<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

PM શ્રી યોજના હેઠળ રાજ્યની 426 શાળાઓમાં રિસોર્સ પર્સન અને કોચની ભરતી:જાણો દિવસનું કેટલું મહેનતાણું મળશે?

આર્ટ એન્ડ ક્રાફ્ટ, મ્યુઝીક – કમ – ડાન્સ તેમજ યોગા અને સ્પોર્ટ્સ ટીચર-કોચ માટે ભરતી કરવામાં આવશે

રાજ્યના શિક્ષણ વિભાગે PM SHRI (GoG) યોજના હેઠળ રાજ્યની 426 શાળાઓમાં વિવિધ ક્ષેત્રના રિસોર્સ પર્સન અને કોચની કરાર આધારિત ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. વિદ્યાર્થીઓમાં કલા, સંગીત, નૃત્ય, યોગ અને રમતગમત જેવી સહશૈક્ષણિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જાહેરાત મુજબ આર્ટ એન્ડ ક્રાફ્ટ, મ્યુઝીક – કમ – ડાન્સ તેમજ યોગા અને સ્પોર્ટ્સ ટીચર-કોચ માટે ભરતી કરવામાં આવશે. ઉમેદવારોની પસંદગી સંબંધિત શાળાની સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (SMC) દ્વારા કરવામાં આવશે.

આ ભરતીમાં કામગીરીનો સમયગાળો માર્ચ-2027 સુધી મહત્તમ 100 દિવસનો રહેશે. ઉમેદવારોની પસંદગી જાહેરનામું, અરજી અને મેરિટના આધારે કરવામાં આવશે. અરજી કરવા માટે ઉમેદવારોને ઓછામાં ઓછા 7 દિવસનો સમય આપવામાં આવશે.

શિક્ષણ વિભાગના નિર્ણય મુજબ પસંદગી બેઠક દરમિયાન SMCના ઓછામાં ઓછા 80 ટકા સભ્યોની હાજરી ફરજિયાત રહેશે. જો પસંદ થયેલો ઉમેદવાર કામગીરી છોડે તો મેરિટ યાદીમાં આગામી ક્રમે આવેલા ઉમેદવારને તક આપવામાં આવશે. જ્યારે યોગ્ય ઉમેદવાર ઉપલબ્ધ નહીં હોય ત્યારે નવી ભરતી માટે ફરી જાહેરાત બહાર પાડવામાં આવશે.

પસંદગી પામેલા ઉમેદવારોને દિવસદીઠ રૂ. 864 મહેનતાણું ચૂકવવામાં આવશે. આ ભરતી દ્વારા PM SHRI શાળાઓમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કલા, સંગીત, નૃત્ય, યોગ અને રમતગમત જેવી પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન મળશે.

(11:36 PM IST)