<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની ૮૦૦૦થી વધુ બસોમાં ક્યુઆર કોડ આધારિત ફીડબેક સિસ્ટમ કાર્યરત થતા મુસાફરો તરફથી મળ્યો જબરદસ્ત પ્રતિસાદ

માર્ચથી જૂન ૨૦૨૬ દરમિયાન ૩.૧૩ લાખથી વધુ પેસેન્જરોના પ્રતિસાદના આધારે GSRTC એ મેળવ્યું ૫ માંથી ૪.૭ સ્ટારનું ધમાકેદાર સરેરાશ રેટિંગ

ગાંધીનગર : ગુજરાતની જાહેર પરિવહન વ્યવસ્થામાં મુસાફરોની સુવિધા સુરક્ષા અને સેવાની ગુણવત્તાને કેન્દ્રસ્થાને રાખીને નોંધપાત્ર પરિવર્તન લાવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા માર્ચ ૨૦૨૫માં અજમાયશી ધોરણે શરૂ કરવામાં આવેલી ક્યુઆર કોડ આધારિત મુસાફર ફીડબેક સિસ્ટમ હવે રાજ્યભરમાં મોટા પાયે વિસ્તરણ પામી છે. આ નવીન પહેલને લાખો મુસાફરોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે અને નિગમે સરેરાશ ૫માંથી ૪.૭ સ્ટારનું અત્યંત સંતોષજનક રેટિંગ પ્રાપ્ત કર્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્યની જાહેર પરિવહન સેવાઓમાં આ વ્યાપક સુધારા કરવામાં આવ્યા છે જેમાં મુસાફરોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાઈ છે.
રાજ્ય સંચાલિત બસ સેવાઓમાં મુસાફરોને વધુ સુરક્ષિત આરામદાયક અને ગુણવત્તાસભર મુસાફરીનો અનુભવ મળે તેવા હેતુથી આ ફીડબેક સિસ્ટમ શરૂ કરાઈ હતી. મુસાફરો મુસાફરી દરમિયાન બસમાં લગાવેલા ક્યુઆર કોડને સ્કેન કરીને પોતાના મોબાઇલ ફોન દ્વારા સીધો પ્રતિસાદ આપી શકે છે અને જો કોઈ સેવામાં ફરિયાદ હોય તો તે પણ જણાવી શકે છે. શરૂઆતના તબક્કે આ ડિજિટલ વ્યવસ્થા માત્ર પ્રીમિયમ લક્ઝરી બસોમાં જ અમલમાં મુકવામાં આવી હતી પરંતુ તેમાં સાંપડેલી અભૂતપૂર્વ સફળતા બાદ હવે જીએસઆરટીસીએ તેને વ્યાપક સ્તરે લાગુ કરી દીધી છે. હાલમાં રાજ્યના ૧૨૫ બસ સ્ટેશન ડેપો કંટ્રોલ પોઈન્ટ્સ તેમજ ૮૦૦૦થી વધુ બસોમાં આ ક્યુઆર કોડ લગાવવામાં આવ્યા છે.
જીએસઆરટીસીના ૧ માર્ચથી ૧૯ જૂન ૨૦૨૬ સુધીના પેસેન્જર્સ ફીડબેક રિપોર્ટ અનુસાર આ અહેવાલ કુલ ૩,૧૩,૮૨૪ મુસાફરો પાસેથી પ્રાપ્ત થયેલા પ્રતિસાદ પર આધારિત છે જે વિવિધ કામગીરીના માપદંડો પર નિગમની સેવાઓ પ્રત્યે ઊંચો સંતોષ દર્શાવે છે. ૫ સ્ટારના માપદંડ પર આપવામાં આવેલા રેટિંગ્સ દર્શાવે છે કે મુસાફરો સેવાના વિવિધ પાસાઓથી ખુશ છે અને નિગમ દ્વારા મુસાફરીના અનુભવને વધુ સારો બનાવવા માટે કરવામાં આવેલા પ્રયાસો સફળ રહ્યા છે.
સૂચનો અને ફરિયાદો પર ત્વરિત કાર્યવાહી અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે જીએસઆરટીસી માત્ર ફીડબેક એકત્રિત કરતી નથી પરંતુ તેના આધારે સક્રિય રીતે કાર્યવાહી પણ કરે છે. મુસાફરો દ્વારા મોકલવામાં આવતી તમામ ફરિયાદો સૂચનો અને મુદ્દાઓને તાત્કાલિક સંબંધિત વિભાગો તથા સ્થાનિક બસ ડેપો સુધી પહોંચાડવામાં આવે છે. પ્રાપ્ત થયેલા પ્રતિસાદની વિલંબ વિના ચકાસણી કરવામાં આવે છે અને જરૂરી સુધારાત્મક પગલાં સ્થળ પર જ લેવામાં આવે છે. મુસાફરોને શ્રેષ્ઠ જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવાનો અમારો સંકલ્પ છે. નિગમના એક વરિષ્ઠ અધિકારીએ પણ જણાવ્યું હતું કે મુસાફરોનો પ્રતિસાદ સંસ્થાની સતત પ્રગતિ માટે મહત્વપૂર્ણ સાધન છે અને નિગમ સમગ્ર ગુજરાતમાં સુરક્ષિત વિશ્વસનીય તથા મુસાફરમૈત્રી પરિવહન સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.
મુસાફરો દ્વારા તેમની મુસાફરીના વિવિધ પાસાઓને ૧થી ૫ સ્ટારના ધોરણે મૂલવવામાં આવ્યા છે જેમાં તમામ સેવાઓમાં જીએસઆરટીસીને ઊંચા રેટિંગ્સ મળ્યા છે જે નીચે મુજબ છે
  સ્ટાફનું વર્તન ૪.૯  ૫.૦ સ્ટાર
  મુસાફરોની સુરક્ષા ૪.૯  ૫.૦ સ્ટાર
  સ્વચ્છતા ૪.૮  ૫.૦ સ્ટાર
  બેઠક આરામદાયકતા ૪.૮  ૫.૦ સ્ટાર
  સમયસર સેવા પંક્ચુઆલિટી ૪.૮  ૫.૦ સ્ટાર

 

(2:12 PM IST)