<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

રાજ્યની શાળાઓમાં 1100 કરતા વધુ જગ્યાઓ માટે વ્યાયામ શિક્ષકોની કરાશે ભરતી: ઓગસ્ટ મહિનામાં પ્રક્રિયા થશે શરૂ

રાજ્યની સરકારી શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ ભરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીલીઝંડી આપી દીધી

અમદાવાદ :ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની સરકારી શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ ભરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીલીઝંડી આપી દીધી છે. આ નિર્ણયથી રાજ્યના ખેલકૂદ ક્ષેત્રને મોટો વેગ મળશે.

 

મળતી માહિતી મુજબ, વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયાની શરૂઆત આગામી ઓગસ્ટ મહિનામાં કરવામાં આવશે. સરકારનો લક્ષ્યાંક છે કે દિવાળી સુધીમાં આ સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે અને લાયક ઉમેદવારોને નિમણૂક પત્રો આપી દેવામાં આવે.

 

 

આ ભરતી પ્રક્રિયાને પારદર્શક અને આધુનિક બનાવવા માટે શિક્ષણ વિભાગ આગામી બે મહિનામાં વ્યાયામ શિક્ષકો માટેના નવા ભરતી નિયમો એટલે કે આર.આર. નક્કી કરશે. આ નિયમોના આધારે જ લાયકાત અને પસંદગીના ધોરણો નક્કી કરવામાં આવશે.

 

 

સરકારના નવા નિર્ણય મુજ જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 500 થી વધુ છે, ત્યાં કાયમી વ્યાયામ શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે. તેમજ જે શાળાઓમાં વિદ્યાર્થી સંખ્યા 500 થી ઓછી છે, ત્યાં હાલની ખેલ સહાયકની નિમણૂક યથાવત રાખવામાં આવશે.

આ નિર્ણયથી રાજ્યની મોટી શાળાઓમાં રમતગમતનું સ્તર સુધરશે અને વિદ્યાર્થીઓને વ્યાવસાયિક તાલીમ મળી રહેશે. 1100 થી વધુ જગ્યાઓ પર સીધી ભરતી થવાથી રમતગમત ક્ષેત્રના સ્નાતકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

(1:46 PM IST)