<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

દિવાળી અને છઠ પૂજાને લઈને મુસાફરોની સુરક્ષા માટે રેલવે તંત્રનો મોટો નિર્ણય: અમદાવાદના કાલુપુર સ્ટેશને ૭ થી ૧૫ નવેમ્બર સુધી તમામ પ્રકારની પાર્સલ આવક-જાવક રહેશે સંપૂર્ણપણે બંધ

પ્લેટફોર્મ પર વધતી ભીડ અને રિડેવલપમેન્ટના કામોને ધ્યાનમાં રાખીને લેવાયા કડક પગલાં, મુસાફરોના અંગત સામાન અને અખબારોની અવરજવર યથાવત્ રહેશે

અમદાવાદ : દિવાળી અને છઠ પૂજાના પવિત્ર તહેવારો દરમિયાન ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના વિવિધ રાજ્યોમાં જવા માટે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ઉમટી રહેલી મુસાફરોની ભારે ભીડને નિયંત્રિત કરવા તથા પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પશ્ચિમ રેલવે દ્વારા આગામી ૭ નવેમ્બરથી ૧૫ નવેમ્બર સુધી સ્ટેશન પર તમામ પ્રકારના પાર્સલ ટ્રાફિકની આવક અને જાવક પર પ્રતિબંધ મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

રેલવે મુખ્યાલય દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર આદેશ અનુસાર, તહેવારોના આ દિવસોમાં સ્ટેશન પર ચાલતી સ્પેશિયલ ટ્રેનોની અવરજવર અને પ્લેટફોર્મ પર પ્રવાસીઓની અસાધારણ ભીડને લીધે કોઈ અગવડ ન સર્જાય તે માટે ડિપાર્ટમેન્ટલ પાર્સલ તેમજ લીઝ પર આપવામાં આવેલા પાર્સલ ટ્રાફિકનું બુકિંગ આ સમયગાળા દરમિયાન બંધ રહેશે.

 

હાલ કાલુપુર રેલવે સ્ટેશન પર મેગા રિડેવલપમેન્ટની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે પ્લેટફોર્મ પર પાર્સલનું લોડિંગ અને અનલોડિંગ ચાલુ રાખવાથી મુસાફરોની અવરજવરમાં ભારે અડચણ ઊભી થઈ શકે તેમ હોવાથી રેલવે પ્રશાસન દ્વારા પ્રવાસીઓની સુવિધાને સર્વોપરી ગણીને આ કડક પગલું ભરવામાં આવ્યું છે.

 

જોકે, મુસાફરોની રાહત માટે રેલવે સ્પષ્ટતા કરી છે કે આ પ્રતિબંધ દરમિયાન ટ્રેન કોચમાં મુસાફરો દ્વારા લઈ જવાતા વ્યક્તિગત સામાન (પર્સનલ લગેજ) પર કોઈ રોક રહેશે નહીં, તેમજ અગાઉથી નિયત નિયમો હેઠળ રજિસ્ટર્ડ અખબારો અને મેગેઝિનનું બુકિંગ રાબેતા મુજબ ચાલુ રહેશે.

 

તહેવારોની આ મોસમમાં મુસાફરો કોઈપણ અફરાતફરી કે જોખમ વિના પોતાના વતન સુધી સુરક્ષિત રીતે પહોંચી શકે તે માટે રેલવે સ્ટેશન પર પોલીસ અને સુરક્ષા જવાનો દ્વારા પણ સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવી રહી છે.

 

આ અગાઉ પણ તહેવારોની ભીડને કાબૂમાં લેવા માટે સ્ટેશન પરિસરમાં વિશેષ હોલ્ડિંગ એરિયા અને વોર રૂમ જેવા આયોજનો કરવામાં આવ્યા છે, જેનાથી મુસાફરોને ટ્રેનમાં બોર્ડિંગ કરવા માટે વ્યવસ્થિત માર્ગદર્શન મળી રહે અને ટ્રાફિક સંચાલન સરળ બને.

(7:17 PM IST)