<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ના પીઆઈ વાય. જે. રાઠોડની ટીમનો પ્રોહિબિશન રેડમાં સપાટો : કતારગામ વેડ રોડ પરથી ૧૮.૩૨ લાખના મુદ્દામાલ સાથે ભરત મેવાડા, વિજય પરમાર અને મદારામ પુરોહિત નામના ૩ બુટલેગરો ઝડપાયા : જુઓ વિડિયો

ચોકબજાર પોલીસ સ્ટેશનની હદમાં એસએમસીએ રેડ કરીને ૭.૯૧ લાખની વિદેશી દારૂની ૨,૩૪૧ બોટલો, મહિન્દ્રા એસયુવી કાર અને રોકડ-મોબાઈલ જપ્ત કર્યા : સપ્લાયર સોનુ, શિવામ સહિત ૪ શખ્સો વોન્ટેડ જાહેર

સુરત: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે સુરત શહેરમાંથી વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલાં જ મોટો જથ્થો ઝડપી પાડીને બુટલેગરોની કમર તોડી નાખી છે. એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વાય. જે. રાઠોડ અને તેમની ટીમ દ્વારા ૧ જુલાઈ ૨૦૨૬ના રોજ સુરત શહેરના કતારગામ વેડ રોડ પર આવેલી ધ્રુવતારક સોસાયટીમાં બાતમીના આધારે પ્રોહિબિશન રેડ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન ચોકબજાર પોલીસ સ્ટેશનની હદમાં વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ૩ શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.

 

દારૂ, લક્ઝરી કાર અને રોકડ સહિત ૧૮.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત:

પોલીસના સત્તાવાર અહેવાલ મુજબ, ઘટનાસ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ની કુલ ૭૬ પેટીઓ અને છૂટી બોટલો તેમજ ટીન મળીને કુલ ૨,૩૪૧ નંગ બોટલો જપ્ત કરવામાં આવી છે, જેની બજાર કિંમત ₹૭,૯૧,૬૫૪/- થાય છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી ₹૧૦,૦૦,૦૦૦/- ની કિંમતની એક મહિન્દ્રા SUV 500 કાર (નંબર-૦૧) તથા આરોપીઓ પાસેથી ₹૪૦,૯૫૦/- ની કિંમતના મોબાઈલ અને રોકડ રકમ મળી આવી છે. આમ, એસએમસીની ટીમે કુલ ₹૧૮,૩૨,૬૦૪/- નો મસમોટો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનામાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ ૧૧૧(૨)(b), ૧૧૧(૩) અને ૧૧૧(૪) હેઠળ ગુનો નોંધીને તપાસ તેજ કરવામાં આવી છે.

 

સ્થાનિક અને રાજસ્થાનના આરોપીઓની ધરપકડ:

દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી નીચે મુજબના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે:

૧. ભરત છગનભાઈ મેવાડા (રહે. જી/૨, શિવરંજન એપાર્ટમેન્ટ, વેડ રોડ, કતારગામ, સુરત)

૨. વિજયભાઈ અર્જનભાઈ પરમાર (રહે. શિવરંજન એપાર્ટમેન્ટ, વેડ રોડ, કતારગામ, સુરત)

૩. મદારામ જોગારામ પુરોહિત (રહે. નરસણા, તા. બાગોર, જિ. ઝાલોર, રાજસ્થાન)

 

દારૂ સપ્લાયર અને કાર ચાલક સહિત ૪ વોન્ટેડ:

આ રેડ દરમિયાન દારૂના આ કાળા કારોબાર સાથે સંકળાયેલા અન્ય ૪ મુખ્ય સૂત્રધારોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે:

૧. સોનુ (વિદેશી દારૂનો મુખ્ય સપ્લાયર)

૨. સિલ્વાસાથી દારૂ સપ્લાય કરનાર અજ્ઞાત શખ્સ

૩. શિવામ (મહિન્દ્રા SUV કારનો ડ્રાઈવર)

૪. મહિન્દ્રા એસયુવી કારનો અસલી માલિક

 

આ પ્રોહિબિશન રેડ લિસ્ટેડ હોવાથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ કેસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે અને સિલ્વાસાથી સુરત સુધી જોડાયેલા દારૂના આ આખા નેટવર્કનો પર્દાફાશ કરવા માટે આગળની તજવીજ હાથ ધરાઈ છે.

(8:57 PM IST)