<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

રાજ્‍યમાં દિવાળી સમયે વીજળી પૂરી પાડવી તંત્ર સામે પડકાર રહેશે

ખાનગી કંપની ડાકોર ખાતે બેટરી એનર્જી સ્‍ટોરેજ સિસ્‍ટમ સ્‍થાપશે : વીજ માગની સ્‍થિતિ હાલમાં કાબૂમાં હોવાનો તંત્રનો દાવો

વડોદરા,તા.૨૩: રાજ્‍યમાં તાજેતરમાં વીજ માગ ૨૯૮૨૨ મેગાવોટ થયા બાદ હાલમાં પરિસ્‍થિતિ કાબૂમાં રહી છે. ગઇકાલે વીજ માગ ૨૭૮૫૭ મેગાવોટ રહી હતી. બીજી તરફ આગામી દિવાળી સમયે જ વીજળીની માગ પણ વધી જાય તેવી સ્‍થિતિમાં તંત્ર સામે પડકાર રહેશે તેમ જણાવાય છે.

દિવાળી ટાણે ખાનગી કંપનીઓ દ્વારા ઓર્ડર પૂરા કરવા માટે ઓવરટાઈમ કામગીરી થશે. બીજી તરફ ખેડૂતો પણ પાકને છેલ્‍લા પાણી આપવા માટે વધુને વધુ વીજળીનો ઉપયોગ કરશે. જ્‍યારે પ્રકાશનું પર્વ હોવાના કારણે શહેરોથી માંડીને ગામ્‍ય વિસ્‍તારોમાં રોશની પણ મોટા પાયા ઉપર કરવામાં આવશે. આ સ્‍થિતિમાં વીજ માગ ફરીથી ૩૦ હજાર મેગાવોટની સપાટીને વટાવી જાય તેવા અનુમાન પણ મુકવામાં આવી રહ્યા છે.

રાજ્‍યમાં સોલર વીજળીનું ઉત્‍પાદન થાય છે પણ તેને સ્‍ટોરેજ માટે હજી પૂરતી સુવિધા ન હોવાની ફરિયાદો ઉઠી છે. આ સમયે જ એક ખાનગી કંપનીએ ડાકોર ખાતે બેટરી એનર્જી સ્‍ટોરેજ સિસ્‍ટમ (BESS) સ્‍થાપવાની જાહેરાત કરી છે. સહજ સોલાર લિમિટેડ નામની કંપનીએ જાહેરાત કરી છેકે, ૧.૮ ગીગાવોટ (GWh)ની ઉત્‍પાદન અને સ્‍ટોરેજ ક્ષમતા માટેનો પ્રોજેક્‍ટ આગામી એક વર્ષમાં કાર્યરત થશે. જેમાં અંદાજે રૂ.૨૫૦ મિલિયનનું રોકાણ થશે.

ઉત્તર ગુજરાત વીજ કંપનીએ ઔદ્યોગિક એકમોને સાંજના પીક એવર્સમાં સ્‍વૈચ્‍છિક વીજ કાપ રાખવા સૂચન કર્યું છે. જોકે એમજીવીસીએલે તાજેતરમાં આ અંગે પરિપત્રને ગણતરીના સમયમાં જ પાછો ખેંચી લીધો હતો. મધ્‍ય ગુજરાતની પોર રમણગામડી ઈન્‍ડ. એસો.ના અગ્રણી રવી જોશીએ જણાવ્‍યું હતુંકે, હાલમાં વીજળી કોઈ જ સમસ્‍યા નથી.

બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી ઉમરગામના પટ્ટામાં સાંજે વીજ કાપ હોવાની ફરિયાદ ઉઠી છે. રાજ્‍ય સરકાર દ્વારા દાવો કરાયો છેકે, વીજ પરિસ્‍થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. સૂર્યાસ્‍ત પછી સોલાર પાવર ઉપલબ્‍ધ ન હોવાથી ખેંચ ઉભી થાય છે. સરકારે સ્‍વૈચ્‍છિક રીતે જ ઓછી વીજળીનો ઉપયોગ કરવા અપીલ કરી છે. ખેતીની વીજ માગ ૧૨૦૦૦ મેગાવોટથી ૧૫૦૦૦ મેગાવોટ સુધી જાય તેવી પરિસ્‍થિતિમા તંત્ર માટે પડકાર રહે તેમ જણાવાય છે.

(1:39 PM IST)