હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદમાં અષાઢી રથયાત્રા પૂર્વે ધાર્મિક ઉત્સાહનો માહોલ: જમાલપુર જગન્નાથ મંદિરમાં પરંપરાગત ‘જળયાત્રા’ મહોત્સવને લઈને વહીવટી તંત્ર અને ભક્તોમાં અદભુત ઉત્સાહ, ગંગાપૂજન બાદ કળશમાં લાવવામાં આવનારા પવિત્ર જળથી કરાશે મહાઅભિષેક
જેઠ સુદ પૂનમના પાવન અવસરે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા વાજતે-ગાજતે મોસાળ સરસપુર જવા રવાના થશે; ગજરાજ, સુશોભિત પાલખીઓ અને ભજન મંડળીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે, મંદિરમાં તડામાર તૈયારીઓ આખરી ઓપમાં

ખાસ પ્રતિનિધિ, અમદાવાદ : સાંસ્કૃતિક અને ધાર્મિક નગરી અમદાવાદમાં દર વર્ષે યોજાતી જગવિખ્યાત રથયાત્રાના મંગળ મંડાણ હવે ગણતરીના દિવસોમાં જ થવા જઈ રહ્યા છે. અષાઢી બીજે યોજાનારી ભવ્ય રથયાત્રા પૂર્વેના સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક ચરણ ગણાતા ‘જળયાત્રા’ ઉત્સવની અમદાવાદના જમાલપુર સ્થિત ઐતિહાસિક શ્રી જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચાલુ વર્ષે પણ આગામી જેઠ સુદ પૂનમના પવિત્ર દિવસે અતિ પ્રાચીન વૈદિક પરંપરા અનુસાર ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા નીકળશે. આ ધાર્મિક ઉત્સવને પગલે મંદિર પ્રશાસન, સાધુ-સંતો અને સ્થાનીય વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
સાબરમતી નદીના કિનારે યોજાશે ભવ્ય ગંગાપૂજન
જગન્નાથ મંદિરના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જેઠ સુદ પૂનમના દિવસે વહેલી સવારે મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ એક વિશાળ અને ભવ્ય શોભાયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભૂઇયા ઘાટ ભણી પ્રયાણ કરશે. આ પરંપરાગત જળયાત્રામાં સૌથી આગળ મંદિરના ગજરાજ (હાથીઓ) લાઇનબદ્ધ ચાલશે, જે નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમની પાછળ સુશોભિત પાલખીઓ, વિવિધ અખાડાના સાધુ-સંતો, રાસ-ગરબાની રમઝટ બોલાવતી મંડળીઓ અને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હરિનામના સંકીર્તન સાથે જોડાશે. સાબરમતી નદીના તટે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને વેદ મંત્રોચ્ચાર સાથે ભૂદેવો દ્વારા ગંગાપૂજનની વિધિ સંપન્ન કરવામાં આવશે. ત્યારબાદ પિત્તળ અને તાંબાના ૧૦૮ પવિત્ર કળશોમાં નદીનું જળ ભરીને વાજતે-ગાજતે પુનઃ મંદિરે લાવવામાં આવશે.
૧૦૮ કળશના જળથી મહાઅભિષેક અને ગજવેશ દર્શન
નદીએથી લાવવામાં આવેલા આ પવિત્ર જળ વડે મંદિરમાં બિરાજમાન ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાનો વૈદિક મંત્રોચ્ચાર સાથે ભવ્ય શોડષોપચાર અભિષેક કરવામાં આવશે. જળાભિષેકની આ દિવ્ય વિધિ બાદ પ્રભુને વિશેષ રૂપે ‘ગજવેશ’ (ગણપતિ સ્વરૂપ) ધારણ કરાવવામાં આવશે. વર્ષમાં માત્ર એક જ વાર ભગવાનના આ વિશિષ્ટ ગજવેશના દર્શન થતા હોવાથી આ દર્શનનું ભક્તોમાં અનેરું મહાત્મ્ય રહેલું છે. આ અલૌકિક ક્ષણના સાક્ષી બનવા માટે સમગ્ર ગુજરાતમાંથી હજારોની મેદની ઉમટી પડશે જેને ધ્યાનમાં રાખીને મંદિરમાં ચુસ્ત સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.
અભિષેક બાદ પ્રભુ જશે મોસાળ, ૧૫ દિવસ મંદિરના દ્વાર બંધ રહેશે
જળયાત્રાના દિવસે ભારે માત્રામાં થનારા જળાભિષેકને કારણે ભગવાન જગન્નાથજી પરંપરાગત રીતે બીમાર પડે છે તેવી ધાર્મિક માન્યતા છે. આથી, પૂનમની સાંજે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે વાજતે-ગાજતે નગરચર્યા કરતા તેમના મોસાળ એટલે કે અમદાવાદના સરસપુર ખાતે જવા રવાના થશે. પ્રભુના મોસાળ પધારવાને લઈને સરસપુરના સ્થાનિક રહીશોમાં પણ ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે અને મોસાળ પક્ષ દ્વારા ભાણેજોના સ્વાગત માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે. ભગવાન મોસાળ જતાં જ મુખ્ય જગન્નાથ મંદિરના દ્વાર ભક્તો માટે આગામી ૧૫ દિવસ સુધી બંધ થઈ જશે, જેને ધાર્મિક પરિભાષામાં 'ઓઝર' અથવા 'અણસર' કહેવામાં આવે છે. આ ૧૫ દિવસ દરમિયાન પ્રભુને માત્ર આયુર્વેદિક ઉકાળા અને વિશેષ ભોગ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ અષાઢ સુદ એકમના દિવસે પ્રભુના નેત્રોત્સવ વિધિ સાથે ભક્તો માટે પુનઃ દર્શન ખુલ્લા મૂકાશે અને અષાઢી બીજે ભવ્ય રથયાત્રા નગરમાં ભ્રમણ કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
