<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

25 કરોડના ડ્રગ્સ કૌભાંડમાં પંજાબ કનેક્શન, અફઘાનિસ્તાનથી ડ્રોનથી મોકલાયું હતું હેરોઈન : અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન

રામોલ ટોલ પ્લાઝા પાસે XUV માંથી 4.5 કિલો હેરોઈન અને 2.5 કિલો MD જપ્ત, મુખ્ય આરોપી કફીલ અહેમદ ભાગવા જતા પગમાં ગોળી વાગી

અમદાવાદ તા.૩૧ : પકડાયેલા રૂ. 25.65 કરોડના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં મોટો ખુલાસો થયો છે. અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશનમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર રામોલ ટોલ પ્લાઝા નજીક મહિન્દ્રા XUV માંથી 4.531 કિલો હેરોઈન (કિંમત રૂ. 22.65 કરોડ) અને 2.497 કિલો મેફેડ્રોન (MD) (કિંમત રૂ. 2.99 કરોડ) જપ્ત કર્યું હતું.

 

તપાસમાં સામે આવ્યું છે કે આ હેરોઈન અફઘાનિસ્તાનના કંદહારના ડ્રગ માફિયા રહમત ગુલ ઉર્ફે રહેમત ગુલ પાસેથી મંગાવવામાં આવ્યું હતું. બોર્ડર પર ભારે સુરક્ષાને કારણે પંજાબ બોર્ડર પર ડ્રોન દ્વારા ડ્રગ્સનો જથ્થો ફેંકવામાં આવ્યો હતો અને ત્યાંથી દિલ્હીના લાજપત નગરમાં લાવવામાં આવ્યો હતો. MD ડ્રગ્સ રાજસ્થાનના ભવાની મંડી (ઝાલાવાડ) થી લાવવામાં આવ્યું હતું.

 

આ જથ્થો ગુજરાતમાં રાજકોટના અસલમ નામના શખ્સને આપવા લઈ જવાતો હતો. આરોપીઓએ ઈન્સ્ટન્ટ ડ્રિંક અને ડ્રાયફ્રૂટના પેકેટમાં સંતાડી સિક્રેટ ચેમ્બરમાં ડ્રગ્સ છુપાવ્યું હતું અને ટ્રાફિકનો લાભ લેવા સવારે 9-10 વાગ્યે ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો. તેઓ Zangi એપ પર વાત કરતા હતા.

 

પોલીસે દિલ્હીના ઓખલાના કફીલ અહેમદ ઉર્ફે જાવેદ (59), ટિફલ નોખેજ (44) અને મેરઠના મોહમ્મદ ઈમરાન ઉર્ફે રાજા (42) ની ધરપકડ કરી છે. ટિફલ સામે અમૃતસરમાં પણ હેરોઈનના કેસ નોંધાયેલા છે.

 

તપાસમાં ડ્રગ્સના પૈસા હવાલા અને ક્રિપ્ટો દ્વારા આતંકી ફંડિંગમાં જતા હોવાની આશંકાને કારણે હવે IB, NCB અને ગુજરાત ATS પણ તપાસમાં જોડાઈ છે. 

 

નોંધનીય છે કે 27 ઓક્ટોબરે મુખ્ય આરોપી કફીલ અહેમદ સાબરમતી રિવરફ્રન્ટ પાસે મેડિકલ ચેકઅપ દરમિયાન ભાગવાનો પ્રયાસ કરતા પોલીસ જવાન પર હુમલો કરી રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે PSI રાવલે સ્વબચાવમાં તેના પગમાં ગોળી મારી હતી.

(5:05 PM IST)