<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર આપવાની અને જિલ્લાઓમાં સરકારી જમીનમાં થતા દબાણો રોકીને જમીન જાળવણીની જવાબદારી નિભાવવા જિલ્લા કલેક્ટરોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની તાકીદ

રાજ્ય ‘સ્વાગત’માં ખેડૂતના ખેતરમાં વરસાદી પાણીના નિકાલ – ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર – પીવાના પાણીની વ્યવસ્થા – રોડ-રસ્તા – દબાણ અને રી-સર્વેને લગતી રજૂઆતોનો હકારાત્મક અભિગમથી ઉકેલ લાવતા મુખ્યમંત્રી:ઓક્ટોબર-26ના રાજ્ય સ્વાગતમાં 170થી વધુ રજૂઆતો ઉપરાંત જિલ્લા અને તાલુકા સ્વાગત મળીને 4953થી વધુ રજૂઆતો પરત્વે યોગ્ય જરૂરી કાર્યવાહિ કરાઈ

( અશ્વિન વ્યાસ દ્વારા ) ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર નિયમ અનુસાર આપવા અને સરકારી જમીનોમાંથતાંદબાણો રોકીને આવી જમીન જાળવણીની જવાબદારી સુપેરે નિભાવવા રાજ્યના જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.

નાગરિકોની રજૂઆતો અને લોક ફરિયાદોનું ટેક્નોલોજી યુક્ત અભિગમથી નિવારણ માટેના ‘સ્વાગત’ અંતર્ગત  ઓક્ટોબર-2026નો રાજ્ય સ્વાગત મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ રાજ્ય સ્વાગતમાં 170થી વધુ રજૂઆત કર્તાઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં પોતાની રજૂઆતો સાથે ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્વાગતમાં 2200 અને તાલુકા સ્વાગતમાં 2583 મળીને કુલ 4953થી વધુ રજૂઆત કર્તાઓની અરજીઓ પ્રત્યે જરૂરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મુખ્યમંત્રી સમક્ષ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ઓરમા ગામમાં પીવાના પાણીની પરિસ્થિતિ અંગે થયેલી રજૂઆત સંદર્ભમાં તેમણે યોગ્ય આયોજનથી પાણીની વ્યવસ્થા કરવા માટે સ્થાનિક વહિવટી તંત્ર અને પાણી પુરવઠા બોર્ડને સુચનાઓ આપી હતી.
મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના શિણાય ગામના ખેડૂતે ખાતેદાર તરીકેનું પ્રમાણપત્ર મેળવવા કરેલી રજૂઆત અંગે જિલ્લા કલેક્ટરને તાત્કાલિક સૂચના આપીને ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર નિયમ અનુસાર ફાળવવા અને  આ પ્રકારના કિસ્સાઓમાં સ્થાનિક કક્ષાએ ખેડૂતોના હિતમાં કાર્યવાહી કરવા તમામ જિલ્લા કલેક્ટરઓને જણાવ્યું હતું.
એટલું જ નહિ, કચ્છના અંજાર તાલુકાના સુગારીયા મોડસર  ગામમાં સરકારી જમીનમાં દબાણ અંગેની રજૂઆત બાબતે સંબંધિત જિલ્લા કલેક્ટર સહિત રાજ્યના બધા જ જિલ્લાઓના કલેક્ટરોને સ્પષ્ટ સુચનાઓ આપી હતી કે સરકારી જમીનની જાળવણીની જવાબદારી જિલ્લા વહિવટી તંત્ર નિભાવે.
બોટાદના મોટા ઝિંઝાવદર ગામનો રસ્તો બનાવવા રાજ્ય સ્વાગતમાં જે રજૂઆત કરવામાં આવી હતી તે અંગે મુખ્યમંત્રીશ્રીએ માર્ગ અને મકાન વિભાગને સત્વરે કાર્યવાહી કરવાની સુચના આપીને રજૂઆતનું નિવારણ કર્યુ હતું.
ઓક્ટોબર-2026ના આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડૂતોના ખેતરમાં ખેતરમાં વરસાદી પાણીના નિકાલ, ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર, પીવાના પાણીની વ્યવસ્થા તથા રોડ-રસ્તા અને દબાણ તેમજ રી-સર્વેને લગતી નાગરિકોની જે રજૂઆતો મળી હતી તેનો હકારાત્મક અભિગમથી નિકાલ લાવ્યા હતા.
મુખ્યમંત્રીએ ગ્રામીણ ઉદ્યોગો માટે પંચાયત વેરાનું રેશનલાઈઝેશન કરવાની, પોતાની ફરજ ન બજાવતા સરપંચ સામે પગલાં લેવાની તેમજ સરકારી જમીનમાં વારંવાર દબાણ કરતા વ્યક્તિ સામે FIR દાખલ કરવાની સૂચનાઓ જિલ્લા કલેક્ટરોને આપી હતી.
આ ઉપરાંત તળાવ ઓવરફ્લો થવાના કારને ખેડૂતને થતાં નુકસાન સામે સિંચાઈ વિભાગને ટેક્નિકલ ઉપાયો કરવા પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, ખાસ ફરજ પરના અધિકારીઓ ધિરજ પારેખ અને રાકેશ વ્યાસ તેમજ રાજ્ય સરકારના સંબંધિત વિભાગોના સચિવો અને વરિષ્ઠ અધિકારીઓ ગાંધીનગરથી તેમજ જિલ્લા કલેક્ટરઓ વિડિયો કોન્ફરન્સથી જોડાયા હતા

(7:52 PM IST)