તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
રેલવેની મોટી ભેટ : ઓખા-તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેનનો પ્રારંભ : 11 મે ના રોજ સાંસદ પૂનમબેન માડમ લીલી ઝંડી બતાવશે
ઓખાથી દર સોમવારે અને તિરુપતિથી દર ગુરુવારે ઉપડશે નવી એક્સપ્રેસ ટ્રેન : દ્વારકા, જામનગર, રાજકોટ અને અમદાવાદ સહિતના મુખ્ય સ્ટેશનો પર મળશે સ્ટોપેજ : 10 મે થી બુકિંગ શરૂ થશે

(કૌશલ સવજાણી દ્વારા), જામ ખંભાળિયા: સૌરાષ્ટ્રના યાત્રિકો અને મુસાફરો માટે પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઓખા અને દક્ષિણ ભારતના પવિત્ર ધામ તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ આપેલી વિગત અનુસાર, આગામી 11 મે, 2026 ના રોજ ઓખા સ્ટેશનથી આ ટ્રેનનો ભવ્ય શુભારંભ કરવામાં આવશે.
મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન:
આ નવી ટ્રેન સેવાને 11 મે ના રોજ માનનીય સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ તથા ધારાસભ્ય પબુભા માણેક ઓખા સ્ટેશનથી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. આ નવી ટ્રેન શરૂ થવાથી દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના મુસાફરોને સીધી તિરુપતિ સુધીની કનેક્ટિવિટી મળશે.
ટ્રેનનું સમયપત્રક અને રૂટ:
ટ્રેન સંખ્યા 19560 ઓખા-તિરુપતિ એક્સપ્રેસ દર સોમવારે ઓખાથી રાત્રે 23.35 કલાકે ઉપડશે. આ ટ્રેન મંગળવારે વહેલી સવારે 04.00 કલાકે રાજકોટ પહોંચશે અને બુધવારે રાત્રે 23.30 કલાકે તિરુપતિ પહોંચશે. પરતમાં ટ્રેન સંખ્યા 19559 તિરુપતિ-ઓખા એક્સપ્રેસ 14 મે થી દર ગુરુવારે સવારે 08.15 કલાકે ઉપડશે અને શનિવારે સવારે 11.50 કલાકે ઓખા પહોંચશે.
મુખ્ય સ્ટોપેજ અને સુવિધાઓ:
આ ટ્રેન તેના માર્ગમાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જલગાંવ, ભુસાવલ, અકોલા, હજૂર સાહિબ નાંદેડ અને નિઝામાબાદ સહિતના મહત્વના સ્ટેશનો પર ઉભી રહેશે. મુસાફરોની સુવિધા માટે આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ કોચની વ્યવસ્થા કરવામાં આવી છે.
બુકિંગ અંગેની માહિતી:
પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ, ઓખા-તિરુપતિ એક્સપ્રેસનું બુકિંગ 10 મે, 2026 થી તમામ PRS કાઉન્ટર અને IRCTCની વેબસાઇટ પરથી કરી શકાશે. યાત્રિકો ટ્રેનના સમય અને સ્ટોપેજની વધુ માહિતી માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. આ નવી ટ્રેન સેવા શરૂ થવાથી ખાસ કરીને ધાર્મિક પ્રવાસન અને વેપાર અર્થે અવરજવર કરતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
(12:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
