News of Thursday, 30th July 2026
છોટાઉદેપુરમાં બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ
સંભવિત આપત્તિને પહોંચી વળવા માટે બોડેલી ખાતે 30 જવાનોની NDRF ટીમ આધુનિક બોટ અને રેસ્ક્યૂ સાધનો સાથે તૈનાત: લોકોને નદી-નાળાથી દૂર રહેવા અને અફવાઓથી બચવા અપીલ

હવામાન વિભાગ દ્વારા ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં આગામી 30 અને 31 જુલાઈના રોજ મુશળધાર આકાશી આફતને પગલે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સંભવિત આપત્તિ અને પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા બોડેલી ખાતે અત્યારથી જ NDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. આ કટોકટીમાં નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
ગુજરાતમાં ચોમાસાના વર્તમાન સમયગાળા દરમિયાન હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજા બુલેટિન અનુસાર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામી 48 કલાક અત્યંત ભારે સાબિત થઈ શકે છે. જિલ્લાના જુદા-જુદા તાલુકાઓમાં વાદળ ફાટવા જેવી પરિસ્થિતિ અથવા અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના મતે, બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે મધ્ય ગુજરાતના આ આદિવાસી બહુલ ધરાવતા જિલ્લામાં ભારે નુકસાન થવાની ભીતિ છે. આ ચેતવણીને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક અસરથી તમામ સરકારી અધિકારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે અને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યા છે.
કોઈપણ આપત્તિજનક પૂરની સ્થિતિ સર્જાય તો નાગરિકોને ઝડપથી રેસ્ક્યૂ કરી શકાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા વડોદરાથી તાત્કાલિક ધોરણે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ બળ (NDRF) ની ટુકડી બોલાવી લેવામાં આવી છે. જિલ્લાના કેન્દ્ર સમાન બોડેલી ખાતે 30 જેટલા તાલીમબદ્ધ અને સક્ષમ જવાનોને સ્ટેન્ડબાય મોડ પર રાખવામાં આવ્યા છે.
(12:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
