તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
આજે ડાંગ, તાપી, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૯ તાલુકામાં વરસાદ નોંધાયો : સુરત, નવસારી અને વલસાડ જિલ્લા અને દમણ તથા દાદરા નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર

ગાંધીનગર તા.૨૪ :.. પ્રિમોનસૂન એક્ટિવિટી વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૧૯ તાલુકાઓમાં હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં નોંધાયા છે. માહિતી અનુસાર, ડાંગ જિલ્લો અને સૌરાષ્ટ્રનું ગોંડલ વરસાદનું મુખ્ય કેન્દ્ર રહ્યા છે, જ્યાં ૨ ઇંચ કરતા વધુ વરસાદ ખાબકયો છે.
ગુજરાતના હવામાન વિભાગની આગાહી અનુસાર સવારના સાત વાગ્યાથી દસ વાગ્યાની વચ્ચે આજે રાજ્યના ૪ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ડાંગ, તાપી, નર્મદા અને છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે. જ્યારે બીજી બાજુ સુરત, નવસારી અને વલસાડ જિલ્લા અને દમણ તથા દાદરા નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
રાજ્યમાં ગઈકાલે સવારે ૬ થી રાત્રે ૮ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ ડાંગના આહવા અને રાજકોટના ગોંડલમાં નોંધાયો છે.ડાંગ જિલ્લામાં સૌથી વધુ ૬૮ મિલીમીટર (૨.૬૮ ઇંચ) વરસાદ નોંધાયો છે. અહીં મુખ્યત્વે સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન ૨ ઇંચ જેટલો ભારે વરસાદ તૂટી પડ્યો હતો.
જ્યારે ગોંડલ તાલુકામાં ૫૪ મિલીમીટર (૨.૧૩ ઇંચ) વરસાદ ખાબકયો છે. ગોંડલમાં રાત્રે ૬ થી ૮ વાગ્યાના સમયગાળામાં જ મોટો ભાગનો (૪૬ મીમી) વરસાદ નોંધાયો હતો.કપરાડા (વલસાડ દક્ષિણ ગુજરાતના કપરાડામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જ્યાં કુલ ૩૭ મિલીમીટર (૧.૪૬ ઇંચ) વરસાદ નોંધાયો છે. અહીં બપોરે ૨ થી ૪ વચ્ચે ૨૫ મીમી વરસાદ પડ્યો હતો.
જ્યારે રાજકોટના કોટડા સાંગાણી, તાપીના ઉકાઈ, છોટાઉદેપુરના કાવંત તથા બોટાદના રાણપુરમાં એક ઈંચથી ઓછું વરસાદ ખાબકયો હતો. ઉલ્લેખનીય છે કે આ વખતે ચોમાસું ગુજરાત તરફ પહોંચવામાં નબળું સાબિત થયું છે અને સમય કરતા ઘણું મોડું પડી ગયું છે જેને લઈને ચિંતા વ્યાપી ગઈ છે.
મુંબઈમાં વરસાદનું આગમન થઇ જતાં ગુજરાતમાં વહેલી તકે મેઘરાજાની શાનદાર સવારી જોવા મળશે તેવી આશા વધી ગઈ છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
