તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
૧૦૯ હેક્ટરમાં ફેલાયેલા ઐતિહાસિક ચંડોળા તળાવનો પ્રોજેક્ટ ફૂલ સ્પીડમાં
વિશાળ અને આધુનિક બનશે નવું પિકનિક સ્પોટ!:પ્રોજેક્ટનો પ્રથમ ફેઝ હવે અંતિમ તબક્કામાં છે, જેમાં અત્યાર સુધી અંદાજે ૩૬.૩૮ કરોડ રૃપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે

અમદાવાદ : અમદાવાદનું સૌથી મોટું અને ઐતિહાસિક ગણાતું ચંડોળા તળાવ હવે તેની જૂની ઓળખ પરત મેળવવા જઈ રહ્યું છે.
તળાવના કિનારેથી મોટા પાયે ડિમોલિશન થયાના એક વર્ષ બાદ, તંત્ર દ્વારા તેના નવીનીકરણની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. આશરે ૧૦૯.૬ હેક્ટર વિસ્તારમાં અને ૪.૫૧ કિલોમીટરના પરિઘમાં ફેલાયેલા આ તળાવને કાંકરિયા જેવું જ ભવ્ય પ્રવાસન સ્થળ બનાવવાનું આયોજન છે.
તળાવના વિકાસ માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટનો પ્રથમ ફેઝ હવે અંતિમ તબક્કામાં છે, જેમાં અત્યાર સુધી અંદાજે ૩૬.૩૮ કરોડ રૃપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે. પ્રથમ તબક્કામાં મુખ્યત્વે નીચે મુજબની કામગીરી કરવામાં આવી છેઃ
તળાવનું ડિપનિંગ (ઊંડું કરવાની પ્રક્રિયા) પૂર્ણ કરવામાં આવ્યું છે. તળાવની ફરતે પ્રોટેક્શન વોલ (બાઉન્ડ્રી વોલ) અને આકર્ષક ગુંબજો તૈયાર કરવામાં આવ્યા છે. વોર વે ફિલિંગ અને ખંભાતી કુવાની મરામતની કામગીરી પણ હાથ ધરાઈ છે.
શું હશે ખાસ આકર્ષણો?
બીજા તબક્કાની કામગીરી શરૃ કરી દેવામાં આવી છે, જેમાં પર્યટકો અને સ્થાનિક રહીશો માટે વિશ્વસ્તરીય સુવિધાઓ વિકસાવવામાં આવશેઃ
વોક-વેઃ તળાવની ફરતે ૩.૧૬ કિલોમીટર લાંબો આધુનિક વોક-વે બનાવવામાં આવશે.
મનોરંજનઃ એમ્યુઝમેન્ટ પાર્ક, એમ્ફીથિએટર અને બાળકો માટે ખાસ ગેમ ઝોન.
ફિટનેસ અને આરામઃ જંગલ જીમ, ગાર્ડન અને સિનિયર સિટિઝન પાર્કનું નિર્માણ થશે.
એન્ટ્રી ગેટઃ તળાવમાં પ્રવેશવા માટે ચારેય દિશામાં ભવ્ય ગેટ બનાવવામાં આવશે.
ચંડોળા તળાવનો વિકાસ એવી રીતે કરવામાં આવી રહ્યો છે કે તે કાંકરિયા તળાવ કરતા પણ વિશાળ અને આકર્ષક બનીને ઉભરશે. આગામી સમયમાં આ સ્થળ અમદાવાદના પ્રવાસન નકશા પર એક નવું ઘરેણું સાબિત થશે.
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
