<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 30 ઓક્ટોબરે ભીલડીથી બનાસ ડેરીના બે નવા બાયો-સીએનજી પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે : થરાદમાં 75 ટન અને રાધનપુરમાં 100 ટન છાણનું રોજ પ્રોસેસિંગ થશે

6 પ્લાન્ટ સાથે દૈનિક ક્ષમતા 515 ટન પર પહોંચશે, વાર્ષિક 34 હજાર ટન કાર્બન ઉત્સર્જન ઘટશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે

ગાંધીનગર તા.28 : વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી આગામી 30 ઓક્ટોબર, 2026 ના રોજ બનાસકાંઠાના ભીલડી ખાતેથી બનાસ ડેરીના થરાદ અને રાધનપુર ખાતેના બે નવા બાયો-સીએનજી પ્લાન્ટ્સનું ખાતમુહૂર્ત કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે.

 

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની યાદી મુજબ, થરાદ પ્લાન્ટમાં પ્રતિદિન 75 મેટ્રિક ટન અને રાધનપુર પ્લાન્ટમાં પ્રતિદિન 100 મેટ્રિક ટન છાણનું પ્રોસેસિંગ થશે. બંને પ્લાન્ટ શરૂ થતા બનાસ ડેરીના બાયો-સીએનજી પ્લાન્ટની સંખ્યા 6 થશે અને કુલ દૈનિક ક્ષમતા 515 મેટ્રિક ટન પર પહોંચશે.

 

 

પશુપાલકો માટે વરદાન બનાસ મોડલ

 

 

બનાસકાંઠામાં અંદાજે 28 લાખ પશુધન છે. બનાસ ડેરી પશુપાલકો પાસેથી છાણ ખરીદીને તેમાંથી બાયો-સીએનજી અને ‘ભૂમિ અમૃત’ બ્રાન્ડ હેઠળ સેન્દ્રિય ખાતર બનાવે છે. આ મોડલથી પશુપાલકોને વધારાની આવક મળે છે.

હાલ દામા (40 ટન), આગથળા, ભીખલા અને વીંછીવાડી (દરેક 100 ટન) એમ 4 પ્લાન્ટ કાર્યરત છે જે રોજ 340 ટન છાણ પ્રોસેસ કરે છે. તેમાંથી રોજ 6,150 કિલો બાયો-સીએનજી, 83 ટન ઘન અને 260 ટન પ્રવાહી સેન્દ્રિય ખાતર બને છે. બનાસ ડેરી રોજ 6,100 કિલો બાયો-સીએનજી રાહત દરે વેચે છે.

 

 

પર્યાવરણને ફાયદો

 

છાણમાંથી નીકળતો મિથેન CO2 કરતા 28 ગણો વધુ હાનિકારક છે. આ 6 પ્લાન્ટ શરૂ થતા વાર્ષિક 33,400 થી 34,600 ટન કાર્બન ઉત્સર્જન અટકશે, જે હરિત ક્રાંતિનું નેતૃત્વ કરશે.

(3:18 PM IST)