News of Sunday, 21st June 2026
ખેડામાં SMCની રેડ :કપડવંજ તાલુકા પંચાયતના ભાજપના સભ્યના પુત્ર લિંકન ઝાલા 5.95 લાખના દારૂ સાથે ઝડપાયો
ભાજપના સદસ્ય મફત ઝાલાએ પોતાના સગા પુત્ર લિંકન ઝાલા સાથે છેડો ફાડી નાખ્યો:તેમણે દાવો કર્યો કે, "મારો દીકરો છેલ્લા દોઢ વર્ષથી મારી સાથે રહેતો જ નથી અને તેની સાથે મારે કોઈ લેવાદેવા કે સંબંધ નથી

ખેડા જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા કરવામાં આવી રેડમાં વિદેશી દારૂની હેરાફેરીમાં સત્તાધારી પક્ષ ભાજપનું કનેક્શન સામે આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે. SMC દ્વારા શનિવારે કરવામાં આવેલી રેડમાં કપડવંજ તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય મફતભાઈ ઝાલાના પુત્ર લિંકન ઝાલાને દારૂની ખેપ મારતા રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી રૂપિયા 5.95 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ચકચારી મામલામાં ભાજપનું નામ ઉછળતા જ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ હરકતમા આવ્યા હતા. પ્રમુખ દ્વારા કડક પગલાં લેવાની ચીમકી આપવામાં આવતા જ અત્યાર સુધી અંડરગ્રાઉન્ડ થઈ ગયેલા ભાજપના નેતા મફતભાઈ ઝાલા તાત્કાલિક મીડિયા સમક્ષ દોડી આવ્યા હતા. જોકે, પુત્ર ગુનાહિત પ્રવૃત્તિમાં પકડાતા જ નેતાજીના સૂર સંપૂર્ણપણે બદલાઈ ગયા હતા અને તેમણે પક્ષમાંથી પોતાની આબરૂ બચાવવા માટે લૂલો બચાવ શરૂ કર્યો હતો.
મીડિયા સમક્ષ કેમેરા સામે આવીને ભાજપના સદસ્ય મફત ઝાલાએ પોતાના સગા પુત્ર લિંકન ઝાલા સાથે છેડો ફાડી નાખ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, "મારો દીકરો છેલ્લા દોઢ વર્ષથી મારી સાથે રહેતો જ નથી અને તેની સાથે મારે કોઈ લેવાદેવા કે સંબંધ નથી." હવે સવાલ એ ઊભો થાય છે કે, શું નેતાજી ખરેખર સાચું બોલી રહ્યા છે કે પછી પોતાની રાજકીય કારકિર્દી અને પદ બચાવવા માટે સગા દીકરાને નકારી રહ્યા છે? આ મામલો હાલ સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
