<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

સુરતના અલથાણમાં સગીરાની છેડતી મામલે જનઆક્રોશ :વિધર્મી યુવકે સગીરાની પજવણી કરી હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો

રોષે ભરાયેલા સેંકડો લોકો રસ્તા પર ઉતરી અલથાણ પોલીસ સ્ટેશન ઘેર્યું :પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપીની કરી અટકાયત :આરોપીને કડક સજા કરવાની માંગ સાથે વિસ્તારમાં તંગદિલી

સુરતના અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતીની એક ઘટનાને પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. એક વિધર્મી યુવકે સગીરાની છેડતી કરી હોવાના આક્ષેપો સાથે સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.

 

મળતી માહિતી મુજબ, સુરતના અલથાણ વિસ્તારમાં રહેતી એક સગીરા સાથે છેડતીની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા જ આસપાસના રહીશો અને હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. લોકોનો આક્ષેપ છે કે વિધર્મી યુવકે સગીરાને માનસિક રીતે પરેશાન કરી છેડતી કરી હતી. જોતજોતામાં લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વાતાવરણ તંગ બની ગયું હતું.

રોષે ભરાયેલા લોકોએ અલથાણ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. લોકોની માંગ હતી કે આરોપીને તાત્કાલિક કડકમાં કડક સજા કરવામાં આવે. પોલીસ મથકની બહાર "ન્યાય આપો" ના નારા સાથે હોબાળો મચતા પોલીસ કાફલો પણ હરકતમાં આવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

જનઆક્રોશને જોતા સુરત પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી ગણતરીની મિનિટોમાં જ આરોપીની અટકાયત કરી લીધી હતી. હાલમાં અલથાણ પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

(11:11 PM IST)