તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
રાજપીપળા નગરપાલિકાની રખડતા ઢોર પકડવાની ઝુંબેશ ભારે વિવાદમાં : ગૌરક્ષકોમાં ભારે રોષ
જ્યાં પશુઓને સાચવવાના હતા તે સરકારી ઈમારતમાં શ્રમિક પરિવારો ઘરવખરી સાથે વસવાટ કરતા ઝડપાયા, ચીફ ઓફિસર ખુદ આ સુવિધાથી અજાણ હોવાનો દાવો:પૂર્વ બજરંગદળ પ્રમુખ અને નર્મદા ભાજપ કિસાન મોરચાના મંત્રી પુષ્પરાજસિંહ ચૌહાણે પાલિકાના વહીવટ સામે બાયો ચડાવી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા નગરપાલિકા દ્વારા છેલ્લા 20 દિવસથી શહેરમાં રખડતા ઢોરોને પકડવાની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. જોકે, આ ઝુંબેશ હવે ગંભીર વિવાદના વમળમાં ફસાઈ છે. ખુદ ભાજપ કિસાન મોરચાના જિલ્લા મંત્રી અને પૂર્વ બજરંગ દળ પ્રમુખે પાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવી મોરચો માંડતા ચકચાર મચી છે.
નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળામાં લાંબા સમયથી ટ્રાફિક, ગેરકાયદે દબાણો અને રખડતા ઢોરોનો ત્રાસ નગરજનો માટે માથાનો દુખાવો બન્યો હતો. નવા ચીફ ઓફિસર વૈશાલીબેન વરિયાના આવ્યા બાદ હાથ ધરાયેલી ઝુંબેશથી માર્ગો મોકળા થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ, આ ઝુંબેશ પાછળનું વરવું સત્ય હવે સામે આવી રહ્યું છે. પકડાયેલા પશુઓને નિયમાનુસાર સ્થાનિક ઢોર ડબ્બામાં રાખવાને બદલે પોશ વિસ્તાર ગણાતા કોલેજ રોડ સ્થિત ક્લબ હાઉસ ખાતે ખુલ્લામાં અને અસુવિધા વચ્ચે રખાઈ રહ્યા હોવાનો આક્ષેપ થયો છે. આ ઉપરાંત, ગુજરાત નગરપાલિકા અધિનિયમ અને એનિમલ વેલફેર નિયમોનું ઉલ્લંઘન કરી પશુઓને સીધા ભરૂચ તેમજ કરજણ પાંજરાપોળ ખાતે રવાના કરવામાં આવી રહ્યા છે, ગૌરક્ષકોના આક્ષેપ મુજબ, પકડાયેલા મૂંગા જીવોને કોલેજ રોડ પર ક્લબ હાઉસમાં કાળઝાળ ગરમીમાં ખુલ્લામાં રાખવામાં આવી રહ્યા છે. પીવાના પાણી માટે કચરો ભરવાની એક હાથલારી મૂકવામાં આવી છે અને ચારાની યોગ્ય વ્યવસ્થાના અભાવે ભૂખ્યા પશુઓ પ્લાસ્ટિક અને કચરો ખાવા મજબૂર બન્યા છે. સરકારી ગાઇડલાઇન મુજબ, પશુ પકડાયા બાદ માલિક દંડ ભરીને પશુને છોડાવી શકે તે માટે ઓછામાં ઓછા 7 દિવસ સ્થાનિક સ્તરે રાખવાની અને નોટિસ જારી કરવાની જોગવાઈ છે. જોકે અહીં પશુ પકડાયાના બીજા જ દિવસે અન્ય જિલ્લાની પાંજરાપોળમાં મોકલી દેવાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પશુઓના પરિવહન સમયે પણ ફિટનેસ સર્ટીફિકેટ, ટેગિંગ કે પશુ પરિવહનના નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું છે, આ સાથે રાજપીપળા પાલિકાના પોતાના કરોડોના ખર્ચે બનેલા સરકારી ઢોરડબ્બામાં પશુઓને બદલે શ્રમિક પરિવારો રહેતા હોવાનું ઘટસ્ફોટ થયો છે.લગભગ છેલ્લા એકાદ વર્ષથી ઢોર ડબ્બા ની જગ્યા માં શ્રમિક પરિવારો વસવાટ કરે છે.
પાલિકાના સત્તાવાર આંકડા મુજબ, છેલ્લા 20 દિવસમાં 116 ગાય અને 25 આખલા સહિત કુલ 141 રખડતા પશુઓ પકડાયા છે. તેમાંથી માત્ર 8 ગાયો દંડ વસૂલી માલિકોને પરત કરાઈ છે, જ્યારે 108 ગાયોને ભરૂચ અને 25 આખલાઓને કરજણ પાંજરાપોળ મોકલી અપાયા છે. હવે માલિકોએ પશુઓ છોડાવવા માટે ભરૂચ કે કરજણ જવું પડશે. જ્યારે આ સમગ્ર મામલે ગૌરક્ષકો પાલિકા તંત્રને રજૂઆત કરવા પહોંચ્યા, ત્યારે તેમની રજૂઆત સાંભળવાને બદલે ઉદ્ધતાઈભર્યું વલણ દાખવવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. સામા પક્ષે ચીફ ઓફિસરે નિયમોનું પાલન થતું હોવાનો દાવો કરતા જણાવ્યું હતું કે જો કોઈને સાચી જીવદયા હોય તો તેમણે પોતે આગળ આવી પશુઓને આશ્રય આપવો જોઈએ.
આ સમગ્ર વિવાદ વચ્ચે સૌથી મોટો અને ચોંકાવનારો ઘટસ્ફોટ પાલિકાના પોતાના ઢોરડબ્બા અંગે થયો છે. વર્ષ 2018માં 'સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના' હેઠળ આધુનિક સોલાર પેનલ યુક્ત પાલિકાના સરકારી ઢોર ડબ્બાનું લોકાર્પણ સાંસદ મનસુખ વસાવા અને તત્કાલીન સાંસદ રામસિંહ રાઠવા નાંદોદ વિધાનસભાના તત્કાલીન ધારાસભ્ય પી.ડી વસાવાની ઉપસ્થિતિમાં કરાયું હતું. માત્ર 8 વર્ષ જૂનું અને સુવિધાયુક્ત સંકુલ ઉપલબ્ધ હોવા છતાં, પશુઓને અસુવિધાજનક જગ્યાએ રખાઈ રહ્યા છે. ગૌરક્ષકોની તપાસમાં સામે આવ્યું કે જ્યાં પશુઓને રાખવાના છે તે સરકારી ઢોર ડબ્બામાં હાલ શ્રમિક પરિવારો પોતાના ઘરવખરીના સામાન સાથે વસવાટ કરી રહ્યા છે, રાજપીપળા નગરપાલિકા ના કયા અધિકારી કે કોન્ટ્રાકટર દ્વારા આ શ્રમિકોને સરકારી ઢોરડબ્બા (પાંજરાપોળ) માં આશ્રય આપવામાં આવ્યો છે તે પણ એક મોટો તપાસનો વિષય બન્યો છે, પાલિકાની માલિકીની મિલકત કાર્યરત હોવા છતાં વહીવટી તંત્રની આવી બેદરકારી સામે સ્થાનિક રહીશો અને ગૌપ્રેમીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
