<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

મોલના ચેન્જિંગ રૂમમાં સગીરાનું રેકોર્ડિંગ કરવાનો ગંભીર મામલો: ગુજરાત હાઈકોર્ટે પોક્સો (POCSO) હેઠળની FIR રદ કરી, આરોપીને ૧ મહિનો હોસ્પિટલમાં સેવા આપવાનો આદેશ!

સગીરાના અભ્યાસ અને ભવિષ્યને ધ્યાનમાં રાખી માતા-પિતાની સંમતિ બાદ હાઈકોર્ટે આપ્યો ચુકાદો: આરોપીને સિવિલ હોસ્પિટલમાં કમ્યુનિટી સર્વિસ કરવા સાથે ચિલ્ડ્રન હોમમાં ₹૫૦,૦૦૦ જમા કરાવવા હુકમ

અમદાવાદ : મોલના શોરૂમના ચેન્જિંગ રૂમમાં કપડાં બદલી રહેલી એક સગીર બાળકીનો મોબાઈલ વડે વિડીયો રેકોર્ડ કરવાના ચર્ચાસસ્પદ અને ગંભીર મામલામાં ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી સામે નોંધાયેલી પોક્સો (POCSO) એક્ટ હેઠળની એફઆઈઆર (FIR) રદ કરી છે. જોકે, ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે આરોપીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક મહિના માટે કમ્યુનિટી સર્વિસ (સમુદાય સેવા) કરવાનો અને ચિલ્ડ્રન હોમના બાળકોના કલ્યાણ માટે રૂ. ૫૦,૦૦૦ જમા કરાવવાનો કડક નિર્દેશ આપ્યો છે.

આ ઘટના ત્યારે સામે આવી હતી જ્યારે મોલમાં પોતાની પુત્રી સાથે ગયેલા માતા-પિતાએ ચેન્જિંગ રૂમના ફ્લોર પર વિડીયો રેકોર્ડિંગ ચાલુ હોય તેવો મોબાઈલ જોયો હતો. તપાસ કરતા બાજુના રૂમમાંથી આરોપીએ પોતાનો ફોન હોવાનું સ્વીકાર્યું હતું, પરંતુ સંતોષકારક જવાબ ન મળતા પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો હતો. જોકે, સુનાવણી દરમિયાન સગીરાના માતા-પિતાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે કોર્ટ કેસ અને પોલીસ કાર્યવાહીના કારણે તેમની તેજસ્વી દીકરીના માનસિક સ્વાસ્થ્ય અને ધોરણ ૧૦ ના પરિણામ પર ખૂબ જ માડી અસર પડી છે. દીકરીના ભવિષ્ય અને અભ્યાસને ધ્યાનમાં રાખીને તેમણે આ વિવાદ આખરી રીતે બંધ કરવા સંમતિ દર્શાવી હતી.

ન્યાયાધીશ એમ.કે. ઠક્કરે આદેશ આપતા નોંધ્યું કે બાળકીના ગૌરવ અને ગોપનીયતાના અધિકારને માન્યતા આપીને એફઆઈઆર રદ કરવામાં આવે છે. પરંતુ આરોપીને તેની ભૂલનું ભાન થાય તે માટે તેને ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬ થી ૯ ઓક્ટોબર ૨૦૨૬ સુધી અસારવા સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ સમક્ષ રિપોર્ટ કરીને સેવા આપવી પડશે. જો સેવા દરમિયાન આરોપી તરફથી કોઈ ગેરવર્તણૂક કે ગેરહાજરી જણાશે તો આ FIR ફરીથી જીવંત કરવામાં આવશે. ઉપરાંત જમા કરાવાયેલા રૂ. ૫૦,૦૦૦ નો ઉપયોગ માત્ર અનાથ અને જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ અને સંભાળ માટે જ કરવામાં આવશે.

(6:04 PM IST)