News of Friday, 29th May 2026
મોંઘવારીનો ડામ... સ્કૂલ વાહન અને રિક્ષાના ભાડામાં તોતિંગ વધારો
સ્કૂલ વાહન એસોસિએશને ભાડામાં ૧૦ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો : શાળાના વાહનથી લઈને રિક્ષા સુધીના ભાડામાં થયેલો વધારો મધ્યમ વર્ગીય પરિવારો માટે ચિંતાનો વિષય બન્યો છે

અમદાવાદ,તા.૨૯: રાજ્યમાં વાહન ભાડાના વધારાને લઈને સામાન્ય નાગરિકો માટે મુશ્કેલીઓ વધી રહી છે. શાળાના વાહનથી લઈને રિક્ષા સુધીના ભાડામાં થયેલો વધારો મધ્યમ વર્ગીય પરિવારો માટે ચિંતાનો વિષય બન્યો છે.
રાજકોટમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ વાલીઓ પર મોંઘવારીનો માર પડ્યો છે. પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં થયેલા સતત વધારા ( CNG Price Increase Gujarat) ને કારણભૂત ગણાવીને સ્કૂલ વાહન એસોસિએશને ભાડામાં ૧૦ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. પરિણામે, જે વાહનનું ભાડું અગાઉ ૧૨૦૦ રૂપિયા હતું, તે હવે વધીને૧૩૫૦ થી ૧૪૦૦ રૂપિયા સુધી પહોંચશે. આ ભાડા વધારાનો નિયમ આગામી ૮ જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી અમલમાં આવશે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં સીએનજીના ભાવવધારા અને તંત્રની ઉદાસીનતાને કારણે રિક્ષાચાલક એસોસિએશને જાતે જ ભાડામાં વૃદ્ધિ જાહેર કરી દીધી છે. ટ્રાન્સપોર્ટ કમિશનર કક્ષાએથી કોઈ સત્તાવાર નિર્ણય ન લેવાતા, એસોસિએશને મિનિમમ ભાડું ૨૦ રૂપિયાથી વધારીને ૩૦ રૂપિયા કરી દીધું છે. સાથે જ પ્રતિ કિલોમીટરના ભાડામાં પણ ૫ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેનાથી હવે મુસાફરોએ૧૫ ને બદલે ૨૦ રૂપિયા ચૂકવવા પડશે.
આ વિવાદ પાછળનું મુખ્ય કારણ 'રેટ રિવ્યૂ કમિટી'ની નિષ્ક્રિયતા છે. નિયમ મુજબ દર વર્ષે આ સમિતિની બેઠક મળવી જોઈએ, પરંતુ ૨૦૨૨ બાદ કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી. વાહન વ્યવહાર કમિશનર કક્ષાએથી માત્ર આશ્વાસનો મળતા હોવાનો આક્ષેપ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
