News of Wednesday, 16th September 2026
ગણેશ મહોત્સવને લઈ રાજપીપળા પાલિકા દ્વારા કૃત્રિમ તળાવને ઊંડું અને પહોળું કરવાની કામગીરી શરૂ
ચીફ ઓફિસરના આદેશ બાદ બીજા જ દિવસે પાલિકા તંત્ર દ્વારા આ કામગીરી શરૂ કરી દેવામાં આવી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા શહેરમાં ગણેશ મહોત્સવને લઈને નગરપાલિકા તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર વૈશાલીબેન વરિયાના હુકમ બાદ પાલિકા તંત્ર યુદ્ધના ધોરણે કૃત્રિમ તળાવની કામગીરીમાં લાગી ગયું છે.
હાલમાં રાજપીપળા નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા શહેરના ગણેશ મંડળોના આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગણેશ મહોત્સવ દરમિયાન જરૂરી વ્યવસ્થાઓ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ચીફ ઓફિસર વૈશાલીબેન વરિયાએ ગણેશ મંડળોના આગેવાનોને જણાવ્યું હતું કે, ગણેશજીની પ્રતિમા વિસર્જન માટે બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવને વધુ પહોળું તેમજ વધુ ઊંડું કરવામાં આવશે અને તેમાં પૂરતા પ્રમાણમાં પાણી ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ચીફ ઓફિસરના આદેશ બાદ બીજા જ દિવસે પાલિકા તંત્ર દ્વારા આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
રાજપીપળામાં કરજણ નદીના કાંઠે આવેલા સરકારી ઓવારા પાસે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવને વધુ પહોળું અને ઊંડું કરવાની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને શહેરના ગણેશ મંડળો તેમજ નાગરિકોને કોઈ અગવડ ન પડે અને વિસર્જન દરમિયાન યોગ્ય વ્યવસ્થા મળી રહે તે માટે પાલિકા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
ચીફ ઓફિસરનો આમ ઝડપી નિર્ણય અને કામગીરીને જોઈ શહેરમાં પણ ચર્ચા જોવા મળી રહી છે. સ્થાનિક લોકો દ્વારા પાલિકાની કામગીરી અંગે સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવી રહ્યો હોવાની ચર્ચા છે.
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
