<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી જાણીતી લોકગાયિકા કિંજલ રબારીના જાહેરમાં અપહરણના હેવાલથી સનસનાટી

કિંજલ રબારી પતિ સાથે ચાંદખેડાના સીબીડી મૉલ વિસ્તારમાં હતા ત્યારે અચાનક કાળા રંગની ગાડીમાં કેટલાક લોકો આવ્યા અને અપહરણની આશંકા:પોલીસ તપાસમાં નવો વળાંક

અમદાવાદ :શહેરના ચાંદખેડા વિસ્તારમાં જાણીતી લોકગાયિકા કિંજલ રબારીના જાહેરમાં અપહરણના સમાચાર વાયરલ થતાં જ સમગ્ર શહેરમાં અને પોલીસ બેડામાં ભારે સન્સનાટી મચી ગઈ હતી. બપોરે 2:00 વાગ્યાના અરસામાં સીબીડી મૉલ નજીકથી ક્રેટા અને અન્ય એક કાળા રંગની ગાડીમાં આવેલા કેટલાક અજાણ્યા શખ્સો કિંજલ રબારીનું અપહરણ કરી ગયા હોવાનો મેસેજ મળતાં જ સ્થાનિક પોલીસ તંત્ર તાબડતોબ હરકતમાં આવ્યું હતું.

મળતી પ્રાથમિક માહિતી મુજબ, કિંજલ રબારી પોતાના પતિ સાથે ચાંદખેડાના સીબીડી મૉલ વિસ્તારમાં હાજર હતા. તે દરમિયાન અચાનક કાળા રંગની ગાડીમાં કેટલાક લોકો આવ્યા હતા અને અપહરણની આશંકા ઊભી થઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચાંદખેડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસરમાંથી મળેલા સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

બનાવની જાણ થતાં જ ચાંદખેડા પોલીસે આસપાસના સીસીટીવી તપાસવા સાથે સઘન પૂછપરછ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. સ્થાનિક સૂત્રો અને પોલીસ તપાસ મુજબ, કિંજલ રબારી બળજબરીપૂર્વક નહીં પરંતુ પોતે જ ગાડીમાં બેસીને ગયા હોવાનું સામે આવ્યું છે.

અપહરણના મૅસેજ બાદ પોલીસે જુદીજુદી ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે તપાસ તેજ કરી છે. હાલમાં પોલીસ એ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે કિંજલ રબારી કોની સાથે અને કયા કારણોસર ગાડીમાં ગયા છે. આ સમગ્ર મામલો કોઈ અંગત વિવાદનો છે કે પછી અન્ય કોઈ બાબત છે, તે દિશામાં ચાંદખેડા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(6:03 PM IST)