<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

આગામી 48 કલાકમાં દક્ષિણ-સૌરાષ્ટ્રમાં વરસાદ ખાબકશે : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ભરૂચ અને વડોદરાના ભાગોમાં પણ ભારે વરસાદનું અનુમાન: અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મેઘરાજા મહેરબાન થશે.

અમદાવાદ :ગુજરાતવાસીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસાના આગમનને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે. રાજ્યમાં 21 જૂનથી વર્ષા ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને હવે આગામી દિવસોમાં ચોમાસું વધુ વેગવંતુ બનશે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાની શક્યતાઓને પગલે ખેડૂતોમાં પણ વાવણીને લઈને નવી આશા જન્મી છે.

 

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 23 જૂનથી ચોમાસું આગળ વધશે અને આગામી 48 કલાકમાં તે સક્રિય થવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે. 25 જૂન સુધીમાં ચોમાસું મુંબઈ-મહારાષ્ટ્ર થઈને દક્ષિણ ગુજરાતના વધુ ભાગોમાં પહોંચી જશે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં 26 થી 28 જૂન દરમિયાન સારો વરસાદ નોંધાઈ શકે છે, જેમાં 50 થી 100 મીમી સુધી વરસાદ થવાની શક્યતા છે.

 

સૌથી મહત્વનો ગાળો 29 જૂનથી 5 જુલાઈ સુધીનો રહેશે, જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન મુંબઈ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ભરૂચ અને વડોદરાના ભાગોમાં પણ ભારે વરસાદનું અનુમાન છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મેઘરાજા મહેરબાન થશે.

(2:36 PM IST)