તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
ડીસામાં સિંચાઈ વિભાગના હેડ ક્લાર્ક સહિત ખાનગી વ્યક્તિ રૂ. ૫૦,૦૦૦ ની લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ ઝડપાયા
કોન્ટ્રાક્ટરનું લાયસન્સ કાઢી આપવાના બહાને લાંચ માંગનારા મદદનીશ અધિક્ષક અને તેમના વચેટિયા સામે લાંચ રુશ્વત વિરોધી બ્યુરોની કડક કાર્યવાહી

ડીસા : ડીસા સ્થિત સિંચાઈ વિભાગની કચેરી ખાતે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (એસીબી) દ્વારા ગોઠવવામાં આવેલા સફળ છટકામાં સિંચાઈ વિભાગ દાંતીવાડાના મદદનીશ અધિક્ષક (હેડ ક્લાર્ક) અને એક ખાનગી વ્યક્તિ રૂ. ૫૦,૦૦૦ ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. એસીબીની આ કડક કાર્યવાહીથી ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
મળતી વિગતો અનુસાર, આ કામના જાગૃત ફરિયાદીએ કોન્ટ્રાક્ટર તરીકેનું લાયસન્સ મેળવવા માટે સિંચાઈ વિભાગમાં વિધિવત અરજી કરી હતી. આ લાયસન્સ મંજૂર કરી કાઢી આપવાના બદલામાં સિંચાઈ વિભાગ દાંતીવાડા (ડીસા) ના વર્ગ-૩ ના મદદનીશ અધિક્ષક (હેડ ક્લાર્ક) નિમેષ ભાઈ જશુભાઈ પટેલ તથા ભાભરના અયોધ્યા નગર ખાતે રહેતા ખાનગી વ્યક્તિ ચમન ભાઈ નાનજીભાઈ મિસ્ત્રીએ એકબીજાના મેળાપીપણામાં રહીને રૂ. ૫૦,૦૦૦ ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત પાલનપુર એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે બનાસકાંઠા એસીબી પો.સ્ટે. પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જે. જોષી તથા તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું.
ડીસા સ્થિત સિંચાઈ વિભાગ દાંતીવાડા નહેર કોલોની ખાતે ગોઠવાયેલા આ લાંચના છટકા દરમિયાન, બંને આક્ષેપિતોએ ફરિયાદી પાસેથી લાંચની માંગણી કરી રૂ. ૫૦,૦૦૦ ની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને સ્થળ પર જ દબોચી લીધા હતા. એસીબી દ્વારા લાંચની પૂરેપૂરી રૂ. ૫૦,૦૦૦ ની રકમ રીકવર કરવામાં આવી છે અને બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
