<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

વડોદરા મેડિકલ કોલેજમાં રેગિંગ અને ત્રાસનો પર્દાફાશ: ડૉક્ટર સામે ગંભીર આક્ષેપો થતા ત્વરિત બદલી કરાઈ

સુરત બાદ વડોદરાની SSG હોસ્પિટલના સાઇકાઇટ્રિક વિભાગમાં રેસિડેન્ટ ડોક્ટરોને શારીરિક-માનસિક હેરાનગતિ અને અંગે ટિપ્પણીઓ કરવાના ગંભીર આરોપો બાદ આરોગ્ય મંત્રીના આદેશથી તબીબને ભાવનગર ખસેડાયા

વડોદરા : રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા ગત રોજ વડોદરાની પ્રસિદ્ધ SSG હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજની અચાનક મુલાકાત લેવામાં આવી હતી, જે દરમિયાન સાઇકાઇટ્રિક વિભાગના આશરે ૧૮ જેટલા રેસિડેન્ટ ડૉક્ટરોએ (R1, R2, R3 અને સિનિયર રેસિડેન્ટ) વિભાગના ડૉ. ચિરાગ બારોટ વિરુદ્ધ લેખિતમાં અત્યંત ગંભીર ફરિયાદો નોંધાવતા સમગ્ર મેડિકલ આખામાં ભારે ખળભળાટ મચી ગયો હતો. તબીબો દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતમાં ડૉ. બારોટ પર રેગિંગ કરવા, અભદ્ર મેસેજ મોકલવા, કામકાજના સમય પછી પણ અયોગ્ય માંગણીઓ કરવા, હોસ્ટેલના રૂમ નંબર પૂછવા તેમજ ચાલુ કામ દરમિયાન અશ્લીલ ટિપ્પણીઓ કરવા જેવા અત્યંત ચોંકાવનારા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા, એટલું જ નહીં પરંતુ થીસીસ અને પરીક્ષામાં ફેલ કરવાની ધમકીઓ અપાતી હોવાનું પણ લેખિતમાં જણાવાયું હતું.

આ ગંભીર ફરિયાદોને અત્યંત સંવેદનશીલતા અને ત્વરિતતાથી લઈને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક કડક કાર્યવાહીના આદેશો આપ્યા હતા, જેના પગલે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તુરંત જ એક્શન લેવામાં આવ્યા હતા અને ડૉ. ચિરાગ બારોટની વડોદરાની સરકારી મેડિકલ કોલેજમાંથી તાત્કાલિક અસરથી સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર ખાતે બદલી કરી દેવામાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે પ્રહાર કરતા આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અને તબીબોની સુરક્ષા, માન-સન્માન તથા માનસિક શાંતિ સાથે ક્યારેય કોઈ પણ પ્રકારની સમજૂતી કરવામાં આવશે નહીં અને રેગિંગ કે શોષણ સામે સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિ છે.

આ અગાઉ સુરતની મેડિકલ કોલેજમાં પણ રેગિંગ અને વિદ્યાર્થીઓના શોષણને લગતા વિવાદો સામે આવ્યા હતા, જેને પગલે ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરની તમામ મેડિકલ સંસ્થાઓમાં એન્ટી-રેગિંગ કમિટીઓને વધુ સક્રિય અને કડક બનાવવામાં આવી છે. વડોદરાની આ ઘટના બાદ મેડિકલ કોલેજ પરિસરમાં અને શૈક્ષણિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે કે ભવિષ્યમાં આવા તબીબો કે સત્તાધીશો સામે માત્ર બદલી જ નહીં પરંતુ ખાતાકીય તપાસ અને કાનૂની પગલાં પણ લેવા જોઈએ જેથી યુવા ડૉક્ટરો ભયમુક્ત વાતાવરણમાં પોતાની સેવા આપી શકે.

રાજ્ય સરકારના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ અને લેખિત ફરિયાદોની ઉચ્ચસ્તરીય તપાસ હજુ પણ ચાલુ છે અને જો દોષિત તબીબ સામે અન્ય કોઈ ગેરરીતિઓ સાબિત થશે તો નિયમો અનુસાર વધુ કડક શિસ્તભંગની કાર્યવાહી પણ કરવામાં આવશે. ગુજરાતની કોઈપણ સરકારી કે ખાનગી મેડિકલ સંસ્થામાં તબીબી વિદ્યાર્થીઓનું આ પ્રકારે માનસિક કે શારીરિક શોષણ બિલકુલ સહન કરવામાં આવશે નહીં તેવી મક્કમ નેમ સરકાર દ્વારા દાખવવામાં આવી છે.

(10:47 PM IST)