તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
પુરુષોત્તમ માસ ૨૦૨૬ : સુરતમાં રાંદેર સ્થિત તાપી કિનારે ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓનો ત્રિવેણી સંગમ : ભવ્ય આયોજનોની તૈયારીઓ પૂર્ણ
૧૭ મે થી ૧૫ જૂન દરમિયાન ત્રણ પૂજનીય સંતોના મુખેથી વહેશે દિવ્ય કથાની સરવાણી : મહા સફાઈ અભિયાન : ૨૦ થી વધુ ભૂદેવ પરિવારો દ્વારા અધિકમાસ પૂજા અને શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા વ્યવસ્થા સજ્જ

સુરત : સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા પવિત્ર તાપી નદીના કિનારે આગામી પુરુષોત્તમ માસ (અધિકમાસ) નિમિત્તે ધાર્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય કાર્યક્રમોનું અત્યંત ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક સંસ્થાઓ અને સેવાભાવી કાર્યકરોના અભૂતપૂર્વ સહયોગથી તા. ૧૭ મે થી ૧૫ જૂન ૨૦૨૬ દરમિયાન વિભિન્ન લોકકલ્યાણકારી અને ભક્તિસભર કાર્યક્રમો યોજાશે. આ ધાર્મિક મહોત્સવને લઈને સમગ્ર રાંદેર અને સુરત શહેરના હરિભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
તાપી ઘાટ પર બે દિવસીય મહા સફાઈ અભિયાન અને વિશેષ સુવિધાઓ:
પુરુષોત્તમ માસના પ્રારંભ પૂર્વે તાપી ઘાટ ખાતે સુરત મહાનગરપાલિકાના વિશેષ સહયોગથી બે દિવસીય સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ અભિયાન માટે ધી રાંદેર પીપલ્સ કો.ઓ. બેંક અને ધી સુરત ડીસ્ટ્રીકટ કો.ઓ. બેંક દ્વારા આર્થિક સહકાર પૂરો પાડવામાં આવ્યો છે. સફાઈમાં જોડાનારા તમામ સેવાભાવી કાર્યકરો માટે ટી-શર્ટ અને નાસ્તાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. અધિકમાસ દરમિયાન તાપીસ્નાન માટે પધારતા હજારો શ્રદ્ધાળુઓની સુવિધા માટે ઘાટ પર ખાસ આયોજન કરાયું છે, જેમાં ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને પ્રાઈવસીને પ્રાધાન્ય આપીને અલગ ચેન્જીંગ રૂમ બનાવવામાં આવ્યા છે.
ત્રિદિવ્ય કથા મહોત્સવ અને આહલાદક પ્રસંગો:
આ પવિત્ર માસ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે ત્રિદિવ્ય કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પૂજનીય મુળદાસ બાપુ, પૂજનીય વિનોદ શાસ્ત્રી અને પૂજનીય પ્રફુલ્લભાઈ શુક્લના મુખેથી શ્રદ્ધાળુઓને કથા શ્રવણનો દિવ્ય લાભ મળશે. કથા શ્રવણ માટે ભવ્ય મંડપ અને અદ્યતન સાઉન્ડ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. પોથી યાત્રા, યજમાન નિયુક્તિ અને કથા દરમિયાન આવતા વિવિધ ઉત્સવોની ઉજવણીની તમામ તૈયારીઓ આખરી ઓપ આપી દેવાયો છે. કંકોતરી અને આમંત્રણ પત્રિકાઓનું વિતરણ પણ શરૂ કરી દેવાયું છે તથા પ્રેસ-મીડિયા દ્વારા તેનો બહોળો પ્રચાર-પ્રસાર કરાશે.
૨૦ થી વધુ ભૂદેવ પરિવારો દ્વારા શાસ્ત્રોક્ત પૂજન વિધિ:
સ્થાનિક પરંપરાગત ભૂદેવો સાથે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ શ્રદ્ધાળુઓની સુવિધા માટે એક મોટો નિર્ણય લેવાયો છે. પુરુષોત્તમ માસ દરમિયાન ૨૦ થી વધુ પ્રકાંડ ભૂદેવ કુટુંબો દ્વારા ઘાટ પર આવતા ભાવિકો માટે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે અધિકમાસ પૂજા કરાવવામાં આવશે. આ ધાર્મિક વિધિઓ સુચારુ રૂપે સંપન્ન થાય તે માટે પણ નદી કિનારે ખાસ અલગ પૂજા મંડપની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સુરક્ષા વ્યવસ્થા:
તાપી નદીમાં પવિત્ર સ્નાન વખતે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર અને આયોજકો દ્વારા સુરક્ષાના કડક પગલાં લેવાયા છે. સમગ્ર માસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે અને કટોકટીના સમયે તાત્કાલિક બચાવ કામગીરી કરવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની સજ્જ ટીમ તાપી કિનારે ચોવીસ કલાક તૈનાત રહેશે.
ભવ્ય આગમન મહાઆરતી અને સમાપન સમારોહ:
પુરુષોત્તમ માસના મંગલ પ્રારંભના દિવસે સવારે ૯:૦૦ કલાકે સ્થાનિક ભૂદેવો અને સેંકડો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં તાપી મૈયાની ભવ્ય મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આ પવિત્ર માસના સમાપન પ્રસંગે સાંજે ૭:૦૦ કલાકે વિવિધ મઠ-મંદિરોના પૂજનીય સંતશ્રીઓ અને રાજકીય-સામાજિક મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં એક વિરાટ સમારોહ યોજાશે. આયોજક સમિતિ દ્વારા તમામ શહેરીજનોને આ અદ્ભુત ધાર્મિક અવસરનો લાભ લેવા અને સેવાકીય પ્રવૃત્તિઓમાં યથાશક્તિ જોડાવા માટે હાર્દિક આહ્વાન કરવામાં આવ્યું છે.
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
