<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

રાજ્યની કોલેજોમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર : GCAS પોર્ટલ પર હવે કોઈપણ કોલેજ ખાતેથી નિઃશુલ્ક ફોર્મ ભરી શકાશે

સાયબર કાફેમાં ફોર્મ ભરતી વખતે થતી ભૂલો રોકવા શિક્ષણ વિભાગની નવી પહેલ : પ્રથમ દિવસે જ 21 હજારથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી અને હેલ્પ ડેસ્ક દ્વારા મૂંઝવણોનું નિરાકરણ કરાયું

ગાંધીનગર:  ગુજરાતની કોલેજોમાં એડમિશન મેળવવા માટેની ઓનલાઇન પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ અને વિદ્યાર્થીલક્ષી નિર્ણય લીધો છે. ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલ પર ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓ દ્વારા થતી ટેકનિકલ અને વિગતોની ભૂલોને અટકાવવા માટે હવે રાજ્યની તમામ કોલેજોને 'સહાય કેન્દ્ર' તરીકે કાર્યરત કરવામાં આવી છે.

 કોલેજો બનશે સહાય કેન્દ્ર:

સામાન્ય રીતે વિદ્યાર્થીઓ પ્રવેશ ફોર્મ ભરવા માટે સાયબર કાફે પર નિર્ભર રહેતા હોય છે, પરંતુ ત્યાં ફોર્મ ભરતી વખતે અનેક વિગતોમાં ક્ષતિઓ રહી જતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે તમામ કોલેજોને સૂચના આપવામાં આવી છે કે તેઓએ વિદ્યાર્થીઓને એડમિશન ફોર્મ ભરવામાં સહાય પૂરી પાડવી. હવે કોઈપણ વિદ્યાર્થી પોતાની નજીકની કોલેજમાં જઈને નિઃશુલ્ક ફોર્મ ભરી શકશે. પોર્ટલ દ્વારા અપીલ કરવામાં આવી છે કે ખોટી માહિતી અથવા ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં થતી ભૂલોથી બચવા માટે અધિકૃત સહાય કેન્દ્રો કે કોલેજોની જ મદદ લેવી.

 પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓનો ભારે ધસારો:

પ્રવેશ પ્રક્રિયાના પ્રારંભ સાથે જ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. પોર્ટલ કાર્યરત થતાની સાથે જ માત્ર 24 કલાકમાં 21,000 થી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. આ ઉપરાંત, ટેકનિકલ પ્રશ્નો અને પ્રક્રિયાની સમજ મેળવવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હેલ્પ ડેસ્કનો સંપર્ક સાધ્યો હતો. આંકડાકીય માહિતી મુજબ, પ્રથમ દિવસે અંદાજે 425 જેટલા વિદ્યાર્થીઓએ ટેકનિકલ મૂંઝવણો અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.

શિક્ષણ વિભાગના આ નવતર પ્રયોગથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અને વાલીઓને મોટી રાહત મળશે. કોલેજ ખાતે જ ફોર્મ ભરવાની સુવિધા મળવાથી રજીસ્ટ્રેશન સંબંધિત મુશ્કેલીઓમાં નોંધપાત્ર ઘટાડો થશે અને વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં કોઈ અવરોધ આવશે નહીં તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(1:10 PM IST)