તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th September 2026
બનાસકાંઠાના દાંતા અને હડાદ પંથકમાં એક મહિનાના લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો
હડાદ, મંડાલી, ભાણપુર, ઘાગડીયા અને સનાલી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં: સુકાઈ રહેલા પાકને તાત્કાલિક પાણી મળતાં ખેડૂતોમાં હર્ષોલ્લાસનો માહોલ

બનાસકાંઠા જિલ્લાના આદિવાસી અને પર્વતીય વિસ્તાર ગણાતા દાંતા અને હડાદ તાલુકામાં લાંબા સમયથી વરસાદની પ્રતીક્ષા કરવામાં આવી રહી હતી. શ્રાવણ માસ દરમિયાન વરસાદ ન વરસતાં ખેડૂતો ભારે નિરાશામાં મુકાઈ ગયા હતા. જોકે, ભાદરવા માસના પ્રારંભે જ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું.
હડાદ તાલુકાના હડાદ, મંડાલી, ભાણપુર, ઘાગડીયા અને સનાલી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં શરૂ થયાં હતાં. લગભગ 1 માસના લાંબા વિરામ બાદ વરસાદ પડતાં સતત અસહ્ય ઉકળાટ અને ગરમીથી નાગરિકોને મોટી રાહત મળી છે. વરસાદી માહોલ સર્જાતાં સમગ્ર વિસ્તારમાં ખુશનુમા ઠંડક પ્રસરી ગઈ છે. સુકાઈ રહેલા પાકને તાત્કાલિક પાણી મળતાં ખેડૂતોમાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
