તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st November 2026
રાજપીપળાના વતની અને વડોદરાના યુવા કન્ટેન્ટ ક્રિએટર હેતાંગ મહાજનનું રાષ્ટ્રીય ટેલિવિઝન પર પદાર્પણ
જાણીતા સ્ટાર અનિલ કપૂર સાથે 'ઇન્ડિયા કે ટોપ 1%’ના ખાસ એપિસોડમાં 100 પ્રતિભાગીઓમાં સ્થાન મેળવ્યું

(ભરત શાહ દ્વારા ) નર્મદા: વડોદરાના યુવા કન્ટેન્ટ ક્રિએટર, કમ્યુનિટી બિલ્ડર અને ઉદ્યોગસાહસિક હેતાંગ મહાજને પોતાની ચાર વર્ષની સર્જનાત્મક સફરમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. હેતાંગ હવે લોકપ્રિય ટેલિવિઝન શો ઇન્ડિયા કે ટોપ 1% ના ખાસ એપિસોડમાં જોવા મળશે. આ વિશેષ એપિસોડમાં “જનરેશન વૉર -Gen Z વિરુદ્ધ Evergreen’ની રસપ્રદ થીમ રજૂ કરવામાં આવી છે, જેમાં બોલિવૂડના જાણીતા અભિનેતા અનિલ કપૂર હોસ્ટ તરીકે જોડાયા છે. આ એપિસોડ માટે પસંદ કરાયેલા 100 પ્રતિભાગીઓમાં હેતાંગ મહાજનનો પણ સમાવેશ થયો છે.
માત્ર ચાર વર્ષ પહેલાં કેમેરા અને લોકો સાથે વાતચીત કરવાની હિંમતથી શરૂ થયેલી હેતાંગની સફર આજે રાષ્ટ્રીય મંચ સુધી પહોંચી છે. શરૂઆતમાં જાહેર સ્થળોએ અજાણ્યા લોકો સાથે રસપ્રદ પ્રરનો અને સંવાદો દ્વારા કન્ટેન્ટ બનાવતા હેતાંગે ધીમે ધીમે પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. તેમના વોક્સ પોપ વીડિયો, યુવા પેઢી સાથે જોડાયેલા વિષયો અને પ્રેક્ષકો સાથેના સહજ સંવાદોએ તેમને સોશિયલ મીડિયા પર ઓળખ અપાવી છે.
કન્ટેન્ટ ક્રિએશનની સાથે હેતાંગે 'Together Community' નામે એક વિશાળ ક્રિએટર કમ્યુનિટીનું નિર્માણ પણ કર્યું છે. આ પહેલ અંતર્ગત વડોદરા, અમદાવાદ, સુરત સહિત ગુજરાત અને અન્ય વિસ્તારોના 800થી વધુ કન્ટેન્ટ ક્રિએટર્સને એક મંચ પર જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ક્રિએટર્સને નવી તકો, બ્રાન્ડ્સ સાથે જોડાણ, નેટવર્કિંગ અને સહિયારી વૃદ્ધિ માટે પ્લેટફોર્મ પૂરું પાડવું આ કમ્યુનિટીનો મુખ્ય હેતુ છે.
આ ઉપરાંત હેતાંગ વિવિધ બ્રાન્ડ્સ સાથે કેમ્પેઇન, ઇવેન્ટ્સ અને કમ્યુનિટી આધારિત પહેલોનું આયોજન પણ કરે છે. કન્ટેન્ટ ક્રિએશનથી શરૂ થયેલી તેમની સફર હવે ઇવેન્ટ ક્યુરેશન, બ્રાન્ડ કોલેબોરેશન અને કમ્યુનિટી બિલ્ડિંગ જેવા ક્ષેત્રો સુધી વિસ્તરી છે.
આ સિદ્ધિ અંગે હેતાંગે જણાવ્યું કે, “ચાર વર્ષ પહેલાં કેમેરા લઈને રસ્તા પર અજાણ્યા લોકો સાથે વાતચીત શરૂ કરી હતી. આજે એ જ સફર મને રાષ્ટ્રીય ટેલિવિઝન સુધી લઈ આવી છે. આ માત્ર મારી વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ વડોદરા શહેર, મારી કમ્યુનિટી અને આ સફરમાં મને સાથ આપનારા દરેક વ્યક્તિ માટે ગર્વની ક્ષણ છે. હું માનું છું કે સપનાં મોટાં હોવાં જોઈએ, પરંતુ તેમની શરૂઆત નાનાં પગલાંથી પણ થઈ શકે
આ ખાસ એપિસોડનું પ્રસારણ 1 નવેમ્બર, 2026ના રોજ રાત્રે 8 વાગ્યે STAR PLUS પર થશે તથા JioHotstar પર પણ જોઈ શકાશે. વડોદરાથી શરૂ થયેલી એક યુવા ક્રિએટરની આ સફર હવે રાષ્ટ્રીય મંચ પર પોતાની ઓળખ બનાવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હેમાંગ ના પિતા કલ્પેશ મહાજન રાજપીપળા માં ઘણી બધી લોકસેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, વર્ષો થી તેઓ ભૂખ્યા ને ભોજન અને શિયાળા ની ઋતુ માં જરૂરિયાતમંદો ને ધાબળા સહિત નું નિઃશુલ્ક વિતરણ કરી અનેક સેવાકાર્યો કરે છે
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
