<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

નેશનલ હાઈવે 56ના વિસ્તૃતીકરણ અને જમીન સંપાદન સામે વિરોધ પ્રદર્શન :માંડવીમાં સર્વેની કામગીરી અટકી

હાઈવે 56 ના વિસ્તૃતિકરણ અને જમીન સંપાદન સામે સ્થાનિક ખેડૂતો અને આદિવાસી સમાજ દ્વારા ભારે વિરોધ: ગ્રામજનો દ્વારા એકઠા થઈને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવવામાં આવતા સર્વે કરનારી ટીમે કામગીરી અધવચ્ચે જ બંધ કરવી પડી

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં નેશનલ હાઈવે 56 ના વિસ્તૃતિકરણ અને જમીન સંપાદન સામે સ્થાનિક ખેડૂતો અને આદિવાસી સમાજ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. આ આક્રોશને કારણે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી જમીન માપણી અને સર્વેની કામગીરી અટકાવવાની ફરજ પડી હતી 

હાઈવે પ્રોજેક્ટ અંતર્ગત ફળદ્રુપ કૃષિ જમીન અને સ્થાનિક આદિવાસી વસાહતો કપાતમાં જઈ રહી હોવાથી લોકોમાં રોષ છે.

 માંડવી પંથકના ગ્રામજનો દ્વારા એકઠા થઈને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવવામાં આવતા સર્વે કરનારી ટીમે કામગીરી અધવચ્ચે જ બંધ કરવી પડી છે.

વિરોધ કરી રહેલા આગેવાનો અને ખેડૂતોની માંગ છે કે નવા વિસ્તારોમાંથી રોડ પસાર કરવાને બદલે હાલના હાઈવેને જ પહોળો કરવામાં આવે. 

હાઈવે 56 (NH-56) પ્રોજેક્ટ : આ આખો હાઈવે વાપીથી શરૂ થઈને શામળાજી સુધી જાય છે, જે દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાંથી પસાર થાય છે.

 આ પ્રોજેક્ટના જુદા જુદા સેક્શન (જેમ કે વાપી-વ્યારા ફોર-લેન) સામે પણ અગાઉ દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સ્થાનિક સ્તરે અને ધારાસભ્યોની આગેવાની હેઠળ મોટા આંદોલનો અને રેલીઓ યોજાઈ ચૂકી છે.

 વહીવટી તંત્ર સામાન્ય રીતે સ્થાનિકોની વાંધા અરજીઓ સ્વીકારીને અને લોકપ્રતિનિધિઓ સાથે બેઠકો યોજીને વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ જમીન કપાતનો તીવ્ર વિરોધ હજુ પણ યથાવત છે.

 

 

(8:31 PM IST)