તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
માતાજીની વિધિના બહાને સોનું પડાવતી રાજકોટની ‘બાવાજી ગેંગ' આખરે ઝડપાઈ
કેન્સરગ્રસ્ત યુવાન અને વૃદ્ધાના દાગીના પડાવવા સહિતના ત્રણ ગુના ઉકેલાયા

સુરત,તા.૦૧: ઘરમાં પિતૃદોષ હોવાનું અને માંદગી દૂર કરવાની વિધિ કરવાના બહાને વૃદ્ધો તથા મહિલાઓને નિશાન બનાવી સોનાના દાગીના ખંખેરી લેતી રીઢા ઠગોની ગેંગને લસકાણા પોલીસે રાજકોટથી દબોચી લીધી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે ઓગાળેલી સોનાની લગડીઓ અને રોકડ સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ ધરપકડ સાથે લસકાણા પોલીસ સ્ટેશનનો એક અને ઉત્રાણ પોલીસ સ્ટેશનના બે મળી કુલ ત્રણ મોટા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
લસકાણામાં રહેતા કેન્સરગ્રસ્ત સૌરાષ્ટ્રવાસી વિજય ડોંડાના પિતા બટુકભાઇની પાસેથી ૧.૫૦ લાખ અને વેલેંજા ગોવર્ધનનગરમાં રહેતા હેમીબેન ગોરસોંદીયાની પાસેથી રૂ.૭૦,૦૦૦ સહિત પરિવારને પિતૃદોષ છે, એમ કહીને ઠગાઈ કરી હતી. આ ફરિયાદીની મદદથી લસકાણા પોલીસે ચોક્કસ કડી મેળવી રાજકોટ ખાતે દરોડો પાડી બે આરોપીઓને ઝડપી લીધા હતા.
પકડાયેલા શખ્સોમાં કાળુનાથ લખનાથ નકુમ (ઉં.વ. ૩૭, રહે. આનંદપર નવાગામ, રાજકોટ) અને દેવાયત કાનજીભાઈ નાથબાવા (રાઠોડ) (ઉં.વ. ૩૯, રહે. જામનગર મેઈન રોડ, રાજકોટ)નો સમાવેશ થાય છે.
ઠગાઈની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી
આ ગેંગ રાજકોટથી બસમાં સુરત આવતી હતી. ખાસ કરીને કાઠિયાવાડી પરિવારો રહેતા હોય તેવા વિસ્તારો પસંદ કરી, ત્યાો વૃદ્ધો અને મહિલાઓને રામાપીરના મંડળે જમવા આવજો કહી વાતોમાં વળગાડતા હતા. ત્યારબાદ તમારા ઘરમાં પિતૃદોષ છે, એટલે જ ઘરમાં બીમારી રહે છે અને પૈસા ટકતા નથી તેમ કહી ડરાવતા હતા. વિધિના બહાને ગ્લાસ, કંકુ, ચોખા અને સોનાના દાગીના મંગાવી, નજર ચૂકવી ઘરેણાં લઈને રફુચક્કર થઈ જતા હતા. ચોરેલા દાગીના પકડાઈ ન જાય તે માટે તેઓ સોનું ઓગાળીને લગડી બનાવી દેતા હતા. લસકાણા પોલીસે બંનેની અન્ય ગુનામાં સંડોવણી અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
