તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
સનાતન દશનામ ગોસ્વામી સમાજનું મહા અધિવેશન ૨૪મીએઃ મુખ્યમંત્રી સહિતનાની હાજરી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૩: સમગ્ર ગોસ્વામી સમાજને સંગઠિત કરવા અને સામાજિક ઉત્કર્ષના હેતુથી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ દ્વારા રવિવારના રોજ ગાંધીનગર ખાતે મોદી સમાજની વાડી (મોઢ ભવન) રાંધેજા- પેથાપુર રોડ ગાંધીનગર ખાતે મહા અધિવેશનનું સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા દરમિયાન યોજાશે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી ગોસ્વામી સમાજના અગ્રણીઓ અને ભાઈપ્રબહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. રવિવારે સવારે ૯:૦૦ વાગ્યે ભગવા ધ્વજ રોપણ સાથે કાર્યક્રમની વિધિવત શરૂઆત થશે, જે બાદ પ્રાર્થના, સ્વાગત ગીત, સ્વાગત પ્રવચન અને સંમેલનના અધ્યક્ષશ્રીની વરણી કરવામાં આવશે. આ મંગલ પ્રસંગે દીપ પ્રાગટય બાદ સમાજના દાતાશ્રીઓ, તેજસ્વી તારલાઓ તેમજ વિવિધ ક્ષેત્રના વિજેતા પ્રતિભાઓનું વિશેષ સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ સામાજિક અને આધ્યાત્મિક મહા અધિવેશનમાં વિવિધ અખાડા અને મઠના લબ્ધપ્રતિષ્ઠિત સંતોપ્રમહંતો ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે, જેમાં મુખ્યત્વે પ.પૂ. શ્રી નળસિંહગિરિ બાપુ (કતારગામ, સુરત), પ.પૂ. મહામંડલેશ્વર ૧૦૦૮ સ્વામી શ્રી સ્વરૂપાનંદજી બાપુ (શિહોર), ૧૦૦૮ મહંતશ્રી કાર્તિકપુરીજી બાપુ (સિદ્ધપુર), જૂના અખાડા જુનાગઢના થાણાપતિ પ.પૂ. બુધ્ધગિરિ બાપુ, પ.પૂ. ૧૦૦૮ મહંતશ્રી સુખદેવપુરીજી ગુરૂ ડુંગરપુરી (બનાસકાંઠા), અને વડાવલી મઠના શક્તિપીઠાધિશ્વર શ્રી અતુલગિરિજી સહિતના ઉચ્ચ સંતોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
આયોજનમાં રાજકીય અને પ્રશાસનિક ક્ષેત્રના ગૌરવવંતા મહાનુભાવો પણ હાજરી આપશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ (ગાંધીનગર), શિક્ષણ મંત્રીશ્રી ડૉ. પ્રધ્યુમનભાઈ વાજા, રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહ (રાજકોટ), ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર (ગાંધીનગર દક્ષિણ) તેમજ ધારાસભ્ય રિવાબા જાડેજા ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગોસ્વામી સમાજનું ગૌરવ વધારતા ઉચ્ચ સરકારી અધિકારીઓ જેવા કે એડીશનલ કલેકટર કુ. શીતલબેન ગોસ્વામી, ડી.વાય.એસ.પી. નિલમબેન ગોસ્વામી (અમદાવાદ), ડી.વાય.એસ.પી. રવિન્દ્રગિરિ ગોસ્વામી (રાજપીપળા) અને આઈ.એફ.એસ. શ્રીમતી વિભાબેન એન. ગોસ્વામી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી શોભા વધારશે. સનાતન દશનામ ગોસ્વામી મહામંડળના હોદ્દેદારો દ્વારા સમગ્ર સમાજના લોકોને આ કાર્યક્રમમાં સમયસર ઉપસ્થિત રહી ભોજન પ્રસાદ લેવા તથા અધિવેશનને સફળ બનાવવા શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાત દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
