<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

ગુજરાતમાં રેશનિંગ વ્યવસ્થા ઠપ્પ થવાના એંધાણ: 19 એપ્રિલથી રાજ્યભરના રેશન દુકાનદારોની આરપારની લડાઈ, અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત

પ્રહલાદ મોદીની આગેવાનીમાં વેપારીઓએ જથ્થો સ્વીકારવાનો કર્યો ઇનકાર; એપ્રિલનું અનાજ ન મળતા વિતરણ વ્યવસ્થા ખોરવાશે, લાખો કાર્ડધારકો મુશ્કેલીમાં

રાજકોટ: ગુજરાતમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા સંચાલકોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. પડતર માંગણીઓ અને જથ્થો પૂરો પાડવામાં થઈ રહેલી અનિયમિતતાના વિરોધમાં રાજ્યના રેશન દુકાનદારોએ આગામી 19 એપ્રિલથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનું એલાન કર્યું છે. રેશન દુકાનદાર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ આ અંગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે, હવે રજૂઆતોનો સમય પૂરો થયો છે અને આંદોલન સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.
સમયસર જથ્થો ન મળતા ગ્રાહકો સાથે ઘર્ષણ
દુકાનદારોની મુખ્ય ફરિયાદ એ છે કે એપ્રિલ મહિનો અડધો વીતી ગયો હોવા છતાં હજુ સુધી રેશનનો જથ્થો દુકાનો સુધી પહોંચ્યો નથી. એસોસિએશનની માંગ છે કે દર મહિનાની 1 થી 7 તારીખની અંદર જ અનાજનો પુરવઠો દુકાનો પર પહોંચી જવો જોઈએ. સમયસર જથ્થો ન મળવાને કારણે રાશન કાર્ડ ધારકોને ખાલી હાથે પરત જવું પડે છે, જેનાથી વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે અવારનવાર વિવાદ અને ઘર્ષણની સ્થિતિ સર્જાય છે. આ વ્યવસ્થાકીય ખામીનો ભોગ વેપારીઓએ બનવું પડે છે તેવો આક્ષેપ પ્રહલાદ મોદીએ કર્યો છે.
નવો સ્ટોક નહીં લેવાની ચીમકી: PDS વ્યવસ્થા જોખમમાં
હડતાળના ભાગરૂપે વેપારીઓએ હવે સરકાર તરફથી આવતો રેશનનો નવો જથ્થો સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો છે. જો દુકાનદારો અનાજ લેવાનું બંધ કરશે, તો રાજ્યની જાહેર વિતરણ પ્રણાલી (PDS) સંપૂર્ણપણે ખોરવાઈ જશે. ગુજરાતના લાખો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો જે સરકારી અનાજ પર નિર્ભર છે, તેમના રસોડા સુધી અનાજ પહોંચવું મુશ્કેલ બનશે.
સરકારના પ્રતિભાવ પર સૌની નજર
હાલમાં તો રેશન દુકાનદારો પોતાના નિર્ણય પર મક્કમ દેખાય છે. જો 19 એપ્રિલ પહેલા સરકાર આ મામલે કોઈ મધ્યસ્થી કરીને ઉકેલ નહીં લાવે, તો રાજ્યભરમાં અનાજ વિતરણ ઠપ્પ થઈ જશે. આગામી દિવસોમાં આ હડતાળ કેવું સ્વરૂપ પકડે છે અને રાશન કાર્ડ ધારકોની મુશ્કેલી દૂર કરવા સરકાર શું પગલાં ભરે છે તેના પર સૌની નજર ટકેલી છે.
આ હડતાળને કારણે ગુજરાતના રેશનિંગ ક્ષેત્રે અત્યારે ભારે તણાવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. શનિવાર સુધીમાં જો કોઈ સમાધાન નહીં થાય, તો રવિવારથી રાજ્યની તમામ સસ્તા અનાજની દુકાનોના શટર પડી જશે.

(6:13 PM IST)