<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

૩૨મી આંતરરાષ્ટ્રીય આઇએસસીબી કોન્ફરન્સમાં ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓના અધ્યાપકો અને વિદ્યાર્થીઓનો ખૂબ જ ગૌરવશાળી દેખાવ

​રાજકોટ: ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (બીએચયુ) વારાણસીના ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી અને લખનઉની ઇન્ડિયન સોસાયટી ઓફ કેમિસ્ટ એન્ડ બાયોલોજીસ્ટના સંયુક્ત ઉપક્રમે ૧૧ થી ૧૪ મે સુધી વારાણસીમાં ૩૨મી આઇએસસીબી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ મળી હતી. આ પરિષદમાં ગણમાન્ય રસાયણશાસ્ત્રીઓ, ફાર્મા-ટેક અને બાયોટેક નિષ્ણાતોએ ૪ પ્લેનરી, ૮ કી-નોટ અને ૪૦ ઇન્વાઇટેડ લેક્ચર આપ્યા હતા. તેમજ યંગ રિસર્ચર દ્વારા ૪૦ ઓરલ અને ૧૩૨ પોસ્ટર પ્રેઝન્ટેશન રજૂ થયા હતા.

​આ પરિષદમાં નરસિંહ મહેતા યુનિવર્સિટી (જૂનાગઢ) અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (રાજકોટ) ના અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને આઇએસસીબી ના ડેલીગેટ્સ સહિત કુલ ૨૦ લોકોએ ભાગ લીધો હતો. નરસિંહ મહેતા યુનિવર્સિટીના અધ્યાપક ડો. મૃણાલ અંબાસણાએ 'સિન્થેસિસ ઓફ ફ્લોરેસન્સ પ્રોબ ફોર સિલેક્ટિવ હેવી મેટલ ડિટેક્શન' પર નિમંત્રિત વક્તવ્ય આપ્યું હતું. કુ. કૌશા ભટ્ટ અને ડો. હાર્દિક વરુ દ્વારા ઓરલ પ્રેઝન્ટેશન તથા કુ. વૈશાલી નંદાણીયા અને યોગિતા નંદાણીયા દ્વારા પોસ્ટર પ્રેઝન્ટેશન રજૂ કરાયા હતા. ડો. મૃણાલ અંબાસણાના માર્ગદર્શન હેઠળ કુ. કૌશા ભટ્ટના ઓરલ પ્રેઝન્ટેશનને રાષ્ટ્રીય જ્યુરીએ એવોર્ડ માટે પસંદ કર્યું હતું. આ એવોર્ડ આઇઆઇટી (બીએચયુ) ના ડિરેક્ટર પ્રો. (ડો.) અમિત પાત્રાના હસ્તે, આઇએસસીબી પ્રેસિડન્ટ પ્રો. (ડો.) અનામિક શાહ, વાઈસ પ્રેસિડન્ટ ડો. કેશવ દેવ, સ્થાપક સેક્રેટરી ડો. પીએમએસ ચૌહાણ અને કોન્ફરન્સ પ્રેસિડન્ટ શ્રીમતી સુન્દરમ સિંઘની ઉપસ્થિતિમાં એનાયત કરાયો હતો.

​જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીનો રસાયણશાસ્ત્ર વિભાગ ૮માં વર્ષમાં ૯૦% પ્લેસમેન્ટ સાથે દર વર્ષે ૫૦ થી વધુ વિદ્યાર્થીઓને તૈયાર કરી ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ૨ વર્ષ પહેલાં આ વિભાગે ૩૦મી આઇએસસીબી કોન્ફરન્સ ગીર ખાતે હોસ્ટ કરી હતી.

​સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડો. રંજન ખૂંટ અને ડો. સંદીપ ચોવટીયાએ પણ નિમંત્રિત વક્તવ્ય આપ્યું હતું. સાથે જ મારવાડી યુનિવર્સિટીની ૩ વિદ્યાર્થિનીઓએ સંશોધન પત્રો અને ડો. સુભાષ યુનિવર્સિટીના ડો. હાર્દિક વરુ તથા ડો. મયંક પંડ્યાએ વક્તવ્ય રજૂ કર્યા હતા.

​ભારતની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંની એક આઇઆઇટી (બીએચયુ) ની સ્થાપના ૧૯૧૯ માં પંડિત મદન મોહન માલવીયાએ કરી હતી, જેના ઉદ્ઘાટનમાં એની બેસન્ટ અને મહાત્મા ગાંધી સહિત રાજા-મહારાજાઓ હાજર રહ્યા હતા. હાલમાં અહીં ૧૭ થી વધુ શૈક્ષણિક વિભાગો અને ૩૦૦ થી વધુ પ્રોફેસર સ્ટાફ કાર્યરત છે. ૧૩૦૦ એકરના વિશાળ કેમ્પસમાં વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ મળે છે, જે પ્રાચીન કાશીની સાંસ્કૃતિક પરંપરા અને આધુનિક ટેક્નોલોજીનું અનોખું સંમિશ્રણ પૂરું પાડે છે.  

 

 

(4:01 PM IST)