<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

રાજ્યમાં જામશે વરસાદી માહોલ :ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ : અનેક જિલ્લાઓમાં એલર્ટ

સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

ગુજરાતમાં ચોમાસાની ગતિ હાલ ધીમી હોવા છતાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે. હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર હાલમાં એકસાથે ત્રણ મહત્વની હવામાન સિસ્ટમ સક્રિય છે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મધ્યપ્રદેશ આસપાસનું સાયક્લોનિક સર્ક્યુલેશન અને પંજાબથી બિહાર સુધીનો સિઝનલ ટ્રફ સામેલ છે. આ સિસ્ટમોની અસરથી રાજ્યમાં ખાસ કરીને 2 અને 3 જુલાઈ દરમિયાન વરસાદી માહોલ જામશે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દરિયામાં ભારે કરંટ અને તેજ પવનની શક્યતાને ધ્યાનમાં રાખીને 1 અને 2 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ઉપરાંત કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ વરસાદી ઝાપટાંની શક્યતા છે. ખાસ કરીને 2થી 4 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ પણ થઈ શકે છે.

એક તરફ રાજ્યમાં વરસાદી વાતાવરણ બનશે તો બીજી તરફ ગરમી અને ભેજનો પણ લોકોને સામનો કરવો પડશે. હવામાં ભેજનું પ્રમાણ વધતા બફારો વધુ અનુભવાશે. આગામી દિવસોમાં રાજ્યનું મહત્તમ તાપમાન 38થી 40 ડિગ્રી વચ્ચે રહી શકે છે, જ્યારે અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમી સાથે ભારે ભેજ લોકોને અકળાવી શકે છે. હવામાન વિભાગે લોકોને ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવન દરમિયાન સાવચેતી રાખવાની તેમજ માછીમારોએ દરિયો ન ખેડવાની સલાહ આપી છે.

(8:58 PM IST)