News of Monday, 29th June 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગવી સોચ અને સમય કરતાં આગળનું વિચારીને તેના ઈમ્પ્લીમેન્ટેશનની પ્રતિબદ્ધતાથી ભારત દરેક ક્ષેત્રમાં તેજ ગતિએ આગળ વધ્યું છે : વડોદરામાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની ચોથી કડીનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી – કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર- રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓની પ્રેરક ઉપસ્થિતિ
VGRCના ડિસ્કશન્સને ડિસિઝનમાં – આઈડિયાઝને પ્રોજેક્ટ્સમાં અને પ્રોજેક્ટ્સને પ્રોસ્પેરિટીમાં પરિવર્તિત કરવા ઉદ્યોગ-રોકાણકારોને મુખ્યમંત્રીનું આહવાન : વાઇબ્રન્ટ ગુજરાત હવે માત્ર ઇન્વેસ્ટમેન્ટ સમિટ નહીં, પરંતુ ગ્લોબલ પાર્ટનરશિપ અને ઇનોવેશનનું પ્રતિક: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : વડોદરા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ - મધ્ય ગુજરાતના મંચ પરથી રાજ્યના વિકાસ, ઔદ્યોગિક શક્તિ અને ભવિષ્યની તકોને ઉજાગર કરાઈ

અમદાવાદ તા.૨૯ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મધ્ય ગુજરાત વિસ્તારની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) નો વડોદરાથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગવી સોચ અને સમય કરતાં આગળનું વિચારીને તેનું ઈમ્પ્લીમેન્ટેશન કરવાની પ્રતિબદ્ધતાને કારણે ભારત દરેક ક્ષેત્રોમાં તેજ ગતિએ આગળ વધી રહ્યું છે.
તેમની આ વિઝનરી લિડરશીપના કારણે દુનિયાના દેશો ભારત સાથે વિશ્વાસું મિત્રના ભાવથી જોડાયા છે અને વધુને વધુ દેશો જોડાઈ રહ્યાં છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સફળ સુશાસનમાં ભારતે અર્થતંત્ર, ઉદ્યોગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે. એટલુ જ નહિ, તેમણે ઉદ્યોગોને રેડ ટેપિઝમમાંથી બહાર લાવી રેડ કાર્પેટથી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને નવી દિશા આપી છે તેને આગળ વધારતા રાજ્યના જિલ્લાઓના ઔદ્યોગિક અને સ્થાનિક વિકાસને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા વોકલ ફોર લોકલ, લોકલ ટુ ગ્લોબલની નેમ રિજનલ વાયબ્રન્ટ કોન્ફરન્સીસથી પાર પડી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદ્યોગ જગતના અગ્રણીઓ, રોકાણકારો અને ઉદ્યોગ સાહસિકોને VGRCમાં થનારા ડિસ્કશનને ડિસિઝનમાં, આઈડિયાઝને પ્રોજેક્ટ્સમાં અને પ્રોજેક્ટ્સને પ્રોસ્પેરિટીમાં પરિવર્તિત કરવા સાથે મળીને આગળ વધવાનું આહવાન કર્યું હતું.
તેમણે આ VGRC માત્ર રોકાણનું પ્લેટફોર્મ નહી પરંતુ સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક તકો સાથે જોડવાનું સશક્ત માધ્યમ ગણાવી હતી. મધ્ય ગુજરાતના 10 જિલ્લાઓને આવરી લેતી બે દિવસીય VGRCમાં રાજ્યના આ વિસ્તારોના ઔદ્યોગિક વિકાસના નવા અવસરો અને ભાગીદારીને મંચ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
VGRCને સંતુલિત વિકાસનું નવું મોડેલ ગણાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા બેલેન્સ્ડ ગ્રોથના વિચારને રાજ્ય સરકારે આગળ ધપાવ્યો છે. મહેસાણા, રાજકોટ અને સુરત એમ ત્રણ VGRCની સફળતા બાદ હવે, મધ્ય ગુજરાતમાં દ્વિ દિવસીય ચોથી VGRC યોજાઈ રહી છે. અત્યાર સુધી યોજાયેલી ત્રણ VGRCમાં કુલ 9,499 MoU દ્વારા અંદાજે રૂ. 13.30 લાખ કરોડના રોકાણો રાજ્યમાં આવ્યા છે તેમ તેમણે તેમણે ગૌરવસહ જણાવ્યું હતું.
મધ્ય ગુજરાતને રાજ્યના વિકાસનું હૃદય ગણાવતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર અને દાહોદ જેવા જિલ્લાઓ મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ, ફાર્મા, એગ્રી ફૂડ પ્રોડક્ટ્સ અને MSME ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
વડોદરા પેટ્રોકેમિકલ્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ, ઈવી ઈક્વિપમેન્ટ અને ટાટા એરબસ C-295 જેવા એરોસ્પેસ પ્રોજેક્ટ્સના કારણે નવા ઉદ્યોગ ક્ષેત્રોમાં આગેવાની કરી રહ્યું છે. આણંદ દેશનું મિલ્ક કેપિટલ છે અને અમૂલ બ્રાન્ડ વિશ્વમાં ભારતની ઓળખ બની છે તેમજ ખેડા જિલ્લામાં ફૂડ પ્રોસેસિંગ અને MSME ક્ષેત્રે મોટી સંભાવનાઓ રહેલી છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી 2003માં શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાત બિઝનેસ સમિટની બે દાયકાની સફળતાથી ગુજરાત આજે ગ્લોબલ ગેટવે ટુ ધી ફ્યુચર બન્યુ છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું કે, જ્યારે આવી બિઝનેસ સમિટ યોજવાનો વિચાર પણ કોઈ કરી શકતુ ન હોતું ત્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વભરના રોકાણકારો ગુજરાતમાં આવે તેવું સપનું જોયું હતું તે આજે સાકાર થયું છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત આજે બેસ્ટ ડેસ્ટિનેશન ઓફ ઈન્વેસ્ટમેન્ટ બન્યું છે અને ઉદ્યોગોની ગ્લોબલ સપ્લાય ચેઈનમાં ભાગીદારી મજબૂત બનાવવા તથા તેને વધુ ગતિ આપવા માટે રાજ્ય સરકારે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-2026 જાહેર કરી છે. આ પોલિસીમાં MSME, મહિલા ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ્સ અને નવા ઉદ્યોગ ક્ષેત્રો માટે અનેક ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી ઇન્સેન્ટિવ્સનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, પ્રથમ વખત “ચૂઝ યોર ઇન્સેન્ટિવ્ઝ” જેવી નવી પહેલ આ પોલિસીમાં કરવામાં આવી છે, જેમાં ઉદ્યોગો પોતાની જરૂરિયાત મુજબ ઇન્સેન્ટિવ પસંદ કરી શકશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ ગુજરાતને પોલિસી ડ્રિવન સ્ટેટની ઓળખ અપાવી છે. આજે ગુજરાત મજબૂત નીતિ માળખું, ગુડ ગવર્નન્સ, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઝડપી નિર્ણય પ્રક્રિયાના કારણે અગ્રેસર બન્યું છે અને આપણે પોલિસી ડ્રિવન સ્ટેટથી વિકસિત ભારત બનવાની દિશા અપનાવી છે
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ આપેલા મેક ઈન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડ, આત્મનિર્ભર ભારત, ડિજિટલ ભારત અને ગ્રીન ગ્રોથ જેવા અભિયાનો સાથે ગુજરાત નવી અર્થવ્યવસ્થાના નિર્માણમાં અગ્રીમ યોગદાન આપી રહ્યું છે, વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @2047ના સંકલ્પને સાકાર કરવા માટે ઉદ્યોગ, વેપાર, રોકાણ અને ઈનોવેશનની શક્તિ સાથે આગળ વધવાનો તેમણે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય મંત્રી મનોહર લાલ
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, કોઈ પણ રોકાણકાર રોકાણ કરતા પહેલા વિચાર કરે છે જ્યાં એ રોકાણ કરે છે, તે સ્થાન રોકાણ માટે કેટલું ઉચિત છે. શું આ એ સ્થાન છે, જ્યાં તેનો ઉદ્યોગ વિશ્વાસ સાથે આગળ વધી શકે છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આ ઉદ્દેશને વધુ સફળ બનાવવામાં યોગદાન આપે છે. રોકાણકારને વિશ્વાસ હોવો જોઈએ કે સરકારની સ્થિર નીતિઓ, વિશ્વસનીય વીજળી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એ તમામ જરૂરી વ્યવસ્થા મળે, જેથી તેનો ઉદ્યોગ સફળ થાય. આ વિશ્વાસ જ ગુજરાતની સૌથી મોટી તાકાત છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, તે સમયથી પોલિસી સ્ટેબિલિટી, કુશળ વહીવટ અને વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તે રાજ્યને વૈશ્વિક રોકાણ માટે એક પ્રમુખનું કેન્દ્ર બનાવે છે. વાઇબ્રન્ટ ગુજરાત એ વિચારનું પ્રતિક છે, જ્યાં સરકાર અને ઉદ્યોગ વિકાસના ભાગીદાર છે. આ વિચાર જ આજે ભારતની વિકાસયાત્રાનો આધાર બન્યો છે તેમ તેમણે જણાવ્યું હતું.
ઉદ્યોગો માટે રિલાયેબલ પાવર ખૂબ જરૂરી છે. રિલાયેબલ પાવર એ મજબૂત અર્થવ્યવસ્થાની આધારશિલા છે. ગુજરાત આ રિલાયેબલ પાવરમાં ઘણું મોટું યોગદાન આપે છે. ઉદ્યોગો , MSME, ડેટા સેન્ટર, મેટ્રો રેલ અને નવી તકનીકો માટે વીજળી વ્યવસ્થાનું યોગ્ય આયોજન જરૂરી છે. આઝાદ ભારતની સૌથી પીક પાવર ડિમાન્ડ આ વર્ષે 271 ગીગાવોટની રહી છે, તેની અમે આપૂર્તિ કરી છે. અમારી તૈયારી 284 ગીગાવોટ સુધીની હતી. આગામી વર્ષોમાં ડેટા સેન્ટર, ઇવી વાહનો, એઆઇના લીધે પાવર ડિમાન્ડ વધશે તેથી અમે 300 ગીગાવોટ સુધીની તૈયારી કરી રાખી છે. આ માત્ર તકનીકી આયોજન નથી, પરંતુ વર્ષોની યોજના અને તેમાં સુધાર તેમજ અને છેલ્લા 12 વર્ષમાં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં જે યોજનાઓ બની તેનું પરિણામ છે.
આજે ભારત વન નેશન, વન ગ્રીડ, વન ફ્રિક્વન્સીના આધારે ઊર્જા ક્ષેત્રને આગળ વધારી રહ્યું છે. વૈશ્વિક ભૂ-રાજકીય ઘટનાઓના સમયે પણ આપણે આપણી ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવીને રાખી છે. આપણી આર્થિક સ્થિરતા રહી છે, જે આશંકાઓ જાહેર કરવામાં આવી રહી હતી, પણ ભારતમાં સ્થિરતા બનાવીને રાખી છે.
ગુજરાત દરેક ક્ષેત્રોમાં અગ્રણી રાજ્ય છે. પાવર સરપ્લસ સ્ટેટ છે. રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં પણ ગુજરાત દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. ગુજરાતમાં 50 ગીગાવોટથી વધુ રિન્યુએબલ એનર્જી કેપેસિટી સ્થાપિત કરવામાં આવી છે. રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રોમાં ગુજરાતે આર્થિક વિકાસ અને પર્યાવરણનું સંરક્ષણ સ્થાપિત કર્યું છે. ગુજરાતના ગ્રીન મેન્યુફેક્ચરિંગમાં પણ ઝડપથી આગળ વધી રહ્યું છે.
શહેરી વિકાસમાં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં પીએમએવાય અર્બન એક બહુ મોટી યોજના જાહેર કરવામાં આવી છે. અત્યારે પીએમએવાય અને પીએમએવાય 2.0 અંતર્ગત 1 કરોડ 27 લાખની આવાસ મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 98.6 લાખ આવાસ પૂર્ણ કરીને લોકોને આપવામાં આવ્યા છે. ગુજરાતમાં આ યોજનાઓમાં 11.5 લાખથી વધુ આવાસોની મંજૂરી આપવામાં આવી છે,
નાયબ મુખ્યમંત્રી શી હર્ષ સંઘવી
ઐતિહાસિક નગરી વડોદરા ખાતે યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ - મધ્ય ગુજરાતના મંચ પરથી ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “હવે વાઇબ્રન્ટ ગુજરાત માત્ર એક ઇન્વેસ્ટમેન્ટ સમિટ નહીં, પરંતુ ગ્લોબલ પાર્ટનરશિપનું પ્રતીક બની ગઈ છે. તે ઇનોવેશનને પ્રોત્સાહન આપનારું એક મજબૂત પ્લેટફોર્મ બની ગયું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સતત આર્થિક પરિવર્તનનું સાક્ષી બની રહ્યું છે.”
નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, મધ્ય ગુજરાત એવી ભૂમિ છે જ્યાં ઇતિહાસ, ઇનોવેશન અને સંસ્કૃતિ એકસાથે શ્વાસ લે છે. “મધ્ય ગુજરાતે દરેક યુગમાં દેશને નવી દિશા આપી છે. વડોદરાની કળા, સ્કિલ, શિક્ષણ અને ઇનોવેશન તેની સૌથી મોટી તાકાત છે. વિરાસતથી લઈને પ્રવાસન સુધી આ ક્ષેત્રે ગુજરાતનું નામ વિશ્વસ્તરે રોશન કર્યું છે. દુનિયાને સહકારનો માર્ગ બતાવનારી સહકાર ચળવળ પણ આ ભૂમિ પરથી શરૂ થઈ હતી.”
તેમણે પંચમહાલ, મહિસાગર, દાહોદ અને છોટા ઉદેપુરની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ પર ગર્વ વ્યક્ત કરતાં જણાવ્યું કે, નર્મદા જિલ્લામાં આવેલું દુનિયાનું સૌથી ઊંચું ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ આજે સમગ્ર ભારતના ગૌરવનું પ્રતીક બની ચૂક્યું છે.
મધ્ય ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતાને ઉજાગર કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “આપણે માત્ર ઇતિહાસની ગાથા કહી રહ્યા નથી પરંતુ ભવિષ્યનું નિર્માણ પણ કરી રહ્યા છીએ. ગુજરાતના કુલ મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં લગભગ 28 ટકા યોગદાન મધ્ય ગુજરાત ક્ષેત્રનું છે. વર્ષ 2025-26માં અહીંથી 20.5 અબજ ડોલરથી વધુના પ્રોડક્ટ્સ એક્સપોર્ટ થયા છે, જે વિશ્વના વિવિધ દેશો સુધી પહોંચી રહ્યા છે.”
તેમણે ઉમેર્યું કે, આજે મધ્ય ગુજરાતમાં 65થી વધુ GIDC એસ્ટેટ્સ છે, જેમાં 24,000થી વધુ ઔદ્યોગિક પ્લોટ સક્રિય છે. “ગુજરાતના 92 ટકા ઓટો અને ઓટો કમ્પોનન્ટ્સ, 70 ટકા બેવરેજ પ્રોસેસિંગ, 63 ટકા ફાર્માસ્યુટિકલ્સ અને ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગમાં મધ્ય ગુજરાતનું મહત્વપૂર્ણ યોગદાન છે. આપણે માત્ર ગ્લોબલ સપ્લાય ચેઇનનો ભાગ નથી બની રહ્યા, પરંતુ તેનું નેતૃત્વ કરી રહ્યા છીએ.”
નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, “મધ્ય ગુજરાતની પ્રગતિની આ માત્ર શરૂઆત છે. સેન્ટ્રલ ગુજરાત ઇકોનોમિક માસ્ટર પ્લાન હેઠળ આગામી 20 વર્ષોની વિકાસ બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે.”
તેમણે જણાવ્યું કે, આ આયોજન હેઠળ છોટા ઉદેપુરને ભારતનું આગામી સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ હબ બનાવવામાં આવશે અને વડોદરાને દેશનું સૌથી મોટું બાયોઇકોનોમી હબ બનાવવાની દિશામાં કાર્ય ચાલી રહ્યું છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, “વિકસિત ગુજરાત ઔદ્યોગિક પોલિસી 2026 હેઠળ આગામી પાંચ વર્ષમાં ₹10 લાખ કરોડના નવા રોકાણ આકર્ષિત કરવાનો લક્ષ્યાંક છે.”
તેમણે જણાવ્યું કે, આ પોલિસીનું મહત્વપૂર્ણ પાસું મહિલા સશક્તિકરણ છે. મહિલા ઉદ્યોગસાહસિકોને 360 ડિગ્રી સપોર્ટ ફ્રેમવર્ક આપવામાં આવશે. તેમને વધારાની 1 ટકા વ્યાજ સબસિડી, કરિયર બ્રેક બાદ પરત ફરનારી મહિલાઓ માટે સ્કિલ રિફ્રેશર કોર્સ અને પાંચ વર્ષ સુધી 75 ટકા રેન્ટલ અસિસ્ટન્સ જેવી સુવિધાઓ આપવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે, મેગા અને અલ્ટ્રા મેગા પ્રોજેક્ટ્સ દ્વારા ₹10,000 કરોડનું રોકાણ લાવવાનો અને 3,000 જેટલી રોજગારીની તકોનું સર્જન કરવાનો લક્ષ્યાંક છે. દિવ્યાંગ ભાઈ-બહેનોને રોજગાર આપતી કંપનીઓને પણ રાજ્ય સરકાર દ્વારા 5થી 10 વર્ષ સુધી EPF રિઇમ્બર્સમેન્ટનો સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, “ગુજરાતે ઉદ્યોગો માટે ઝડપી અને પારદર્શક સુશાસનનું મોડલ સ્થાપિત કર્યું છે. છેલ્લા બે વર્ષમાં ઇન્સેન્ટિવ ડિસ્બર્સમેન્ટમાં 55 ટકાનો વધારો થયો છે અને તે ₹7,888 કરોડ સુધી પહોંચ્યો છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, અરજી પ્રક્રિયામાં જરૂરી દસ્તાવેજોમાં 41 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, પેન્ડિંગ ફાઇલોમાં 95 ટકાનો ઘટાડો નોંધાયો છે અને આજે દરરોજ લગભગ 392 અરજીઓ ક્લિયર થઈ રહી છે. આ ઝડપી અમલીકરણ, પારદર્શિતા અને નીતિગત સ્થિરતા ગુજરાતને રોકાણ માટે વિશ્વસનીય સ્થળ બનાવે છે.
રોકાણકારોને આમંત્રણ આપતાં શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “વાઇબ્રન્ટ ગુજરાતનું આ મંચ માત્ર એમઓયુ સાઇન કરવાની જગ્યા નથી, પરંતુ સપનાઓને સાકાર કરવાની તક છે. હું દરેક ઇન્વેસ્ટર, સ્ટાર્ટઅપ ફાઉન્ડર અને ઉદ્યોગના અગ્રણીઓને આમંત્રિત કરું છું કે આવો, આપણે વિકાસની આ ગાથાનો ભાગ બનીએ, તકોને રોકાણમાં પરિવર્તિત કરીએ અને સાહસને સમૃદ્ધિમાં બદલીએ.”
તેમણે ઉમેર્યું કે, “ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @2047ના સંકલ્પને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતનું એન્જિન પૂરઝડપે દોડી રહ્યું છે. આવો, આપણે સૌ મળીને નવું મધ્ય ગુજરાત બનાવીએ.”
VGRCના આ ઉદ્ઘાટન સત્રમાં રાજ્ય મંત્રી મંડળના મંત્રીશ્રીઓ, મુખ્ય સચિવ એમ.કે. દાસ, વરિષ્ઠ સચિવશ્રીઓ અને વેપાર-ઉદ્યોગ અગ્રણીઓ વિવિધ દેશોના રાજદૂતો અને યુવા ઉદ્યોગસાહસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
