News of Sunday, 26th July 2026
વલસાડ જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂરની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા યુદ્ધના ધોરણે રાહત કાર્ય શરૂ :સર્વે કરવા માટે 150થી વધુ ટીમો કાર્યરત
અસરગ્રસ્ત પરિવારોને રોકડ સહાય અને ઘરવખરી નુકસાન પેટે રૂ. 1 કરોડથી વધુની રકમ સીધી તેમના સુધી પહોંચાડાઈ : સ્થાનિક સ્તરે ડ્રેનેજ સિસ્ટમ સુધારવા અને સલામત સ્થળે આશ્રયસ્થાનો ઊભા કરવા અંગે કવાયત

વલસાડ જિલ્લામાં હાલમાં થયેલી અતિવૃષ્ટિ અને પૂરની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક ધોરણે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે જેથી નાગરિકો આ મુશ્કેલ સમયમાંથી બહાર આવી શકે.
સરકાર દ્વારા અત્યાર સુધીમાં અસરગ્રસ્ત પરિવારોને રોકડ સહાય અને ઘરવખરી નુકસાન પેટે રૂ. 1 કરોડથી વધુની રકમ સીધી તેમના સુધી પહોંચાડવામાં આવી છે. આ ઉપરાંત, દુર્ઘટનામાં જીવ ગુમાવનાર 4 મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને નિયમ અનુસાર સહાય ચૂકવીને સાંત્વના આપવામાં આવી છે.
કોઈપણ સાચો અસરગ્રસ્ત પરિવાર સહાયથી વંચિત ન રહી જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ 150થી વધુ વિશેષ ટીમો બનાવવામાં આવી છે.
આ ટીમો દ્વારા ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને નુકસાનનો અંદાજ મેળવવામાં આવી રહ્યો છે. ખેતીની જમીન, કાચા-પક્કા મકાનો અને વેપારી નુકસાનની વિગતો એકત્રિત કરી પારદર્શક રીતે રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ સર્વેમાં સહકાર આપે જેથી સાચી માહિતી સમયસર મળી શકે.
ભવિષ્યમાં આવી આપત્તિઓ સામે રક્ષણ મેળવવા માટે સ્થાનિક સ્તરે ડ્રેનેજ સિસ્ટમ સુધારવા અને સલામત સ્થળે આશ્રયસ્થાનો ઊભા કરવા અંગેની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. તંત્ર અને જનતાના સંયુક્ત પ્રયાસોથી વલસાડ ફરીથી પોતાની બેઠક પર મજબૂતાઈથી ઊભું થશે.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
