<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

સુરત લિંબાયત ડબલ મર્ડરના આરોપીનું ઘટનાસ્થળે રી-કન્સ્ટ્રક્શન

પોલીસે આરોપીને જેલ હવાલે કર્યોઃ આકરા પગલાથી ગુનેગારોનીમાં ફફડાટ

સુરતઃ શહેરના ના લિંબાયત ડબલ મર્ડર કેસમાં પોલીસે આરોપીઓ પાસે ક્રાઈમ સીન રી-કન્સ્ટ્રક્શન કરાવી જેલહવાલે કર્યા છે. વૈજ્ઞાનિક ઢબે પુરાવા એકત્ર કરવાની કામગીરી તેજ કરાઈ છે.

 સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં બનેલી ચકચારી ડબલ મર્ડરની ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. નિર્મમ હત્યા નિપજાવનાર આરોપીઓને પકડી પાડ્યા બાદ આજે લિંબાયત પોલીસ દ્વારા ઘટનાસ્થળે ક્રાઈમ સીન રી-કન્સ્ટ્રક્શન અને પંચનામું કરવામાં આવ્યું હતું. પોલીસની આ કડક કાર્યવાહી બાદ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.

લિંબાયત પોલીસે ડબલ મર્ડર કેસના આરોપીઓને સાથે રાખીને તે જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા જ્યાં આ જઘન્ય અપરાધ આચરવામાં આવ્યો હતો. આરોપીઓએ કઈ રીતે હુમલો કર્યો, કયા હથિયારોનો ઉપયોગ કર્યો અને ઘટના બાદ કઈ દિશામાં ભાગ્યા હતા, તે તમામ બાબતોનું પોલીસે ઝીણવટભર્યું રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું.

આ કેસમાં આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે સુરત પોલીસે ટેકનિકલ અને વૈજ્ઞાનિક પુરાવાઓ પર વધુ ભાર મૂક્યો છે, જેમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમ દ્વારા ઘટનાસ્થળેથી લોહીના નમૂના અને અન્ય મહત્વના પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, પોલીસે સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેલ્સ અને આરોપીઓના નિવેદનોને વૈજ્ઞાનિક ઢબે તપાસીને મજબૂત ચાર્જશીટ તૈયાર કરવાની કામગીરી તેજ કરી છે.

પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા બાદ અને ઘટનાસ્થળે પંચનામાની વિધિ પતી ગયા પછી, તમામ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટના આદેશ બાદ હવે આરોપીઓને જેલહવાલે કરી દેવામાં આવ્યા છે. લિંબાયત પંથકમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે આકરી કાર્યવાહી કરીને ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દીધો છે.

(3:22 PM IST)