તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
નવસારીના ગણદેવીમાં સબંધ શર્મસાર :દક્ષિણ આફ્રિકાથી આવેલ પિતાએ પોતાની જ સગીર પુત્રી પર દુષ્કર્મ આચર્યું
દીકરીની માતા નોકરી પર જતી ત્યારે આરોપી પિતા ઘરમાં એકલી રહેલી પુત્રી સાથે જબરદસ્તી દુષ્કર્મ આચરતો :દુષ્કર્મ બાદ આરોપીએ સગીરાને ગર્ભનિરોધક દવા પણ પીવડાવી અને કોઈને ન કરવા માટે ધમકીઓ આપી

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દક્ષિણ આફ્રિકાથી ભારત આવેલા એક નરાધમ પિતાએ પોતાની જ 14 વર્ષની સગીર પુત્રીને હવસનો શિકાર બનાવ્યાનો ગંભીર આરોપ સામે આવ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ, જ્યારે દીકરીની માતા નોકરી પર જતી હતી ત્યારે આરોપી પિતા ઘરમાં એકલી રહેલી પુત્રી સાથે જબરદસ્તી દુષ્કર્મ આચરતો હતો. પોલીસ ફરિયાદ અનુસાર 9, 10 અને 11 મે, 2026 દરમિયાન સતત ત્રણ દિવસ સુધી આરોપીએ સગીર પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું.
આરોપ એટલો જ નહીં, પરંતુ દુષ્કર્મ બાદ આરોપીએ સગીરાને ગર્ભનિરોધક દવા પણ પીવડાવી હતી અને સમગ્ર ઘટનાની જાણ કોઈને ન કરવા માટે ધમકીઓ આપી હતી. ડરના કારણે દીકરી લાંબા સમય સુધી ચૂપ રહી હતી.
બાદમાં સગીરાની માતાને સમગ્ર ઘટનાની જાણ થતાં તેમણે તાત્કાલિક ગણદેવી પોલીસ મથકનો સંપર્ક કર્યો અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે પોક્સો (POCSO) અધિનિયમ તેમજ દુષ્કર્મ સંબંધિત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ઘટના બાદ ફરાર થયેલા આરોપી પિતાની પોલીસે ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે. હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
આ તરફ પીડિતાની માતાએ આરોપી સામે કડકમાં કડક સજાની માંગણી કરી છે. તેમણે જણાવ્યું કે આવા હવસખોરને માત્ર સાત વર્ષની સજા નહીં, પરંતુ આજીવન કારાવાસ અથવા ફાંસી જેવી કડક સજા થવી જોઈએ, જેથી સમાજમાં એક કડક સંદેશ જાય.
સાથે જ તેમણે સરકાર સમક્ષ માંગ કરી છે કે આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવામાં આવે અને આરોપીને એવી સજા આપવામાં આવે કે જે ભવિષ્યમાં આવા ગુનાઓ કરનારાઓ માટે દાખલારૂપ બને.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
