તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
અમદાવાદમાં મકાનોની ડિમાન્ડ ઘટતાં રિડેવલપેમન્ટ ટલ્લે ચઢયું
કન્સ્ટ્રક્શનની કોસ્ટ વધવાની સાથે તૈયાર મકાનો ન વેચાતા બિલ્ડરો માટે ખર્ચા કાઢવું મુશ્કેલ બન્યું: નવા પ્રોજેક્ટ્સનું લોન્ચિંગ પણ તળિયે પહોંચી ગયું : ૪૦૦ જેટલી સોસાયટી હાલ રિડેવલપમેન્ટ માટે બિલ્ડર્સ સાથે ચર્ચા-વિચારણા કરી રહી છે

અમદાવાદ તા.૨૧: અમદાવાદમાં નવા મકાનોની ડિમાન્ડ તળિયે પહોંચતા રિડેવલપમેન્ટના પ્રોજેક્ટ્સ પણ ટલ્લે ચઢી ગયા છે, શહેરમાં ત્રીસેક વર્ષથી પણ વધુ જૂની હોય તેવી સોસાયટીઓની સંખ્યા ખૂબ જ મોટી છે તેવામાં હવે જેમના રિડેવલપમેન્ટના કામ ચાલી રહ્યા છે તેમાંના અમુક પ્રોજેક્ટ્સ ઠપ્પ થઈ ગયા હોય તેવી સ્થિતિ છે. જો સોસાયટી રિડેવલપમેન્ટમાં જાય તો મેમ્બર્સને મોટા મકાન, સારી એમિનિટીઝ અને નવું બાંધકામ મળતું હોય છે. જોકે, હાલની સ્થિતિમાં જેમની સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં ગઈ છે તેમાં રહેતા પરિવારો ભાડાંના ઘરમાં લાંબા સમયથી અટવાયા છે કારણકે તેમનો પ્રોજેક્ટ અટવાઈ ગયો છે જ્યારે કેટલાક કેસમાં કામકાજ હજુ ચાલુ જ નથી થયું.
હાઉસિંગની ડિમાન્ડ નબળી પડી હોવાથી રિડેવલપમેન્ટનો ધમધમાટ પણ ઠંડો પડી ગયો છે. કન્સ્ટ્રક્શન કોસ્ટમાં થયેલા વધારા ઉપરાંત સોસાયટીના મેમ્બર્સ સાથે અમુક મુદ્દા પર સહમતી ના થતાં બિલ્ડરો રિડેવલપમેન્ટમાં હાથ નાખવાનું ટાળી રહ્યા છે. પરિમલ ગાર્ડન પાસે આવેલી બે સોસાયટીઓમાં પણ આવું જ થયું છે, તેના રિડેવલપેમન્ટની વાતો છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી છે પરંતુ અમુક મેમ્બર્સ તેની સાથે સહમત ના હોવાથી હજુ સુધી તેના પ્ંશ્ સાઈન નથી થઈ શક્યા.
આવી એક સોસાયટીના ચેરમેન રાજકુમાર ભાક્કડે સાથે વાત કરતા જણાવ્યું હતું કે બિલ્ડરે રિડેવલપમેન્ટનું કામકાજ જલ્દી શરૂ થશે તેવું આશ્વાસન આપ્યા બાદ ઘણા મેમ્બર્સ પોતાના ઘર ખાલી કરી ભાડાંના મકાનમાં રહેવા ચાલી ગયા હતા. બિલ્ડરે એક વર્ષ સુધી તેમને ભાડું પણ ચૂકવ્યું હતું, પરંતુ કેટલાક મેમ્બર્સે રિડેવલપમેન્ટનો વિરોધ કરતાં બિલ્ડરે પ્રોજેક્ટ પડતો મૂક્યો હતો. હવે એવી સ્થિતિ છે કે સોસાયટી ખાલી થઈ ગઈ છે પરંતુ રિડેવલમેન્ટ અટકી પડ્યું છે અને લોકો પોતાના ખિસ્સામાંથી ભાડું ચૂકવી રહ્યા છે. આ સોસાયટીઓ હાલ બીજા એક બિલ્ડર સાથે ડીલ કરી રહી છે પરંતુ તેની એવી ડિમાન્ડ છે કે જ્યાં સુધી દરેક મેમ્બર્સ સાઈન નહીં કરે અને પ્રોજેક્ટનું રેરામાં રજિસ્ટ્રેશન નહીં થાય ત્યાં સુધી તે ભાડું નહીં ચૂકવે.
તો બીજી તરફ બિલ્ડરોનું કહેવું છે કે હવે આવી સાવધાની રાખવી જરૂરી છે. અર્બન રિડેવલપમેન્ટ હાઉસિગ સોસાયટી વેલફેર અસોસિએશનના પ્રેસિડેન્ટ જિતેન્દ્ર શાહના જણાવ્યા અનુસાર હાલની માર્કેટ કન્ડિશનમાં રિડેવલપમેન્ટની પ્રોસેસ પણ ધીમી પડી ગઈ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે વીસેક સોસાયટીએ એક વર્ષ પહેલા રિડેવલપમેન્ટ માટે પ્ંશ્ સાઈન કરી દીધા હોવા છતાંય એક વર્ષ પછી પણ કન્સ્ટ્રક્શન શરૂ નથી થઈ શક્યું. જિતેન્દ્ર શાહનું એવું પણ કહેવું હતું કે બજારમાં ડિમાન્ડ ના હોવાથી કેટલાક બિલ્ડર્સ માટે સોસાયટીના મેમ્બર્સને ભાડું ચૂકવવું મુશ્કેલ થઈ રહ્યું છે. કેટલાક કિસ્સામાં અપાર્ટમેન્ટ્સ વેચાઈ ના રહ્યા હોવાથી બિલ્ડર્સ ભીંસમાં આવી ગયા છે. તેમણે એવી પણ સલાહ આપી કે રિડેવલપમેન્ટની ડીલ ફાઈનલ કરતા પહેલા સોસાયટીએ દરેક પાસા પર વિચાર કરવાની સાથે બિલ્ડરનો ટ્રેક રેકોર્ડ પણ તપાસવો જોઈએ.
અમદાવાદમાં હાલ ૫૦૦ જેટલી સોસાયટીઓ રિડેવલપમેન્ટના અલગ-અલગ તબક્કામાં છે, જેમાં કેટલાક પ્રોજેક્ટ્સ પૂરા થઈ ગયા છે, અમુક હાલ અંડર કન્સ્ટ્રક્શન છે કે પછી પેપર વર્ક પૂરું થઈ ચૂક્યું છે. આ ઉપરાંત ૪૦૦ જેટલી સોસાયટી હાલ રિડેવલપમેન્ટ માટે બિલ્ડર્સ સાથે ચર્ચા-વિચારણા કરી રહી છે. ડેવલપર્સનું આ અંગે એવું કહેવું છે કે મકાનો વેચાઈ ના રહ્યા હોવાથી આર્થિક ભીંસ અનુભવાઈ રહી છે, એક અંદાજ અનુસાર નવા પ્રોજેક્ટ્સમાં ૨૦ ટકા મકાનો વેચાયા વિનાના પડ્યા છે, જેના કારણે કેશ ફલો ઘટી જતાં બિલ્ડરો માટે ભાડું ચૂકવવાની સાથે કન્સ્ટ્રક્શનનો ખર્ચો કાઢવું મુશ્કેલ બન્યું છે.
કાર્તિક સોની નામના એક બિલ્ડરે આ અંગે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું કે રિડેવલપમેન્ટનું ગણિત બદલાઈ ગયું છે. કન્સ્ટ્રક્શન કોસ્ટમાં તીવ્ર વધારો થયો છે જેને લીધે જે પ્રોજેક્ટ્સ થોડા વર્ષ પહેલા નફાકારક હતા તેમનું હવે ફરી અસેસમેન્ટ કરવું પડે તેવી સ્થિતિ છે. તેવામાં જો સોસાયટી આખરી નિર્ણય લેવામાં મોડું કરે તો રાહ જોવાને બદલે બિલ્ડર બીજા પ્રોજેક્ટ્સ શોધવાનું શરૂ કરી દે છે.
અમદાવાદમાં જેમ રિડેવલપમેન્ટના પ્રોજેક્ટ્સ ટલ્લે ચઢ્યા છે તેવી જ રીતે નવા પ્રોજેક્ટ્સનું લોન્ચિંગ પણ તળિયે પહોંચી ગયું છે. અમદાવાદ મિરરના એક રિપોર્ટ અનુસાર તૈયાર થઈ ગયેલા પ્રોજેક્ટ્સમાં જ ઘણા મકાનો વેચાયા વિનાના પડી રહ્યા હોવાથી નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવાને બદલે બિલ્ડરો તૈયાર માલ વેચવા પર વધુ ધ્યાન આપી રહ્યા છે. આ જ કારણોસર આ વર્ષે રથયાત્રા પર કોઈ ખાસ નવા પ્રોજેક્ટ્સ લોન્ચ નથી થયા. પ્રોપર્ટી એક્સપર્ટ્સ તો એવું પણ માની રહ્યા છે કે કોવિડ બાદ ૨૦૨૬માં પહેલીવાર નવા પ્રોજેક્ટ્સ લોન્ચ થવાનું પ્રમાણ આ હદે ઓછું રહ્યું છે. મોટાભાગના બિલ્ડર્સ હાલની સ્કીમ પૂરી કરવાની સાથે બનીને તૈયાર હોય તેવા મકાનો વેચવા પ્રયાસ કરી રહ્યા છે જ્યારે બાકીના માર્કેટ સેન્ટિમેન્ટ સુધરે ત્યાં સુધી રાહ જોવા માગે છે. બિલ્ડરોને એવી આશા છે કે નવરાત્રી અને દિવાળીની સીઝન સુધીમાં સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
