તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Sunday, 19th April 2026
વલસાડમાં વરસાદી માહોલ :ધરમપુરના પહાડી વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ
માવઠાથી વલસાડની શાન ગણાતી હાફૂસ કેરીને નુકસાન થવાની શક્યતા:વરસાદ અને ભેજવાળા વાતાવરણથી કેરીમાં 'મધિયો' રોગ અથવા ફંગસ લાગવાનું જોખમ

વલસાડ જિલ્લામાં અચાનક વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે ધરમપુર તાલુકામાં મેઘરાજાનું આગમન થતા લોકોમાં ભારે આશ્ચર્ય અને આનંદ ફેલાયો છે. સવારથી જ આકાશમાં વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ બપોરના સમયે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. ભર ઉનાળે વરસાદ પડવાને કારણે રસ્તાઓ ભીના થયા હતા અને વાતાવરણમાં પ્રસરેલી ઠંડકથી લોકોએ રાહત અનુભવી છે.
ધરમપુરના હનુમતમાળ અને તેની આજુબાજુના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. પર્વતીય વિસ્તાર હોવાને કારણે અહીં વરસાદનું જોર અન્ય વિસ્તારો કરતા થોડું વધુ જણાતું હતું. અચાનક ત્રાટકેલા આ કમોસમી વરસાદને કારણે માર્ગો પરથી પાણી વહેતા થયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આ પ્રકારે હળવા વરસાદની શક્યતા અગાઉથી જ વ્યક્ત કરવામાં આવી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી વલસાડ જિલ્લામાં તાપમાનનો પારો 40°C ની આસપાસ રહેતા લોકો અસહ્ય ઉકળાટ અને બફારાથી પરેશાન હતા, ત્યારે આ વરસાદે કુદરતી રાહત આપી છે. જોકે, બીજી તરફ કમોસમી વરસાદ (માવઠું) પડતા ખેતીના પાક, ખાસ કરીને કેરીના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે. વલસાડની પ્રખ્યાત હાફૂસ કેરીના તૈયાર થઈ રહેલા પાક પર આ વરસાદની નકારાત્મક અસર પડી શકે તેમ છે.
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
