તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Friday, 10th July 2026
થરાદ મામલતદાર કચેરીનો પટાવાળો કિરીટભાઈ સોની પ્રમાણિત નોંધની નકલ આપવા માટે રૂા. ૨૦૦ની લાંચ લેતા બનાસકાંઠા ACB ના PI એલ.એસ.ચૌધરીના ડિકોય છટકામાં આબાદ ઝડપાયો
મદદનીશ નિયામક કે.એચ.ગોહિલ અને ઇન્ચાર્જ નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલાના સુપરવિઝન હેઠળ એન્ટી કરપ્શન બ્યુરોએ કચેરીના રેકર્ડ રૂમમાં ઓપરેશન પાર પાડી કરાર આધારિત કર્મચારીને લાંચની રકમ સાથે દબોચ્યો

રાજકોટ: બનાસકાંઠા જિલ્લાની થરાદ મામલતદાર કચેરીમાં કરાર આધારિત પટાવાળા તરીકે ફરજ બજાવતા કિરીટભાઈ વાઘજીભાઈ સોની જમીનની પ્રમાણિત નોંધની નકલો આપવાના બદલામાં એક જાગૃત નાગરિક (ડિકોયર) પાસેથી રૂા. ૨૦૦ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.)ના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા છે. બનાસકાંઠા એ.સી.બી. પોલીસ સ્ટેશન, પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એસ.ચૌધરી અને તેમની ટીમે થરાદ મામલતદાર કચેરીના રેકર્ડ રૂમમાં જ સફળ ડિકોય છટકું ગોઠવીને આ લાંચિયા કર્મચારીને લાંચની રકમ સાથે દબોચી લઈ કાયદેસરની ગુનાહિત કાર્યવાહી હાથ ધરી છે.
આ સફળ ઓપરેશનની વિગતવાર માહિતી મુજબ, એન્ટી કરપ્શન બ્યુરોને અગાઉથી એક આધારભૂત અને ચોક્કસ માહિતી મળી હતી કે, થરાદ મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા જમીનની વિવિધ નોંધો મંજૂર કરવા માટે તેમજ મંજૂર થયેલી નોંધોની પ્રમાણિત નકલ મેળવવા માટે કચેરીએ આવતા સામાન્ય અરજદારો પાસેથી રૂા. ૧૦૦ થી લઈને રૂા. ૨,૦૦૦ સુધીની ગેરકાયદેસર લાંચની માંગણી કરવામાં આવે છે. આ વ્યાપક ભ્રષ્ટાચારના નેટવર્કને ખુલ્લું પાડવા અને લાંચિયા તત્વોને પકડવા માટે એ.સી.બી. વિભાગ દ્વારા તાત્કાલિક એક પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.
આ આયોજનના ભાગરૂપે, બનાસકાંઠા એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એસ.ચૌધરી પોતે આ કેસમાં ફરિયાદી બન્યા હતા અને એક જાગૃત નાગરિકને ડિકોયર તરીકે તૈયાર કરીને તા. ૧૦/૦ ૭/૨૦૨૬ના રોજ થરાદ મામલતદાર કચેરી ખાતે લાંચના ડિકોય છટકાનું સચોટ આયોજન કરવામાં આવ્યું હતું.
આ ડિકોય છટકા દરમિયાન, થરાદ મામલતદાર કચેરીના રેકર્ડ રૂમ ખાતે જ્યારે ડિકોયર નાગરિક જમીનની પ્રમાણિત નોંધની નકલો મેળવવા માટે ગયા, ત્યારે ત્યાં ફરજ પર હાજર કરાર આધારિત પટાવાળા આરોપી કિરીટભાઈ વાઘજીભાઈ સોની (રહેવાસી: થરાદ, તાલુકો: થરાદ, જિલ્લો: વાવ થરાદ) દ્વારા આ નકલો આપવાના અવેજીમાં રૂા. ૨૦૦ની લાંચની માંગણી કરવામાં આવી હતી.
કચેરીના રેકર્ડ રૂમની અંદર જ જેવો આરોપી કિરીટભાઈ સોનીએ ડિકોયર પાસેથી લાંચના નક્કી થયેલા રૂા. ૨૦૦ સ્વીકાર્યા, કે તુરંત જ ગુપ્ત વેશમાં વોચમાં ગોઠવાયેલી બનાસકાંઠા એ.સી.બી.ની ટીમે ત્રાટકીને તેને ઘટનાસ્થળેથી જ રંગેહાથ પકડી પાડ્યો હતો. એ.સી.બી.એ આરોપીના કબજામાંથી લાંચ પેટે સ્વીકારેલી રૂા. ૨૦૦ની પૂરેપૂરી રકમ સ્થળ પરથી જ કાયદેસર રીતે રિકવર કરી લીધી છે. આરોપીએ જાહેર સેવકની ભૂમિકામાં હોવા છતાં નાગરિક પાસેથી ગેરકાયદેસર નાણાંની માંગણી કરી ગુનો આચર્યો હોવાથી તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.
આ સફળ ડિકોય ઓપરેશન બનાસકાંઠા એ.સી.બી. પોલીસ સ્ટેશન, પાલનપુરના ડિકોય કરનાર અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એસ.ચૌધરી તથા તેમની એ.સી.બી. ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. આ સમગ્ર રેડની કાર્યવાહી એ.સી.બી. બોર્ડર ભુજના મદદનીશ નિયામક અને સુપર વિઝન અધિકારી કે.એચ.ગોહિલ તેમજ એ.સી.બી. રાજકોટ એકમના નાયબ નિયામક અને ઇન્ચાર્જ અધિકારી બળદેવસિંહ વાઘેલાના સીધા માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. મામલતદાર કચેરીમાં એ.સી.બી.ના આ સફળ ઓપરેશનથી ભ્રષ્ટ કર્મચારીઓ અને વચેટીયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
