તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 18th April 2026
વડોદરા સ્થાનિક પોલીસની આબરૂના ધજાગરા: ભાયલી પોલીસ મથકની સાવ અડોઅડ ચાલતા દારૂના કટિંગ પર સ્ટેટ મોનીટરીંગ સેલે (SMC)નો સપાટો, કુખ્યાત બુટલેગર ગોરધન ઠાકોર જેલભેગો!
ખાખીના નાક નીચે જ દારૂનો વેપલો: સ્ટેટ મોનીટરીંગ સેલે લાખોનો વિદેશી દારૂ ઝડપી પાડી સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા ઉઘાડી પાડી, 20 લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરા : વડોદરાના ભાયલી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક ઘટના સામે આવી છે. સ્થાનિક તાલુકા પોલીસ મથકની બિલકુલ નજીક આવેલા ખુલ્લા મેદાનમાં નિર્ભયપણે ચાલી રહેલા વિદેશી દારૂના નેટવર્ક પર સ્ટેટ મોનીટરીંગ સેલે (SMC) ત્રાટકીને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ કે નિષ્ક્રિયતાને કારણે ચાલતા આ ગોરખધંધાનો પર્દાફાશ થતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.
બાતમીને આધારે મધરાતે દરોડો
SMCની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ભાયલી પોલીસ સ્ટેશનની હદમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે અને તેનું કટિંગ થઈ રહ્યું છે. આ બાતમીને આધારે જ્યારે SMCએ ઓચિંતો દરોડો પાડ્યો ત્યારે બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી કુખ્યાત બુટલેગર ગોરધન ઠાકોર અને તેના એક સાગરીતને દબોચી લીધા હતા. જોકે, અંધારાનો લાભ લઈને અન્ય 4 શખ્સો ભાગવામાં સફળ રહ્યા હતા.
સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો
સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે આ દારૂનો જથ્થો પોલીસ સ્ટેશનની સાવ નજીક જ ઉતારાયો હતો. પોલીસ સ્ટેશનના નાક નીચે જ બુટલેગરો આટલા બેફામ કેવી રીતે બન્યા? શું સ્થાનિક પોલીસને આ અંગે કોઈ જ જાણ નહોતી કે પછી જાણીજોઈને આંખ આડા કાન કરવામાં આવતા હતા? આ પ્રશ્નો અત્યારે વડોદરાના ચર્ચાના ચકડોળે ચઢ્યા છે. SMCની આ સફળ કામગીરીએ સ્થાનિક પોલીસની આબરૂના ધજાગરા ઉડાવ્યા છે.
કુલ 20 લાખનો મુદ્દામાલ કબજે
પોલીસે આ રેડ દરમિયાન અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી કુલ 8.37 લાખ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો છે. આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં વપરાતા વાહનો અને અન્ય સાધનો મળી કુલ 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાલમાં SMC દ્વારા ફરાર થઈ ગયેલા અન્ય ચાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ તેજ કરવામાં આવી છે.
વડોદરામાં અવારનવાર SMC દ્વારા કરવામાં આવતી આ પ્રકારની કાર્યવાહી સ્થાનિક પોલીસની કામગીરી સામે મોટા પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ સ્થાનિક પોલીસ સામે કેવા પગલાં ભરે છે.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
