તા. ૧૬ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૨ રવિવાર
News of Wednesday, 13th May 2026
રાજસ્થાન અને સુરત પોલીસે પુણા વિસ્તારની ફેક્ટરીઓમાંથી પાડયા દરોડા : 84 આદિવાસી બાળકોને મુક્ત કરાવ્યા
ઉદયપુરના 84 આદિવાસી બાળકોને બાળ મજૂરીમાંથી છોડાવાયા: પુણા વિસ્તારની ફેક્ટરીઓમાં માત્ર 5 હજાર રૂપિયા માટે બાળકોના ભવિષ્ય સાથે ખિલાવાડ

સુરત પોલીસ અને રાજસ્થાન પોલીસે સંયુક્ત રીતે હાથ ધરેલા એક મેગા સર્ચ ઓપરેશન દરમિયાન શહેરના પુણા વિસ્તારમાંથી 84 જેટલા આદિવાસી બાળકોને બાળ મજૂરીના સકંજામાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. આ તમામ બાળકો રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોના હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અત્યંત ચોંકાવનારી છે. આ માસૂમ બાળકોને તેમના વતનથી લલચાવી-ફોસલાવીને સુરત લાવવામાં આવ્યા હતા. અહીંની વિવિધ નાની-મોટી ફેક્ટરીઓમાં તેમની પાસે અત્યંત જોખમી અને કાળી મજૂરી કરાવવામાં આવતી હતી. આ બાળકોના બાળપણને માત્ર 5 હજાર રૂપિયા જેવી નજીવી રકમ માટે ગિરવે મૂકી દેવામાં આવ્યું હતું. વહેલી સવારથી મોડી રાત સુધી આ બાળકો પાસે મશીનો પર કામ કરાવવામાં આવતું હતું, જે તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ઘાતક હતું.
રાજસ્થાનમાં ગુમ થયેલા બાળકોની ફરિયાદો અને હ્યુમન ટ્રાફિકિંગના ઈનપુટ્સને આધારે રાજસ્થાન પોલીસની ટીમ સુરત પહોંચી હતી. સ્થાનિક પુણા પોલીસને (Puna Police) સાથે રાખીને વિવિધ ઔદ્યોગિક એકમોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન ફેક્ટરીઓની પાછળના ગુપ્ત ભાગોમાં છુપાવી રાખવામાં આવેલા બાળકો મળી આવતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.
હાલમાં પુણા પોલીસે આ મામલે ગુનો નોંધી ફેક્ટરી માલિકો અને આ નેટવર્ક ચલાવતા વચેટિયાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. તમામ 84 બાળકોને હાલ સુરક્ષિત આશ્રયસ્થાને ખસેડવામાં આવ્યા છે. આ ઓપરેશન બાદ સુરતના અન્ય વિસ્તારોમાં પણ બાળ મજૂરી નાબૂદ કરવા માટે ડ્રાઈવ ચલાવવામાં આવે તેવી શક્યતા છે.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
