ ૧૯૭૭માં ભારતમાંથી પોતાનો કારોબાર બંધ કર્યો હતો.  વિદેશી માલિકી અને સરકારના નિયમોને લઈને ઊભા થયેલા મતભેદો તેના મુખ્‍ય કારણોમાં હતાં. ભારતમાં આર્થિક ઉદારીકરણ પછી કોકા-કોલાએ ૧૯૯૩માં ફરી પ્રવેશ કર્યો. તે સમયે કોકા-કોલાએ પાર્લે જૂથના રમેશ ચૌહાણ પાસેથી તેની જાણીતી ઠંડાં પીણાંની બ્રાન્‍ડ્‍સ હસ્‍તગત કરી હતી. આ સોદામાં મુખ્‍યત્‍વે નીચેની બ્રાન્‍ડ્‍સનો સમાવેશ થતો હતો.

ગોલ્‍ડ સ્‍પોટ, થમ્‍સ અપ, લિમ્‍કા,માઝા, રિમઝિમ સિટ્રા. આ સોદાથી કોકા-કોલાને ભારતમાં પહેલેથી જ લોકપ્રિય રહેલી બ્રાન્‍ડ્‍સ, બોટલિંગ સુવિધાઓ અને વિશાળ વિતરણ વ્‍યવસ્‍થાનો લાભ મળ્‍યો હતો.

આખરે ગોલ્‍ડ સ્‍પોટ કેમ બંધ કરવામાં આવ્‍યું....? કોકા-કોલા પાસે ગોલ્‍ડ સ્‍પોટ આવ્‍યા પછી સૌથી મોટો પ્રશ્ન એ હતો કે તેની પોતાની આંતરરાષ્‍ટ્રીય ઓરેન્‍જ ફ્‌લેવર બ્રાન્‍ડ ફેન્‍ટા પણ ભારતીય બજારમાં હતી. આ બંને પીણાં એક જ પ્રકારના ગ્રાહકોને આકર્ષતાં હતાં. કંપની માટે પોતાની બે બ્રાન્‍ડ્‍સ વચ્‍ચે જ સ્‍પર્ધા ઊભી થવાની સ્‍થિતિ હતી. આથી કોકા-કોલાએ ફેન્‍ટાને વધુ પ્રોત્‍સાહન આપવાની વ્‍યૂહરચના અપનાવી અને ગોલ્‍ડ સ્‍પોટને ધીમેધીમે બજારમાંથી દૂર કર્યું. વર્ષ ૨૦૦૦માં ગોલ્‍ડ સ્‍પોટનું ઉત્‍પાદન અને વેચાણ સંપૂર્ણપણે બંધ થયું. આ રીતે લગભગ ૪૮ વર્ષ સુધી ભારતીય બજારમાં પોતાની ઓળખ જાળવનારી એક લોકપ્રિય બ્રાન્‍ડની સફર અટકી ગઈ હતી.

૨૬ વર્ષ બાદ ગોલ્‍ડ સ્‍પોટની વાપસી

૨૦૨૬ની નવી વ્‍યૂહરચના

૨૩ નવેમ્‍બર ૨૦૨૬ના રોજ પ્રકાશિત અહેવાલો અનુસાર કોકા-કોલા ગોલ્‍ડ સ્‍પોટને ફરી બજારમાં લાવવાની તૈયારી કરી રહી છે. આ વખતે કંપની જૂના સ્‍વાદની યાદો સાથે બદલાતી ગ્રાહક પસંદગીને પણ ધ્‍યાનમાં રાખી રહી હોવાનું કહેવાય છે.

નવા ગોલ્‍ડ સ્‍પોટની મુખ્‍ય વિશેષતાઓ

* લો-શુગર એટલે કે ઓછી ખાંડ વાળું પીણું. * નો-શુગર એટલે કે ખાંડ વગરનું પીણું. * જૂની બ્રાન્‍ડની ઓળખ અને લોકપ્રિયતાનો ઉપયોગ. * ફેન્‍ટા સાથે સીધી આંતરિક સ્‍પર્ધા ન થાય તેવી ઉત્‍પાદન વ્‍યૂહરચના.

મળતી માહિતી અનુસાર આગામી અઠવાડિયાથી બજારમાં ઉપલબ્‍ધ થવાની શકયતા દર્શાવવામાં આવી છે. કોકા-કોલા તરફથી આ અહેવાલ સમયે સત્તાવાર પુષ્ટિ મળતી નથી. ભારતનું ઠંડાં પીણાંનું બજાર  આશરે રૂ.૬૦,૦૦૦ કરોડનું ક્ષેત્ર. ભારતમાં ઠંડાં પીણાંનું બજાર છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી વિસ્‍તર્યું છે. વધતી આવક, શહેરીકરણ, ગરમીનું પ્રમાણ, રિટેલ દુકાનોનો વિસ્‍તાર અને ઓનલાઇન ડિલિવરીને કારણે આ ક્ષેત્રમાં નવા વ્‍યવસાયોની તકો ઊભી થઈ છે.

કાર્બોનેટેડ સોફ્‌ટ ડ્રિંકનું બજાર

હાલના એક અહેવાલ પ્રમાણે ભારતમાં કાર્બોનેટેડ ઠંડાં પીણાંનું બજાર આશરે રૂા. ૬૦,૦૦૦ કરોડનું છે. આ બજારમાં કોલા પ્રકારનાં પીણાંનો મોટો હિસ્‍સો છે, જ્‍યારે ઓરેન્‍જ ફ્‌લેવરનું પ્રમાણ તેની સરખામણીમાં ઓછું છે.

ભારતના સમગ્ર સોફ્‌ટ ડ્રિંક માર્કેટનો અંદાજ : આ ઉપરાંત IMARC ગ્રૂપના બજાર સંશોધન મુજબ ભારતના સમગ્ર સોફ્‌ટ ડ્રિંક માર્કેટનું કદ નીચે મુજબ અંદાજવામાં આવ્‍યું છે.

ભારતનું સોફ્‌ટ ડ્રિંક માર્કેટ વર્ષ ૨૦૨૬માં અંદાજે ૨૩.૭૪ અબજ અમેરિકી ડોલર સુધી પહોંચ્‍યું હોવાનો અંદાજ છે. વર્ષ ૨૦૨૫માં આ બજારનું કદ આશરે ૨૧.૬૬ અબજ ડોલર હતું. બજાર સંશોધન મુજબ વર્ષ ૨૦૩૪ સુધીમાં ભારતનું સોફ્‌ટ ડ્રિંક માર્કેટ વધીને અંદાજે ૩૩.૫૪ અબજ ડોલર સુધી પહોંચવાની શકયતા છે. આ ક્ષેત્રમાં વાર્ષિક સરેરાશ ૪.૪૨ ટકાના દરે વળદ્ધિ થવાનો અંદાજ વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો છે.  વર્ષ ૨૦૨૫ દરમિયાન સમગ્ર સોફ્‌ટ ડ્રિંક માર્કેટમાં કાર્બોનેટેડ એટલે કે ગેસ વાળાં ઠંડાં પીણાંનો હિસ્‍સો આશરે ૫૨.૩ ટકા રહ્યો હતો. આ આંકડા દર્શાવે છે કે ભારતમાં ઠંડાં પીણાંનું બજાર સતત વિસ્‍તરી રહ્યું છે અને આગામી વર્ષોમાં કોકા-કોલા, પેપ્‍સિકો, રિલાયન્‍સ કેમ્‍પા સહિત ની કંપની ઓ વચ્‍ચે સ્‍પર્ધા વધુ તેજ બનવાની શકયતા છે.

ભારતીય બજારમાં મુખ્‍ય

સ્‍પર્ધકો કોણ છે....?

આજે ભારતના ઠંડાં પીણાંના બજારમાં માત્ર બે મોટી કંપનીઓ વચ્‍ચે જ સ્‍પર્ધા રહી નથી. રિલાયન્‍સ અને અનેક પ્રાદેશિક કંપનીઓ પણ આ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહી છે. કોકા-કોલા : ભારતમાં કોકા-કોલાનું સૌથી મજબૂત બ્રાન્‍ડ પોર્ટફોલિયો છે. તેની જાણીતી બ્રાન્‍ડ્‍સ : કોકા-કોલા, થમ્‍સ અપ, સ્‍પ્રાઇટ, ફેન્‍ટા, લિમ્‍કા, માઝા.

(4:32 PM IST)