<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

‘રિફોર્મ ઉત્સવ’: વોટરશેડ વિકાસ સુધારા છેવાડાના ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચાડવા રાજ્યવ્યાપી અભિયાન:ગાંધી જયંતિથી ગ્રામ સભાઓ મારફતે ‘સબકી યોજના સબકા વિકાસ’ અંતર્ગત જનજાગૃતિનો થયો પ્રારંભ

ગુજરાત સહિત દેશની ૯,૫૯૩ ગ્રામ પંચાયતો આ પ્રચાર-પ્રસારમાં સહભાગી થશે: છેલ્લા ૧૨ વર્ષોમાં વોટરશેડ વિકાસ કાર્યક્રમો હેઠળ દેશમાં ૩.૪ કરોડ હેક્ટર અને ગુજરાતમાં ૯.૪૫ લાખ હેક્ટર વિસ્તાર આવરી લેવાયો: મેદાની વિસ્તારોમાં નાણાકીય જોગવાઇ પ્રતિ હેક્ટર રૂ. ૧૨ હજારથી વધારીને રૂ. ૨૨ હજાર અને પહાડી/દુર્ગમ વિસ્તારોમાં રૂ.૧૫ હજારથી વધારીને રૂ. ૨૮ હજાર કરાઈ

( અશ્વિન વ્યાસ દ્વારા ) ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'કેચ ધ રેઈન' અભિયાનને વધુ વેગ આપવા કેન્દ્ર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે 'સબકી યોજના સબકા વિકાસ' - પીપલ્સ પ્લાન કેમ્પેઇન (PPC) અંતર્ગત ગાંધી જયંતિ તા. ૦૨ ઓક્ટોબર ૨૦૨૬થી ગ્રામ સભાઓ મારફતે 'રિફોર્મ ઉત્સવ' થકી વોટરશેડ વિકાસ સુધારા છેવાડાના ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચાડવાનું રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વમાં શરૂ થયેલા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વોટરશેડ વિકાસ સુધારા અને જળ સંરક્ષણની માહિતી છેવાડાના ગ્રામીણ સમુદાયો સુધી પહોંચાડીને નાગરિક-કેન્દ્રિત સુધારાઓને પ્રોત્સાહન આપવાનો છે. આ અભિયાનમાં ગુજરાત‌ સહિત દેશની કુલ ૯,૫૯૩ ગ્રામ પંચાયતો પ્રચાર-પ્રસારમાં સહભાગી થશે.જેમાં ગુજરાતમાં ૫૧ વોટરશેડ વિકાસ પ્રકલ્પો અંતર્ગત આવરી લેવાયેલી ૪૧૯ ગ્રામ પંચાયતો, ત્યારબાદ જિલ્લા તથા પ્રોજેક્ટ સ્તરે ૪૧૦ સ્થળો પર આ પ્રવૃત્તિઓ યોજવાનું આયોજન છે તેમ, ગુજરાત સ્ટેટ વોટરશેડ મેનેજમેન્ટ એજન્સી, ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

નોંધનીય છે કે, રાજ્ય અને કેન્દ્રના સંયુક્ત પ્રયાસોથી છેલ્લા ૧૨ વર્ષોમાં વોટરશેડ વિકાસ કાર્યક્રમો હેઠળ દેશમાં ૩.૪ કરોડ હેક્ટર અને ગુજરાતમાં ૯.૪૫ લાખ હેક્ટર વિસ્તાર આવરી લેવાયો છે. પાયાની કામગીરીના પરિણામે ભૂગર્ભ જળસ્તરમાં ૩ મીટર સુધીનો વધારો, વાવેતર વિસ્તારમાં ૩૦ ટકા સુધીનો વધારો, દૂધ ઉત્પાદનમાં ૪૦ ટકા સુધીનો વધારો અને ખેડૂતોની વાર્ષિક આવકમાં ૭૦ ટકા સુધીનો નોંધપાત્ર વધારો થયો છે.

અગત્યના નીતિગત સુધારાઓ:

૧.નાણાકીય જોગવાઈમાં વધારો: મેદાની વિસ્તારોમાં પ્રતિ હેક્ટર રૂ. ૧૨,૦૦૦ થી વધારીને રૂ. ૨૨,૦૦૦ અને પહાડી/દુર્ગમ વિસ્તારોમાં રૂ. ૧૫,૦૦૦ થી વધારીને રૂ. ૨૮,૦૦૦ કરાયા છે.

૨. ઝડપી અમલીકરણ: પ્રોજેક્ટનો સમયગાળો ૭ વર્ષથી ઘટાડીને ૫ વર્ષ કરાયો છે, જેથી જમીન અને જળ સંરક્ષણના કામો વહેલા પૂર્ણ થઈ શકે.

૩.ઉત્પાદકતા અને આજીવિકા: ગુણવત્તાયુક્ત બિયારણ,સુધારેલા કૃષિ ઓજારો, બાગાયત, એગ્રોફોરેસ્ટ્રી અને સ્થાનિક આબોહવાને અનુકૂળ પદ્ધતિઓથી ખેડૂતોની આવક વધી રહી છે.

૪.સ્પ્રિંગશેડ વિકાસ: પહાડી ક્ષેત્રોમાં ઝરણાંના પુનરુદ્ધારથી પાણીના પ્રવાહમાં ત્રણ ગણો વધારો થયો છે. વોટરશેડ વિકાસને માત્ર સરકારી કાર્યક્રમમાંથી 'જન આંદોલન' બનાવવા "વોટરશેડ યાત્રા" અને "વોટરશેડ મહોત્સવ" જેવા કાર્યક્રમો હાથ ધરાયા છે. ગુજરાત સ્ટેટ વોટરશેડ મેનેજમેન્ટ એજન્સી (GSWMA) અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા 'ફાઇલ'થી 'લાઇફ' સુધી સુધારાઓ પહોંચાડીને વિકસિત ભારત@૨૦૪૭ માટે 'દુષ્કાળ મુક્ત ભારત' બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.

(1:49 PM IST)