<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

જાહેર પરીક્ષા પદ્ધતિમાં મૂળભૂત ફેરફારો કરવા ભલામણ

૧૫ મુદ્દાનું મોડેલ રજૂ કરાયું- રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર માટે રચાયેલી ટાસ્‍ક ફોર્સને સૂચનો મોકલાયા : ભારતીય ભાષામાં પરીક્ષા સામગ્રી, એકીકૃત પરીક્ષા કેલેન્‍ડર, પરીક્ષા લોકપાલ જેવી ભલામણો

અમદાવાદ તા.૧૪: દેશની જાહેર પરીક્ષા વ્‍યવસ્‍થામાં માત્ર સુરક્ષા વધારવા પૂરતા ફેરફારો કરવાને બદલે સમગ્ર પરીક્ષા પદ્ધતિને વૈજ્ઞાનિક, પારદર્શક અને વિદ્યાર્થી કેન્‍દ્રિત બનાવવા માટે ભારત સરકારની ઉચ્‍ચસ્‍તરીય ટાસ્‍ક ફોર્સ સમક્ષ ૧૫ મુદ્દાની વ્‍યાપક સુધારા યોજના રજૂ કરવામાં આવી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રજૂ કરાયેલી આ ભલામણોમાં પરીક્ષાઓના માળખાકીય, સંસ્‍થાકીય અને ટેકનિકલ સ્‍વરૂપમાં બદલાવ લાવવા પર ભાર મૂકાયો છે.

સંઘ મુજબ પરીક્ષાના અતિશય દબાણ અને સ્‍પર્ધાને ઘટાડવા માટે ‘એક વિદ્યાર્થીઅનેક પ્રમાણિત મૂલ્‍યાંકનએક રાષ્ટ્રીય મેરિટ ફ્રેમવર્ક' ની પદ્ધતિ અપનાવવી જરૂરી છે, જેનાથી શાળાકીય શિક્ષણ, બોર્ડ પરીક્ષાઓ અને પ્રવેશ પરીક્ષાઓ વચ્‍ચે વધુ સારો સમન્‍વય સાધી શકાય અને જરૂરિયાત મુજબ મલ્‍ટી સ્‍ટેજ તેમજ મલ્‍ટી એટેમ્‍પ આધારિત કૌશલ્‍ય મૂલ્‍યાંકન પ્રક્રિયા વિકસાવી શકાય. પરીક્ષા ચોરી અને પેપર લીક જેવી ઘટનાઓ અટકાવવા માટે મજબૂત રાષ્ટ્રીય પ્રશ્નબેંક, સ્‍વતંત્ર નિષ્‍ણાત તંત્ર, એન્‍ક્રિપ્‍ટેડ પ્રશ્નપત્રો, વૈજ્ઞાનિક મોડરેશન, ડિજિટલ ઑડિટ ટ્રેલ અને સ્‍વતંત્ર પરીક્ષા-સુરક્ષા તેમજ ગુપ્તચર તંત્ર ઊભું કરવાનું સૂચન કરાયું છે. સાથે જ NTA સહિતની પરીક્ષા સંસ્‍થાઓને શૈક્ષણિક નેતૃત્‍વ ધરાવતી અને કાર્યાત્‍મક રીતે પૂર્ણ સ્‍વાયત્ત બનાવવાની માગ કરાઈ છે.

વિદ્યાર્થીઓની સુવિધા અર્થે ખાનગી કેન્‍દ્રો પર નિર્ભરતા ઘટાડી સરકારી માલિકીના પરીક્ષા કેન્‍દ્રોનું રાષ્ટ્રીય નેટવર્ક અને પ્રાદેશિક હબ બનાવવાની ભલામણ કરાઈ છે, જેથી ગ્રામ્‍ય અને દૂરના વિસ્‍તારો સુધી કમ્‍પ્‍યૂટર આધારિત પરીક્ષણ (CBT)ની સુવિધાઓ પહોંચાડી શકાય. દિવ્‍યાંગો માટે સુલભ વ્‍યવસ્‍થા, તમામ ભારતીય ભાષાઓમાં પરીક્ષા સામગ્રી, એકીકૃત રાષ્ટ્રીય પરીક્ષા કેલેન્‍ડર અને ફરિયાદોના નિરાકરણ માટે સ્‍વતંત્ર ‘પરીક્ષા લોકપાલ'ની નિમણૂક જેવા સુધારા દર્શાવાયા છે. આ ઉપરાંત મોંઘી કોચિગ પ્રથા પર નિર્ભરતા ઘટાડવા સરકાર દ્વારા નિઃશુલ્‍ક મોક ટેસ્‍ટ, પ્રશ્નબેંક અને ડિજિટલ શૈક્ષણિક સાધનો ઉપલબ્‍ધ કરાવવાનું સૂચવાયું છે. ટાસ્‍ક ફોર્સને તમામ સુધારા તબક્કાવાર રીતે પાયલોટ ટેસ્‍ટિંગ અને સ્‍વતંત્ર મૂલ્‍યાંકન બાદ જ અમલી બનાવવા અપીલ કરાઈ છે

(10:05 AM IST)